Loading...

અમેરિકાનું સિરિયામાં 'ઓપરેશન હોકઆઈ':70થી વધુ ISIS ઠેકાણાં ઉડાવ્યાં; અમેરિકી સૈનિકોનાં મોતનો બદલો લીધો; ટ્રમ્પે કહ્યું- વચન પૂરું કર્યું

અમેરિકી સંરક્ષણમંત્રી બોલ્યા, આ બદલાની કાર્યવાહી છે

અમેરિકી સંરક્ષણમંત્રી પીટ હેગસેથે આ હુમલાઓને બદલાની કાર્યવાહી ગણાવ્યા. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું છે કે આ કોઈ નવા યુદ્ધની શરૂઆત નથી, પરંતુ તે લોકો સામેનો જવાબ છે, જેમણે અમેરિકી સૈનિકોને માર્યા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા પોતાના લોકોના રક્ષણથી ક્યારેય પાછળ નહીં હટે.

આ આખો મામલો 13 ડિસેમ્બરે શરૂ થયો હતો, જ્યારે સિરિયામાં એક હુમલામાં અમેરિકાના બે સૈનિક અને તેમની સાથે કામ કરી રહેલો એક સ્થાનિક અનુવાદક માર્યો ગયો હતો.

ત્યાર બાદ અમેરિકા અને તેના સહયોગી દેશોએ ઘણાં નાનાં ઓપરેશન ચલાવ્યાં, જેમાં લગભગ 23 લોકોને ઠાર કરવામાં આવ્યા અથવા પકડવામાં આવ્યા. આ ઓપરેશન દરમિયાન ઇલેક્ટ્રોનિક સામાનમાંથી મહત્ત્વપૂર્ણ માહિતી મળી, જેના આધારે હવે આ મોટો હવાઈહુમલો કરવામાં આવ્યો.

ટ્રમ્પ બોલ્યા, અમેરિકા હુમલાખોરોને જવાબ આપી રહ્યું છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે સિરિયામાં અમેરિકી સૈનિકોની હત્યા બાદ હવે અમેરિકા આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ અઠવાડિયે માર્યા ગયેલા બહાદુર સૈનિકોના મૃતદેહ પૂરા સન્માન સાથે અમેરિકા લાવવામાં આવ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે જે વચન આપ્યું હતું એને પૂરું કરતાં અમેરિકા હવે તે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી રહ્યું છે, જે આ હુમલા માટે જવાબદાર છે. અમેરિકી સેના સિરિયામાં ISISનાં ઠેકાણાં પર હુમલો કરી રહી છે.

તેમણે કહ્યું હતું કે સિરિયાએ લાંબા સમયથી ઘણું લોહિયાળ યુદ્ધ અને હિંસા જોઈ છે, પરંતુ જો ISISને ત્યાંથી સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવે તો દેશનું ભવિષ્ય સારું થઈ શકે છે. સિરિયન સરકાર આ કાર્યવાહીનું સમર્થન કરી રહી છે.

રાષ્ટ્રપતિએ આતંકવાદીઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે જે કોઈ અમેરિકા પર હુમલો કરશે અથવા અમેરિકાને ધમકાવશે તો તેને પહેલાં કરતાં પણ વધુ સખત જવાબ આપવામાં આવશે

સિરિયામાં સેંકડો અમેરિકી સૈનિકો તહેનાત

અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે સિરિયામાં હજુ પણ સેંકડો અમેરિકી સૈનિકો તહેનાત છે. આ સૈનિકો ઘણાં વર્ષોથી ISIS સામેની લડાઈમાં લાગેલા છે. 2014-15ની આસપાસ ISIS એ સિરિયા અને ઇરાકના મોટા ભાગ પર કબજો કરી લીધો હતો અને ત્યાં પોતાની ખિલાફત બનાવી લીધી હતી.

પાછળથી અમેરિકા અને તેના સહયોગી દેશોની સૈન્ય કાર્યવાહી અને સિરિયામાં સત્તા પરિવર્તન પછી ISISનો મોટા ભાગનો વિસ્તાર તેના હાથમાંથી છીનવાઈ ગયો, પરંતુ સંગઠનના બચેલા લડવૈયાઓ હજુ પણ ખતરો બન્યા છે.

ઓપરેશન હોકઆઈનો હેતુ આ બચેલા આતંકવાદીઓને મોટો ઝટકો આપવાનો અને એ સુનિશ્ચિત કરવાનો છે કે તેઓ અમેરિકી સૈનિકો કે તેમના સહયોગીઓ પર ફરી હુમલો ન કરી શકે. આ હુમલામાં અમેરિકા સાથે જોર્ડન જેવા સહયોગી દેશો પણ સામેલ થયા.

ISISએ હુમલાની જવાબદારી લીધી ન હતી

જોકે આ હુમલાને લઈને કેટલાક સવાલો પણ ઊઠી રહ્યા છે. સિરિયા સરકારના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે 13 ડિસેમ્બરનો હુમલો કરનારી વ્યક્તિ તેમની ઇન્ટર્નલ ડિફેન્સ સર્વિસીઝ સાથે જોડાયેલી હતી.

અમેરિકી અને સિરિયન અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે તે હુમલાખોરના ISIS સાથેના સીધા સંબંધો સંપૂર્ણપણે સ્પષ્ટ નથી અને ISISએ આ હુમલાની જવાબદારી પણ લીધી નથી. તેમ છતાં અમેરિકાનું કહેવું છે કે જે ઠેકાણાઓ પર હુમલો થયો હતો એ ISIS સાથે સંકળાયેલા હતા.

માર્યા ગયેલા અમેરિકી સૈનિકોની ઓળખ 25 વર્ષીય સાર્જન્ટ 'એડગર બ્રાયન ટોરેસ તોવાર' અને 29 વર્ષીય સાર્જન્ટ 'વિલિયમ નાથાનિયલ હોવર્ડ' તરીકે થઈ છે. બંને આયોવા રાજ્યના રહેવાસી હતા અને આયોવા નેશનલ ગાર્ડમાં સેવા આપી રહ્યા હતા.

અમેરિકી સેના અનુસાર, તેઓ સિરિયાના પાલમાયરા વિસ્તારમાં દુશ્મન સાથેની અથડામણ દરમિયાન માર્યા ગયા હતા. આ હુમલામાં આયોવા નેશનલ ગાર્ડના અન્ય ત્રણ સૈનિક પણ ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા છે.

ISIS વિરુદ્ધ ઓપરેશન ઇનહેરન્ટ રિઝોલ્વ ચાલુ

આયોવા નેશનલ ગાર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતં કે આ સમયે તેમની સૌથી મોટી પ્રાથમિકતા શહીદ અને ઘાયલ સૈનિકોના પરિવારોને મદદ કરવાની છે. આયોવા નેશનલ ગાર્ડ આ દુઃખની ઘડીમાં પરિવારો સાથે ઊભું છે.

આ વર્ષની શરૂઆતમાં આયોવા નેશનલ ગાર્ડના લગભગ 1,800 સૈનિકોને મિડલ ઈસ્ટ મોકલવામાં આવ્યા હતા. આ બધા ISIS વિરુદ્ધ ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ઓપરેશનનો ભાગ છે, જેને 'ઓપરેશન ઇનહેરન્ટ રિઝોલ્વ' કહેવાય છે.

હાલમાં અમેરિકાએ સ્પષ્ટ કરી દીધું છે કે તે તેના સૈનિકો પર થયેલા કોઈપણ હુમલાનો સખત જવાબ આપશે અને સિરિયામાં ISISના બાકી રહેલા નેટવર્કને ખતમ કરવાનો પ્રયાસ ચાલુ રાખશે.

Image Gallery