Loading...

અમદાવાદ એરપોર્ટની 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવની સીધી અસર હવે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ જોવા મળી રહી છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ જેવી સ્થિતિને કારણે કતાર, યુએઈ, ઈરાક, બહેરીન અને ખુદ ઈરાને પણ પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. જેના પરિણામે અમદાવાદ એરપોર્ટ પર આવતી અને જતી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને અસર પહોંચી છે. અમદાવાદથી સંલગ્ન કુલ 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને આ પરિસ્થિતિના કારણે રદ કરવી પડી છે.

એર ઇન્ડિયાની ફ્લાઇટ: લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 160 (બોઇંગ 788) રદ કરવામાં આવી છે. ઇન્ડિગોની ફ્લાઇટ્સ: ઇન્ડિગોની દુબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ નંબર 1478 (બોઇંગ 20N) અને આબુધાબીથી અમદાવાદ આવતી ફ્લાઇટ નંબર 1432 (બોઇંગ 20N) પણ રદ કરાઈ છે. કુવૈત એરવેઝ: કુવૈત સિટીથી અમદાવાદ આવતી કુવૈત એરવેઝની ફ્લાઇટ નંબર 345 (બોઇંગ 32N) પણ રદ કરવામાં આવી છે. કતાર એરવેઝ: આ ઉપરાંત, કતાર એરવેઝની દોહાથી અમદાવાદ આવતી ફ્લાઇટ નંબર 534 (બોઇંગ 320) પણ રદ કરવામાં આવી છે.

મુસાફરો એરપોર્ટ પહોંચતા પહેલા ફ્લાઇટ્સની સ્થિતિ તપાસેઃ SVPI પ્રવક્તા SVPI પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મિડલ ઇસ્ટમાં એર સ્પેસ બંધ થવાને કારણે, સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ફ્લાઇટની કામગીરીને અસર થઈ છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ એરપોર્ટ પર પહોંચતા પહેલા તેમની સંબંધિત એરલાઇન્સ સાથે તેમની ફ્લાઇટ્સની સ્થિતિ તપાસે. જોકે, આ ફ્લાઈટ્સ રદ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


Image Gallery