ગુજરાત બાદ ફરીદાબાદમાં આતંકીઓનું 'ઝેરી’ ષડ્યંત્ર:ડોક્ટરના રૂમમાંથી 300Kg RDX, AK-47, દારૂગોળો, કેમિકલ જપ્ત; ગુજરાત સહિત 4 રાજ્યમાં તપાસ શરૂ
આદિલે 3 મહિના પહેલાં રૂમ ભાડે લીધો હતો એવું કહેવાય છે કે ડૉ. શકીલે ત્રણ મહિના પહેલાં જ રૂમ ભાડે લીધો હતો. દરોડા દરમિયાન 10થી 12 વાહનો ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. પોલીસે આરોપી ડૉક્ટરની અટકાયત કરી છે. ચાર રાજ્ય: જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને ગુજરાત સાથેનાં જોડાણની તપાસ કરવામાં આવી રહી છે.
મકાનમાલિકને કહ્યું હતું કે માત્ર સામાન જ રાખવો છે સૂત્રોના જણાવ્યા અનુસાર, રૂમ ભાડે લેતી વખતે ડૉ. શકીલે મકાનમાલિકને કહ્યું હતું કે તે ફક્ત પોતાનો સામાન ત્યાં રાખવા માગે છે. ત્યાર બાદ ઘણી બેગ ત્યાં મૂકવામાં આવી હતી. મકાનમાલિક કે બીજા કોઈએ પૂછ્યું ન હતું કે બેગમાં શું છે. અહેવાલ મુજબ, રૂમમાં 14-15 બેગ મળી હતી.
UAPA હેઠળ કેસ નોંધાયો ડૉ. આદિલની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ડૉક્ટર પાસેથી આવાં હથિયારની જપ્તીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી ગણી શકાય. ભારતીય શસ્ત્ર અધિનિયમ 1959 મુજબ, લાઇસન્સ વિના આધુનિક/પ્રતિબંધિત શસ્ત્રો રાખવા બદલ કડક સજાની જોગવાઈ છે.
ગઈકાલે ગાંધીનગરમાંથી ISISના ત્રણ આતંકી ઝડપાયા હતા
ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકીવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા ISISના ત્રણ આતંકીને ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા ત્રણ આરોપી પૈકીના એક ડો.સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો.સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હોવાનું હતો. ઝડપાયેલા ત્રણેય ISKP(ઇસ્લામિક સ્ટેટ - ખોરાસાન પ્રાંત)થી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો છે.
