Loading...

અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ:કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટમાં ટિસ્યૂપેપર પર હાઇજેક અને બૉમ્બ હોવાની ધમકી મળી, સઘન ચેકિંગ

અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટમાં બૉમ્બ હોવાની ધમકી મળચા ફ્લાઇટમાં સવાર 180 પેસેન્જર અને લગેજનું ચેકિંગ હાથ ધરાયું હતું.

ટિસ્યૂપેપર પર હાઈજેક અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટિસ્યૂપેપર પર હાઈજેક અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યું લખાણ મળતાં પ્લેનનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

એરપોર્ટનાં સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, દરેક પેસેન્જર અને તેમના સમાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. અત્યારસુધી પેસેન્જર પાસેથી કોઇપણ જાતની શંકાસ્પદ વસ્તુ મળી નથી. ત્યાર બાદ એટલે કે ફ્લાઇટને ટેક-ઓફ થવામાં હજી પણ અંદાજિત 2 કલાક જેટલો સમય લાગી શકે છે.

પ્લેનનું સંપૂર્ણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.ડી.નકુમે જણાવ્યું હતું કે ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને BDDS(બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્કવોડ) દ્વારા પ્લેનનું સંપૂર્ણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જોકે તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. હાલમાં પ્લેન ચેક કરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને પ્રોટોકોલ મુજબ આગળની તપાસ ચાલુ છે.

2 દિવસ પહેલાં અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ કંઈ ન મળ્યું 27 જાન્યુઆરી, 2026ની સવારે અમદાવાદ એરપોર્ટને અજાણ્યા શખસે બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી. આ શખસે ઈ-મેલ દ્વારા ધમકી આપીને જણાવ્યું હતું કે એરપોર્ટના લગેજ સેક્શનમાં બોમ્બ છે, જે બ્લાસ્ટ થશે. ઈ-મેલ મળતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈ ન મળતાં ખોટો મેસેજ જાહેર કરવામાં આવ્યો હતો. આ અંગે એરપોર્ટ સિક્યોરિટી દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જોકે તપાસમાં કંઈ મળ્યું નહોતું

27 જાન્યુઆરી, 2026એ અમદાવાદ એરપોર્ટના ઈ-મેલ આઇડી પરથી અંબર દૂરહમ નામના ઈ-મેલથી એક મેલ આવ્યો હતો. સબ્જેક્ટમાં બોમ્બબ્લાસ્ટ લગેજ સેક્શન લખ્યું હતું, જે બાદ મેસેજમાં લખ્યું હતું કે AHMEDABAD Airpot is Target Bomb Blast luggage To Remind Sikhs are NOT Hinuds Modi- Shah Gujararu Terrorists Are Enemies Of khalistan REMOVE or FACE CONSEQUENCES.

18 ડિસેમ્બરે ગોવાથી અમદાવાદ આવતી ઇન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી 18 ડિસેમ્બર, 2025ના રોજ ગોવાથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 6208ને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. ફ્લાઈટ અમદાવાદ પહોંચતાં ફ્લાઈટમાંથી એક ટિસ્યૂપેપર મળ્યું હતું, જેમાં આ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે એવી ધમકીભર્યું લખાણ લખ્યું હતું. આ અંગે એરલાઈન્સ દ્વારા એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવતાં CISF અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ફ્લાઈટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ગોવાથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઈટમાં 140થી વધુ પેસેન્જર્સ બેઠેલા હતા. તમામ પેસેન્જરનું બોર્ડિંગ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ એરપોર્ટ પહોંચી હતી. ફ્લાઈટમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.

સ્કૂલ, જેલ અને ગાંધી આશ્રમને બોમ્બથી ઉડાવાની ધમકી મામલે ફરિયાદ અમદાવાદમાં 17 ડિસેમ્બરના રોજ સ્કૂલ, સાબરમતી સેન્ટ્રલ જેલ અને ગાંધી આશ્રમને ઇ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. એ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ક્રાઈમ દ્વારા આ અંગે તપાસ કરતાં આ ઇ-મેલ બે હોટમેલ અને એક એટોમિક ઇ-મેલ દ્વારા મળ્યો હતો. આ તમામ હોક્સ મેલ હોવાની સાયબર ક્રાઈમે પુષ્ટિ કરી હતી.

વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતાં જ દોડધામ મચી ગઈ હતી. ઈ-મેલમાં લખવામાં આવ્યું છે કે '1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું.' આ ગંભીર ઘટનાને પગલે અકોટા પોલીસ, એસ.ઓ.જી., ક્રાઈમ બ્રાન્ચ અને બોમ્બ તથા ડોગ-સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી અરજદારોનો પ્રવેશ બંધ કરાવી ત્રણ કલાક સુધી સઘન સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું. અંતે, કોઈ શંકાસ્પદ વસ્તુ મળતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો અને કલેક્ટર કચેરીની કામગીરી ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી.

 

Image Gallery