ધંધૂકામાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, શેત્રુંજીના 20 દરવાજા ખોલાયા:ધાતરવડી નદીમાં ઘોડાપૂર, 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી; ઓનલાઇન પાક સર્વે સરકારનું ગતકડુંઃ કોંગ્રેસ
આજે (1 નવેમ્બર) વહેલી સવારથી 72 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. બે કલાકમાં અમદાવાદના ધંધૂકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. મોડીરાતે રાજકોટ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ખાબકેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરેયાલે જોવા મળી રહ્યાં છે. તો બીજી તરફ નદીઓ પણ ચોમાસાની માફક વહેલી થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં (ગઈકાલ સવારના 6થી આજે સવારના 6 વાગ્યા સુધી) 141 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3.46 ઈંચ તો સૌથી ઓછો અરવલ્લીના બાયડમાં 1 મિમી વરસાદ નોંધાયો છે
4 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના આજે અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
બોટાદ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ
બોટાદ જિલ્લાના ગઢડા શહેર સહિત તાલુકામાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થતા રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. શહેરનાં ભડલીના ઝાંપે, બોટાદના ઝાંપે, જીનનાકા, શ્રીજી સિનેમા રોડ સહિતના માર્ગો પર પાણી વહેતા થયા છે.
તાલુકાનાં અડતાળા, લાખણકા, માંડવધાર, રણીયાળા, ગોરડકા, ટાટમ, ગુંદાળા, પડવદર, સમઢીયાળા, વાવડી, કેરાળા, રામપરા, ચિંતાપર, માલપરા, પાટણા સહિત ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
બોટાદ શહેર તેમજ બરવાળા, રાણપુર તાલુકાઓમાં પણ ઝરમર અને ધીમીધારે વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લાં પાંચ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
