સુરતમાં પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ જાહેર:7,500થી લઈ 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની જાહેરાત, 2 દિવસમાં ફોર્મ સ્વીકારાશે
સુરતમાં 6 જુલાઈએ પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પલળી ગયો હતો. રાજ્ય સરકાર દ્વારા પૂરમાં અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. પૂરના પાણીના કારણે નુકસાની બદલ વેપારીઓને રૂ. 7500 થી લઈ 1 લાખ રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વેપારીઓ ફરી પોતાનો ધંધો કરી શકે તે માટે રૂપિયા 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે જાહેરત કરી છે કે, વેપારીએ રોકડ સહાય અથવા વ્યાજ સહાયમાંથી કોઈપણ એકની પસંદગી કરવાની રહેશે.
પૂરના પાણીના કારણે જે દુકાનો અને મકાનમાં નુકસાન થયું છે તેને એક વર્ષ માટે મહાનગરપાલિકાના વેરામાંથી પણ મુક્તિની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા હાલ સહાયને લઈ જે નિર્ણય કર્યો છે તે સુરત સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ લાગુ પડશે. સુરતમાં કલેકટર કચેરી દ્વારા બે દિવસમાં જ સહાય માટેના ફોર્મ સ્વીકારવાની શરૂઆત કરાશે.
અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત ભારે વરસાદના કારણે વીમા સુરક્ષા વિના નુકસાન વેઠનારા વેપારીઓ અને નાના ધંધાર્થીઓને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ નાના-મોટા તમામ વેપારીઓને આ પેકેજમાં સમાવે લેવામાં આવ્યા છે.
વેપારીઓને ફરી બેઠા થવા માટે લોન અને વ્યાજ સહાયની જાહેરાત પૂરગ્રસ્ત વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય ફરી બેઠા થવા માટે રાજ્ય સરકારે સહાય ઉપરાંત રાહત દરે લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરી છે.
વેપારીઓને ફરી બેઠા થવા માટે લોન અને વ્યાજ સહાયની જાહેરાત પૂરગ્રસ્ત વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય ફરી બેઠા થવા માટે રાજ્ય સરકારે સહાય ઉપરાંત રાહત દરે લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરી છે.
સહાયનો આ નિર્ણય સુરત સિવાય રાજ્યભરમાં લાગુ પડશે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય માત્ર સુરત પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ રાજ્યમાં જ્યાં જ્યાં ભારે વરસાદને કારણે નુકસાન થયું હશે ત્યાં આ સહાય અને રાહતના પગલાં લાગુ કરવામાં આવશે. સુરતમાં પૂર અને પાણી ભરાવાના કારણોનું મૂલ્યાંકન કરવા માટે શહેરી વિકાસ વિભાગની વિશેષ ટીમ મોકલવામાં આવી હતી. ટીમના પ્રાથમિક અહેવાલ બાદ સરકાર દ્વારા ₹500 કરોડના વિકાસ અને નિવારણ કામોની જાહેરાત કરવામાં આવી છે અને જરૂરિયાત ઉભી થશે તો વધારાની રકમ પણ ફાળવવામાં આવશે.
સરકારના અંદાજ મુજબ વેપારીઓ માટે જાહેર કરાયેલી લોન અને વ્યાજ સહાય યોજનાનો આશરે ₹550 કરોડનો આર્થિક બોજ આગામી ત્રણ વર્ષ દરમિયાન રાજ્ય સરકાર ઉપાડશે.
અત્યાર સુધીમાં 19 હજાર લોકોને કેશ ડોલ અને ઘરવખરી સહાયની ચૂકવણી મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક કેશ ડોલ અને ઘરવખરી સહાય પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેરમાં સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે ડોર-ટુ-ડોર આરોગ્ય તપાસ, મેડિકલ કેમ્પો અને વિશેષ સફાઈ અભિયાન ચલાવવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. છેલ્લા એક અઠવાડિયાથી 9 હજારથી વધુ સ્વચ્છતા કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે.
રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 19 હજારથી વધુ નાગરિકોને કેશ ડોલ અને ઘરવખરી સહાય ચૂકવી દીધી છે. ખાસ વાત એ છે કે પ્રથમ માળે રહેતા અને પાણી ન ભરાયા હોવા છતાં રોજગાર પર અસર પડવાથી નોકરીએ જઈ શક્યા ન હોય એવા લોકોને પણ સહાય આપવામાં આવી છે.
સરકારના રાહત પેકેજની જાહેરાતથી વેપારીઓએ રાહત અનુભવી ફોસ્ટા(FOSTA)ના મહામંત્રી દિનેશ કટારિયાએ જણાવ્યું હતું કે, આજે રાજ્ય સરકારે બહુ મોટી જાહેરાત કરી છે. ચાર દિવસ પહેલાં હર્ષભાઈ અહીંયા જોઈને ગયા હતા. વેપારીઓની પરિસ્થિતિ સમજી ગયા હતા અને ચાર જ દિવસના અંદર આ જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા જે સહાય જાહેર કરવામાં આવી છે તેનાથી વેપારીઓને મોટી રાહત મળશે.
ટેક્સટાઈલના અન્ય વેપારી જીગ્નેશ વેકરિયાએ જણાવ્યું હતું કે, સરકારે જે પણ પેકેજ જાહેર કર્યું છે, એમાં જો કોઈએ ત્રણ મહિનાનું GST ચૂકવ્યું છે તેને જ આ લાભ મળવાપાત્ર છે. પરંતુ ટેક્સટાઇલ માર્કેટમાં અમે લોકો, લગભગ જ્યારથી GST આવ્યું છે અને જ્યારથી MSME લાગુ થયું છે, GSTનું જે પણ અમારું પેપર વર્ક છે તે ટેક્સટાઇલ માર્કેટનું 100% છે. તો મને નથી લાગતું કે કોઈએ ત્રણ મહિનાનું GST ન ચૂકવ્યું હોય, એટલે ટેક્સટાઇલ માર્કેટમાં જે પણ, જેમને પણ નુકસાન થયું છે તેમને બધાને લાભ મળવાનો છે.