બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં 7નાં મોત, 3 ગંભીર:રોંગ સાઈડમાં આવતી આઈસરે અડફેટે લેતા ઈનોવા કારનો કચ્ચરઘાણ, તમામ મૃતકો રાજસ્થાનના, 5 કિમી ટ્રાફિકજામ
બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પાલનપુર-આબુ હાઇવે પર રોંગ સાઇડથી આવી રહેલા એક આઇસર ટ્રકે ઇનોવા કારને અડફેટે લેતા ઘટનાસ્થળે જ રાજસ્થાનનાં 7 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
જ્યારે કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માતને પગલે 5 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. દરમિયાન ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા 108ની સાઈરન રણકતી રહી હતી. દરમિયાન બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબે ઘટનાસ્થળે દોડી ગયા હતા.
આઇસર ટ્રક ધડાકાભેર ઈનોવા કાર પર ફરી વળ્યો પ્રાપ્ત માહિતી અનુસાર, ઇકબાલગઢ પાસે હાઇવે પર જીજે 19 એક્સ 8823 નંબરની આઈસર ટ્રકે પૂરઝડપે રોંગ સાઇડમાં આવી રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવતી આરજે 22 ટીએ 3107 નંબરની ઈનોવા કાર પર ટ્રક ધડાકાભેર ચડી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇનોવા ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર 7 મુસાફરોએ સ્થળ પર જ દમ તોડ્યો હતો.
પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ ઘટનાની જાણ થતા જ પીઆઈ બી.ડી.ગોહિલ સહિત અમીરગઢ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઉપરાંત તમામ 7 મૃતદેહોને પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ઘવાયેલા અન્ય 3 લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસની ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ અમીરગઢ પોલીસે આ મામલે ગુનો નોંધી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રક ચાલકની ગંભીર બેદરકારી અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ આ અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠા SP પ્રશાંત સુંબેએ જણાવ્યું કે, અમીરગઢના ઈકબાલ ગઢ ગામ ખાતે રાજસ્થાન તરફથી આવતી આઈસર ટ્રક ડિવાઈડર ક્રોસ કરીને ઈનોવા કારને ટક્કર મારી હતી. જેથી કારમાં સવાર 10 લોકોમાંથી 7 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકોને ઈજા પહોંચી છે જેઓ હાલ સારવાર હેઠળ છે. આ તમામ લોકો રાજસ્થાનના છે.