દિલ્હી એરપોર્ટ પર ટેક્નિકલ ખામીને કારણે 100 ફ્લાઈટ્સ ડિલે:પ્લેન કેટલા વાગે ઊડવાનું છે તે એર કંટ્રોલર્સ જાણી શકતા નથી, મેન્યુઅલી કામ થઈ રહ્યું છે
દિલ્હી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે 100થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે. અધિકારીઓ આ સમસ્યાને ઉકેલવા માટે કામ કરી રહ્યા છે. અહેવાલો મુજબ, ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ (AMSS)માં ખામી સર્જાઈ છે, જે ઓટો ટ્રેક સિસ્ટમને માહિતી પૂરી પાડે છે, જે ફ્લાઇટ પ્લાનિંગ માહિતી શેર કરે છે.
ગુરુવાર સાંજથી, એર કંટ્રોલર્સ ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ પ્લાન મળી શકતો નથી. ATC અધિકારીઓ હાલના ડેટાનો ઉપયોગ કરીને મેન્યુઅલી ફ્લાઇટ પ્લાન તૈયાર કરી રહ્યા છે. આના પરિણામે અનેક ફ્લાઇટ મોડી પડી છે.
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24.com મુજબ, દિલ્હી એરપોર્ટથી ઉપડતી ફ્લાઇટ્સ લગભગ 50 મિનિટ મોડી પડી રહી છે. આ પહેલા ગુરુવારે 513 ફ્લાઇટ્સ મોડી પડી હતી.
દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ, ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGIA) દરરોજ 1,500થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.
એરલાઇન્સે એડવાઇઝરી જાહેર કરી
ફ્લાઇટની ઉડાનમાં વિલંબને કારણે, એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને ઇન્ડિગો સહિતની મુખ્ય એરલાઇન્સે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ફ્લાઇટ ઓપરેશનમાં મોડું થઈ રહ્યું છે. મુસાફરોએ અપડેટ્સ માટે તેમની ફ્લાઇટ્સ ચેક કરતા રહેવું જોઈએ.
એક અઠવાડિયાથી ફોટા સિગ્નલ મળી રહ્યા છે
છેલ્લા અઠવાડિયાથી, દિલ્હીમાં વિમાનોને GPS સિગ્નલમાં ખોટા એલર્ટ મળી રહ્યા છે, જેને GPS સ્પૂફિંગ તરીકે પણ કહેવામાં આવે છે. પાઇલટ્સને ખોટું લોકેશન અને નેવિગેશન ડેટા એલર્ટ મળી રહ્યા છે. એર ટ્રાફિક કંટ્રોલ સૂત્રોના જણાવ્યા અનુસાર, આવી ઘટનાઓ દિલ્હીના 100 કિમીના ત્રિજ્યામાં બની છે. ફ્લાઇટ રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને જાણ કરવામાં આવી છે.
સ્પૂફિંગ એ એક પ્રકારનો સાયબર એટેક છે જે નેવિગેશન સિસ્ટમને ગેરમાર્ગે દોરવા માટે ખોટા GPS સિગ્નલ મોકલે છે. તેનો ઉપયોગ ઘણીવાર વોર ઝોનમાં દુશ્મનના ડ્રોન અને વિમાનોને નષ્ટ કરવા માટે થાય છે.
