આજે પણ રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના:અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ભારે પવન સાથે વરસાદની આગાહી; રાતે અનેક જિલ્લામાં માવઠું
ગઈકાલની સાંજથી અનેક જિલ્લામાં વરસાદ અરબ સાગરમાં સર્જાયેલી ડિપ્રેશનની સિસ્ટમ નબળી પડી ગઈ છે, પરંતુ તેની અસર હજુ રાજ્યના વાતાવરણમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગની બે દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, ખેડા અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. 3 નવેમ્બરને સોમવારે સવારના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં ગુજરાતના કુલ 56 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ કચ્છના અંજારમાં 3.19 ઈંચ, ત્યારબાદ ભાવનગરના ઘોઘામાં 1.3 ઈંચ અને મહેસાણા-વડોદરામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સૌથી ઓછો હિંમતનગરમાં 1 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.
7 દિવસ સુધી તાપમાનમાં કોઈ બદલાવ જોવા મળશે નહીં હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આજે કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે, પરંતુ એક અઠવાડિયા સુધી વાતાવરણમાં મોટો ફેરફાર નહીં થાય અને તાપમાનમાં પણ કોઈ બદલાવ નહીં આવે. એક અઠવાડિયા સુધી વાતાવરણમાં કોઈપણ વધારે બદલાવ જોવા નહીં મળે.
મહીસાગર જિલ્લામાં ત્રણ નવેમ્બરની રાત્રિએ 3 દિવસના વિરામ બાદ ફરીએક વાર ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર તેમજ આસપાસના ગ્રામ વિસ્તારો અને બાલાસિનોર પંથકમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોને હાલ પાક તો નિષ્ફળ ગયો જ છે, સાથે સાથે પશુઓને ખવડાવવાનો ઘાસચારો પણ બગડી ગયો છે.
