Loading...

મહિલા સરપંચ દારૂડિયાઓને પાંજરે પૂરશે:દારૂથી બે વર્ષમાં 5 યુવાનનાં મોત બાદ નિર્ણય, મહેસાણાના ગામમાં રાતના 11 પછી જાહેરસ્થળે બેસવા પર પ્રતિબંધ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂડિયાઓ ગમે ત્યાંથી દારૂ તો શોધી જ નાખે છે અને ગામે ગામ દેશી અને વિદેશી દારૂનો વેપલો થતો હોય એવાં દૃશ્યો પણ સામે આવતા રહે છે, ત્યારે ગુજરાતના એક ગામમાં વ્યસનમુક્તિ અને સંપૂર્ણ દારૂબંધીના અમલ માટે તેમજ દારૂની બદીને જડમૂળથી ઉખેડી નાખવા ગ્રામજનો દ્વારા અનોખ નિર્ણય કરવામાં આવ્યો છે.

બે વર્ષમાં દારૂ પીવાને કારણે 5 યુવાનોના મોત મહેસાણાથી 50 કિલોમીટર દૂર આવેલા ખેરાલુ તાલુકાનું પાન્છા ગામ 3500થી વધુ જનસંખ્યા ધરાવતું આ ગામ છે. પરંતુ ગામના કેટલાક લોકો દેશી દારૂના રવાડે ચડી જતા અને છેલ્લા બે વર્ષમાં પાંચ જેટલા યુવકોનું દારૂ પીવાને કારણે મોત નિપજ્યું હોવાથી ગામના લોકોએ એકસંપ થઈ દારૂના બહિષ્કાર અંગેનો નિર્ણય કર્યો છે અને ગામમાં એક વિશેષ સમિતિની રચના પણ કરવામાં આવી છે.

રાત્રિના સમયે એક મહત્ત્વપૂર્ણ ગ્રામસભા યોજાઈ થોડા દિવસ અગાઉ પાન્છા ગામે સરપંચ અને પંચાયતના સભ્યોની જાહેરાત બાદ તમામ સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં રાત્રિના સમયે એકત્રિત થઈ એક મહત્ત્વપૂર્ણ ગ્રામસભા યોજી હતી. ગામના આગેવાન વિનુભાઈએ જણાવ્યું હતું કે, ગામને નશામુક્ત બનાવવા તમામ ગ્રામજનોએ એક અવાજે બાહેંધરી આપી છે. દારૂની બદીને જડમૂળથી ઊખેડી ફેંકવા માટે આગેવાનો દ્વારા સઘન પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. જેથી કોઇપણ યુવાન કે વડીલ આ વ્યસનનો ભોગ ન બને.

દારૂના દૂષણને અટકાવવા અનોખો નિર્ણય લેવાયો આ ગામમાં દારૂબંધીના ચૂસ્ત અમલ માટે ગ્રામસભામાં એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગામમાં એક વિશેષ 'પાંજરૂં' બનાવવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં દારૂ પીતા અથવા નશો કરેલી હાલતમાં પકડાય તો તેને આ પાંજરામાં પૂરવામાં આવશે. જેથી સામાજિક ક્ષોભા અને કડક કાર્યવાહીના ડરથી લોકો દારૂ પીવાનું બંધ કરે. સમગ્ર ગ્રામજનોએ એકજૂથ થઇને લીધેલા આ નિર્ણયથી પંથકમાં વ્યસનમુક્તિની નવી લહેર જોવા મળી રહી છે.

ગ્રામસભામાં લેવાયેલા નિર્ણયો

  1. જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં પકડાશે તો તેને પોલીસના હવાલે કરવામાં ન આવે ત્યાં સુધી ગામમાં બનાવેલા ખાસ પાંજરા જેવી હંગામી જેલમાં પૂરવામાં આવશે.
  2. રાત્રે 11 વાગ્યા પછી જાહેર ચોક, મંદિર કે મસ્જિદ જેવા જાહેર સ્થળોએ બેસવા પર પ્રતિબંધ.
  3. પાણીનો બગાડ અટકાવવા માટે ગામમાં પાણીના મીટર પ્રથા દાખલ કરવામાં આવશે અને નવા જોડાણ આપવાની પ્રક્રિયા માત્ર 24 કલાકમાં પૂરી કરવામાં આવશે.
  4. ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી જાહેર રોડ પર વાહન પાર્કિંગ કરવા પર મનાઈ ફરમાવાઈ છે.

ચાર મહિનામાં દારૂ પીવાથી બે યુવકોના મોત બાદ નિર્ણય ગામમાં રહેતા ગોકુલભાઈ પ્રજાપતિએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, પાન્છા ગામમાં એક દારૂબંધી કરેલી છે. દારૂબંધી એ રીતની કે ગામમાં છેલ્લા ત્રણ-ચાર મહિનામાં ઠાકોર સમાજનો અને રાવત સમાજના બે યુવાન દીકરીઓએ દારૂના કારણે જીવ ગુમાવ્યો હતો અને પોતાના બાળકોને રડતા છોડીને ચાલ્યા ગયા હતા. આ પછી ગામની લાગણી ઊભી થઈ કે, ભાઈ આ દારૂ ગામમાં કોઈએ પીવો ના જોઈએ. કોઈએ વેચવો ના જોઈએ.

પોલીસ આવે ત્યાં સુધી દારૂડિયાને પાંજરામાં પુરવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાંજરૂં એટલા માટે બનાવવામાં આવ્યું છે કે, ગામમાં કોઈ દારૂ કાઢતું હોય અથવા વેચતું હોય અથવા ખોટી રીતે પીને ધમાલ કરતું હોય અને ખુલ્લેઆમ ફરતું હોય તો કોઈપણ પીધેલ વ્યક્તિ પકડાય તો એને પોલીસને જાણ કરીને પાંજરામાં બેસાડી દેવાનો અને પોલીસ આવે એના પછી એને લઈ જાય.

દિવસ દરમિયાન માનો કે કોઈ માણસ સવારમાં પકડાયો હોય તો પોલીસને જાણ કરી દેવાની કે આ એક દારૂની બંધી હોવા છતાં પણ દારૂ પીધેલો છે કે દારૂ વેચનાર માણસ પકડાયો છે. એને અંદર બેસાડી દેવાનો અને પોલીસ એની અનુકૂળતાએ જ્યારે પણ આવે એને સુપરત કરી દેવાનો.

પાંજરામાં રહેલા દારૂડિયા માટે ખાવા-પીવાની પણ વ્યવસ્થા આ પાંજરૂં અમે 8X6 નું બનાવ્યું છે અને હાઈટ સાડા છ ફૂટ જેવી રાખી છે. અમારો ઉદ્દેશ્ય કોઈને દંડિત કરવાનો નથી, પરંતુ જે કોઈપણ વ્યક્તિ દારૂ તરફ વળ્યો છે એમને સુધારવાનો છે. એના માટે અમે આવા પગલાં લઈશું કે એને પાંજરામાં બેસાડી પોલીસને જાણ કરીશું. અંદર પાણીની વ્યવસ્થા રાખીશું. જો એને ભૂખ લાગી હશે કે કંઈ તકલીફ હશે તો એના માટે અમે એને અંદર ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરી આપીશું.

પાંજરૂ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે, કોઈપણ માણસ દારૂમાં પકડાય છે તો એ જામીનપાત્ર ગુનો છે. તો પોલીસ પણ ઝડપથી જે કંઈ વહીવટ કરી એ નીકળી જતો હોય છે. પણ જો ગામ વચ્ચે પાંજરું હોય અને પાંજરામાં એ માણસને બેસાડવામાં આવે તો ગામ લોકોની નજરમાં એને એમ થાય કે ગામ વચ્ચે હું પુરાયો તો એને શરમ અનુભવા અને ધીરે ધીરે દારૂથી મુક્ત થતા જાય એ ઉદ્દેશ્યથી અમે પાંજરામાં પૂરવાનું નક્કી કર્યું છે.

ગામની અંદર વિવિધ સમિતિઓ બનાવાઈ પંચાયતની અંદરમાં ગામમાં ગામની દેખરેખ સમિતિ, નશાબંધી સમિતિ, શિક્ષણ સમિતિ, પાણી સમિતિ આવી અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. અમારા મહિલા સરપંચ શાંતાબેન ચૌધરી એમના અંડરમાં આ બંધી સમિતિઓ કાર્યરત છે. તમામ ગામના આગેવાનો એમાં જોડાયેલા છે. પંચાયત તો એનો વહીવટ કરે જ છે પણ સાથે સાથે ગામના લોકો પણ સમિતિના ભાગ રૂપે ગામને સ્વચ્છ બનાવવા, સુઘડ બનાવવા માટેનો પૂરો પ્રયત્ન કરે છે.

24 કલાક પાંજરે પૂરી પોલીસના હવાલે કરી દેવાનો ગામમાં રહેતા દિનેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગામમાં પાંજરાનો નિર્ણય કરવામાં આવ્યો છે કે જે કોઈ દારૂ પીતું હોય અથવા પીને ગામમાં આવે તેના માટે લોખંડનું પાંજરું બનાવવામાં આવ્યું છે અને એને ગામની વચ્ચે મુકવામાં આવ્યું છે. જે કોઈપણ દારૂ પીને આવે એને પાંજરામાં 24 કલાક સુધી પૂરી દેવાનો અને 24 કલાક પછી પોલીસના હવાલે કરી દેવાનો. આ નિર્ણય ખૂબ જ સરસ છે.

પોલીસનું કામ પબ્લિકે પોતાના હાથમાં લેવું એ કાયદાનું ઉલ્લંઘન સરકારી વકીલ ભરત પટેલે કાયદાની મર્યાદાઓ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી એ સંપૂર્ણપણે પોલીસની જવાબદારી છે. કોઈપણ નાગરિકને કાયદો પોતાના હાથમાં લેવાનો કે સ્વયંભૂ પ્રોટેકટેડ એજન્સી બનવાનો કોઈ અધિકાર નથી. જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં જોવા મળે, તો તેની જાણ તુરંત પોલીસને કરવી જોઈએ તેને પકડીને પાંજરામાં પૂરી દેવો કે બંધક બનાવવો એ કાયદેસર રીતે ગુનો છે. કાયદો આવી અમાનવીય વર્તણૂકની મંજૂરી આપતો નથી.

વધુમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, ગંભીર ગુનાઓ જેમ કે હત્યાના કિસ્સામાં નાગરિકો આરોપીને પકડીને પોલીસને સોંપી શકે છે, પરંતુ દારૂ પીધેલી વ્યક્તિ સાથે આવું વર્તન કરવું અયોગ્ય છે. કાયદાએ માત્ર પોલીસને જ વ્યક્તિને કસ્ટડીમાં રાખવાની સત્તા આપી છે. સામાન્ય જનતા પાસે આવા કોઈ પાવર નથી. આથી પોલીસનું કામ પબ્લિકે પોતાના હાથ પર લેવું એ કાયદાનું ઉલ્લંઘન છે.

2017માં મોતીપુરા ગામે દારૂડિયાને પાંજરે પૂરવા નિર્ણય કરાયો હતો ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લાના સાણંદથી 10 કિલોમીટર દૂર અંદાજે 650 ઘરો અને 2,200ની વસ્તી ધરાવતા મોતીપુરા ગામમાં વર્ષ 2017માં આ પ્રકારનો અનોકો નિર્ણય કરવામાં આવ્યો હતો. કહેવામાં આવતું હતું કે, આ ગામમાં પહેલા દરેક ધરમાં દારૂનું વ્યસન હતું. ગામમાં દારૂના કારણે 175 જેટલી મહિલાઓ વિધવા બની હતી. જ્યારે દરેક ઘરમાં પુરૂષો દારૂના રવાડે ચડીને ઘરમાં પૈસા પણ આપતા નહોતા, જેથી મહિલાઓ કંટાળી ગઈ હતી.

આ ગામના સરપંચ અને આગેવાનોએ એકઠા થઈને એક નિર્ણય લીધો હતો. જેમાં દારૂનું સેવન કરીને આવે તેને એક દિવસ પાંજરામાં રાખવામાં આવે અને તેની પાસેથી 1200 રૂપિયાનો રૂપિયા દંડ પણ વસૂલવામાં આવતો હતો. એટલું જ નહીં એક દિવસ માટે જમવાનું પણ આપવામાં આવતું નહોતું. માત્ર પાણી જ આપવામાં આવતું હતું. જેના કારણે ધીમે ધીમે લોકોએ શરમ અને સજાના ડરથી દારૂનું સેવન બંધ કરી દીધું હતું અને 2019ની શરૂઆત સુધીમાં સમગ્ર ગામ વ્યસનમુક્ત બની ગયું હતું. નશાબંધી વિભાગ દ્વારા આ ગામને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું.

Image Gallery