ગાંધીનગરની યુવતી પાસે બિઝનેસમેન પતિ-પાઇલટ સસરાની 5 કરોડની માંગણી:125 તોલા સોનું, 6Kg ચાંદી, ટાટા હેરિયરની માગ કરતાં પિતાએ 11 લાખ આપ્યા, સાસરિયા સામે ફરિયાદ
સગાઈ વખતે 2 તોલા સોનું અને 5,100 રોકડ આપી હતી ગાંધીનગરના પીંડારડા ગામની યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેના લગ્ન 21 નવેમ્બર 2021ના રોજ રાજસ્થાનના પાલી જિલ્લાના ડીગરના ગામના વતની અને હાલ પાઇલટ તરીકે ફરજ બજાવતા વિક્રમસિંહ રાઠોડના પુત્ર રણશેરસિંહ સાથે થયા હતા. સગાઈ વખતે જ પિયર પક્ષ દ્વારા 2 તોલા સોનું અને 5,100 રોકડ આપવામાં આવી હતી.
125 તોલા સોનું, 6 કિલો ચાંદી અને ટાટા હેરિયર કારની માગ કરી લગ્ન પહેલાં સાસરી પક્ષે 125 તોલા સોનું, 6 કિલો ચાંદી અને ટાટા હેરિયર કારની માગણી કરી હતી. દીકરીનું ઘર ન બગડે તે હેતુથી પિતાએ લગ્ન પહેલાં જ 11 લાખ રૂપિયા બેંક મારફતે ટ્રાન્સફર કર્યા હતા અને મોંઘું ફર્નિચર પણ આપ્યું હતું. જોકે, લગ્ન બાદ સાસરી પહોંચતા જ સાસુએ અમારે તો 5 કરોડનો ખર્ચ થાય તેવું ઘર જોઇએ તેમ કહીં મેણાંટોણા મારવાનું શરૂ કર્યું હતું.
પરિણીતા પિયર આવતા જ ટ્રક ભરી ઘરવખરી-કપડાં મોકલી દીધા જ્યારે પતિ રણશેરસિંહ અવારનવાર દારૂ પીને તેણીની સાથે મારઝૂડ કરી અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધો રાખતો હતો. ત્યારે ફેબ્રુઆરી 2023માં તબિયત ખરાબ હોવાથી પરિણીતા પિયર આવી હતી. ત્યાર બાદ સાસરી પક્ષે તેનો સંપર્ક તોડી નાખ્યો અને ત્રણ માસ બાદ ઘરવખરીનો સામાન અને કપડાં ટ્રકમાં ભરી પિયર મોકલી આપ્યા હતા. જ્યારે કરિયાવરમાં આપેલા સોનાના દાગીના પરત માંગતા સાસરીયાઓએ દાગીના ચોરી થઈ ગયા છે તેવું કહી હાથ અધ્ધર કરી લીધા હતાં.
પરિણીતાએ પતિ તેમજ સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી તેમ છતાં સમાજના આગેવાનો દ્વારા સમજાવટના પ્રયાસો કરાયા તોય સાસરીયાઓએ માગણી મુજબનું કરિયાવર નહીં મળે ત્યાં સુધી પગ મુકવા દેવો નથી તેવી જીદ પકડી હતી. આખરે સાસરીયાઓના અસહ્ય ત્રાસ અને દહેજની ભૂખ સામે હારીને પરિણીતાએ પતિ રણશેરસિંહ રાઠોડ, સસરા વિક્રમસિંહ અને સાસુ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
