Loading...

'માતાએ કહ્યું મરી જા, એટલે હું મરવા આવી છું', સુરતમાં માતાની વાતનું માઠું લગાવી સગીરા 15 માળની બિલ્ડીંગ પર ચડી ગઈ, 1 કલાક મોત-જિંદગીના જંગ બાદ સફળ રેસ્ક્યૂ

'માતાએ કહ્યું મરી જા, એટલે હું મરવા આવી છું' મૂળ અયોધ્યાની અને અહીં ડોક્ટરના ઘરે ઘરકામ કરતી આ કિશોરીને તેની સગી જનેતાએ ફોન પર તતડાવી હતી. ઝઘડામાં માતાના મોઢેથી નીકળેલા વેણ 'તું મરી જા તો સારું'ની વાતથી દીકરીને માઠું લાગ્યું હતું. માતાના કઠોર શબ્દોને સાચા સાબિત કરવા 17 વર્ષની છોકરી બિલ્ડિંગની છત પર પહોંચી ગઈ હતી.

'તું નીચે ઉતરી જા તારા લગ્નની જવાબદારી હું લઈશ' જ્યારે કિશોરી પાળી પર ઉભી હતી, ત્યારે તેને પાછી વાળવા માટે બિલ્ડીંગના વડીલો હાથ જોડીને તેને વિનંતી કરતા રહ્યા હતા. એક દાદાએ લાડ લડાવતા કહ્યું, 'બેટા, તું તો રોજ આરતી કરે છે, તું મારી ડાહી દીકરી છે, એકવાર મારા પર ભરોસો રાખીને નીચે આવી જા.' તો બીજી તરફ, તેના મકાનમાલિકે તેને તેને પરત વાળવા કહ્યું, 'જો તું નીચે આવીશ તો તારા લગ્નની બધી જવાબદારી અમારી, અમે તારા ધામધૂમથી લગ્ન કરાવીશું, પણ પ્લીઝ આવું ન કર.'

હાઈડ્રોલિકના ઓપરેટરે તરાપ મારીને કિશોરીને પાછળથી પકડી લીધી વેસુ ફાયર સ્ટેશનની ટીમ જ્યારે હાઈડ્રોલિક લિફ્ટ લઈને પહોંચી ત્યારે કિશોરી વધુ ઉશ્કેરાઈ હતી. તે સતત કહેતી હતી કે, જો કોઈ નજીક આવશે તો તે કૂદી જશે. ફાયર ઓફિસર કીર્તિ મોડ અને તેમની ટીમે સમયસૂચકતા વાપરી એક તરફ વાતોમાં તેને ઉલઝાવી રાખી અને બીજી તરફ હાઈડ્રોલિકના ઓપરેટરે તરાપ મારીને કિશોરીને પાછળથી પકડી લીધી.

17 વર્ષીય કિશોરીને નીચે ઉતાર્યા બાદ આશ્વાસન આપ્યું સવારે 9થી 10 વાગ્યા સુધી ચાલેલા આ જંગમાં ફાયર બ્રિગેડના જવાનોએ નેટ, હાઈડ્રોલિક મશીન અને જમ્પિંગ ક્રૂઝર તો હતા જ, પણ જેણે જીવ બચાવ્યો તે હતી લોકોની ધીરજ. 17 વર્ષની આ કિશોરીને સુરક્ષિત નીચે ઉતાર્યા બાદ તેને આશ્વાસન આપવામાં આવ્યું હતું.

કન્સ્ટ્રક્શન સાઈટ પરથી પણ લોકો નેટ લઈને આવી પહોંચ્યા હતા ફાયર વિભાગના અધિકારી કીર્તિ મોઢે જણાવ્યું હતું કે, અમને કોલ મળતા જ અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વેસુ ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ મંગાવવામાં આવ્યું હતું. આ સાથે જ સેફ્ટી નેટ અને જમ્પિંગ કુશન પણ મંગાવી લેવાયા હતા. આજુબાજુની કન્સ્ટ્રક્શન સાઈટ પરથી પણ લોકો નેટ લઈને આવી પહોંચ્યા હતા. ફાયર વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ કિશોરીને સમજાવવા માટે બિલ્ડિંગના ઉપરના માળે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો

રાજકોટમાં પ્રેમી સાથે મનદુઃખ થતાં યુવતી બિલ્ડિંગ પર ચડી રાજકોટ શહેરમાં થોડા દિવસો પહેલા રાત્રિના 1 વાગ્યાના અરસામાં એક શોપિંગ કોમ્પલેક્સ પર PGમાં રહેતી એક યુવતી આત્મહત્યા કરવાના ઈરાદાથી પહોંચી જતા ભારે દોડધામ મચી હતી. પ્રેમી સાથે ફોનમાં વાતચીત દરમિયાન કોઈ બાબતને લઈ મનદુઃખ થયા બાદ બિલ્ડિંગ પર પહોંચી ગયાનું સામે આવ્યું હતું. રસ્તા પર લોકો એકત્ર થઈ ગયા હતા અને યુવતી ત્રીજા માળેથી પડતું ન મૂકે તે માટે સમજાવવા લાગ્યા હતા. લોકોએ ત્રણ મિનિટ સુધી યુવતીને વાતોમાં વ્યસ્ત રાખી હતી. ત્યાં જ સોસાયટીમાં રહેતા અન્ય લોકો ઉપર પહોંચી ગયા હતા અને યુવતીને હાથ ખેંચી દીવાલ પરથી નીચે ઉતારી લીધી હતી.

Image Gallery