ટ્રિપલ અકસ્માતમાં 4નાં મોત, રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો:ઈડર નજીક ઈકો-રીક્ષા-બુલેટ ધડાકાભેર અથડાયાં; એક જ ફળિયાના ચાર યુવાનના કરૂણ મોત, ભોય સમાજમાં શોક
એક જ ફળિયાના ચાર ભોઈ યુવાના કરૂણ મોત પ્રાથમિક માહિતી મુજબ, મૃતક ચારેય યુવાન મજૂરીકામ પૂર્ણ કરીને રાત્રે રીક્ષા (નં. GJ-09 AX-7165)માં સવાર થઈને પોતાના ઘરે ઈડર તરફ પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન, રેવાસ ગામ પાસે સમાજવાડી નજીક એક ઈકો ગાડી (નં. GJ-36 AF-3329)ના ચાલકે ગફલતભરી રીતે અને પૂરપાટ ઝડપે આવીને રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે રસ્તા પર લોહીથી ખરડાયેલી લાથો પડી હતી.
ભોઈ સમાજ પર આભ ફાટ્યું આ ભયાનક અકસ્માતમાં રીક્ષામાં સવાર ચાર પૈકી સચિન બાબુભાઈ ભોઈ અને અનિલ રમેશભાઈ ભોઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.
ગંભીર રીતે ઘવાયેલા અન્ય બે યુવાન, શૈલેષ નારણભાઈ ભોઈ અને રાજેશ ચંદુભાઈ ભોઈને તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન શૈલેષભાઈનું ઈડર સિવિલ ખાતે મોત નિપજ્યું હતું. જ્યારે રાજેશભાઈને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
આમ, એક જ દુર્ઘટનામાં એક જ ફળિયાના ચાર યુવાનના મોત થતાં ભોઈ સમાજ પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
બુલેટ સવારને પણ ઈજા આ ત્રિપલ અકસ્માતમાં ઈકો અને રીક્ષાની ટક્કર ઉપરાંત એક બુલેટ સવાર પણ ઘાયલ થયો હતો. અકસ્માતમાં ઘવાયેલો બુલેટસવાર યુવાન, જે બડોલી ગામનો રહેવાસી છે, તેને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. હાલ તે સારવાર બાદ પોતાના ઘરે પરત ફર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ તપાસ શરૂ અકસ્માતની જાણ થતાં જ રેવાસ ગામના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને મદદ પહોંચાડવાના પ્રયાસો કર્યા હતા. બીજી તરફ, ઈડર પોલીસને જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઈકોચાલક સામે અકસ્માતે મોતનો ગુનો દાખલ પોલીસે હાલ ઈકો ગાડીના ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો (IPC કલમ 304A) નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ભોઈ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આ યુવાનોના મોતથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
