Loading...

લોકસભામાં વિપક્ષનો હોબાળો, મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર:કાર્યવાહી 8 મિનિટ ચાલી, ગૃહ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત; NDAની બેઠકમાં મોદીનું સ્વાગત

લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો, પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વિપક્ષના હોબાળાને કારણે સ્પીકર બિરલાએ લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી છે. ગૃહ ફક્ત 8 મિનિટ માટે જ ચાલ્યું.

સંસદના બજેટ સત્રનો મંગળવારે પાંચમો દિવસ છે. આજે સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ચાલશે. આ પહેલા, સંસદ એનેક્સ બિલ્ડિંગમાં NDA સંસદીય પક્ષની બેઠક મળી છે. લોકસભા અને રાજ્યસભા બંનેના સાંસદો બેઠકમાં પહોંચી ગયા છે.

સંસદમાં NDA સંસદીય પક્ષની બેઠકમાં, NDA સાંસદોએ ભારત-અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર PM મોદીને અભિનંદન આપ્યા. તેમનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું.

આ દરમિયાન, કોંગ્રેસના લોકસભા સાંસદો આજે સવારે 10:30 વાગ્યે સંસદ સંકુલમાં કોંગ્રેસ સંસદીય પક્ષ (CPP) કાર્યાલયમાં બેઠક મળી. ગૃહની કાર્યવાહી, વ્યૂહરચના અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા થવાની શક્યતા છે.

લોકસભામાં આજે પણ હોબાળાની શક્યતા છે. સોમવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ભારે હોબાળો થયો હતો.

રાહુલે પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેના અપ્રકાશિત પુસ્તકનો હવાલો આપતા કહ્યું છે કે 31 ઓગસ્ટ 2020ના રોજ 4 ચીની ટેન્ક લદ્દાખ બોર્ડર પાસે પહોંચી ગયા હતા. રાહુલના આવું કહેતા જ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પછી ગૃહ મંત્રી શાહે તેમને રોક્યા હતા.

ત્યારબાદ સ્પીકર ઓમ બિરલાએ નિયમોનો હવાલો આપતા તેમને રોક્યા હતા. રાહુલ ગાંધીને રાજનાથે 11 વાર, શાહે 7 વાર ટોક્યા હતા. આ ઉપરાંત કિરણ રિજિજુએ 2 વાર અને અનુરાગ ઠાકુરે 6 વાર રોક્યા હતા.

આજે NDAના સાંસદોની બેઠક યોજાશે. લોકસભા અને રાજ્યસભાના સાંસદો સંસદ ભવન કેમ્પસમાં એકઠા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંસદોને સંબોધન કરી શકે છે.

બજેટ સત્રમાં આ બિલ પર ચર્ચા શક્ય

બજેટ સત્ર 65 દિવસમાં 30 બેઠકો સુધી ચાલશે. તે 2 એપ્રિલે સમાપ્ત થશે. 28 જાન્યુઆરીથી શરૂ થયેલો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. ત્યારબાદ બીજો તબક્કો 9 માર્ચે શરૂ થશે.

લોકસભામાં 9 બિલ પેન્ડિંગ છે, જેમાં વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન વિધેયક 2025, પ્રતિભૂતિ બજાર સંહિતા 2025 અને બંધારણ (129મો સુધારો) વિધેયક 2024 સામેલ છે. આ બિલોની વર્તમાનમાં સંસદીય સ્થાયી અથવા પ્રવર સમિતિઓ તપાસ કરી રહી છે.