Loading...

અમદાવાદ તંત્ર એક સાંધે ત્યાં 13 તૂટે... બ્રિજ તોડતા સમયે પાણીની લાઈનમાં ભંગાણ, રસ્તા પર ફુવારા ઊડ્યાં

ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા

મળતી માહિતી અનુસાર, હાટકેશ્વર સર્કલથી સીટીએમ તરફ જતા માર્ગ પર ખોખરા સ્મશાનગૃહના ગેટની બિલકુલ સામે પાણીની મુખ્ય પાઈપલાઈનમાં મોટું ભંગાણ પડ્યું છે. બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન થયેલા આ ભંગાણને કારણે ચારથી પાંચ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઊડી રહ્યા છે. આ રેલો સર્કલથી સીટીએમ રોડ સુધી લગભગ 500 મીટર લાંબો વ્હેણ બનીને વહી રહ્યો છે. રસ્તા પર પાણી ફરી વળતા જાણે કેનાલમાંથી પાણી છોડ્યું હોય અથવા ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વાહનચાલકો અને રાહદારીઓને પણ આ જળબંબાકાર જેવી સ્થિતિમાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

AMCના પાણી વિભાગ અને બ્રિજ તોડતા કોન્ટ્રાક્ટર વચ્ચેના સંકલનના અભાવે આ ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. નવાઈની વાત તો એ છે કે, સવારે 6થી 8 વાગ્યા સુધી પાણી છોડવાનો નિયત સમય પૂર્ણ થયા બાદ પણ આ મુખ્ય લાઈનમાંથી પાણીનો પ્રવાહ સતત ચાલુ રહ્યો હતો. ત્રણ-ત્રણ દિવસથી આટલો મોટો બગાડ થતો હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. એક તરફ લોકોને પાણી બચાવવાના પાઠ ભણાવતું તંત્ર પોતાની જ બેદરકારીને કારણે લાખો લિટર શુદ્ધ પાણી ગટરમાં વહાવી રહ્યું છે.