70 વર્ષના નરાધમે 14 વર્ષની માસૂમને પીંખી:પેટમાં દુખાવો ઊપડતાં ભાંડો ફૂટ્યો; કિશોરીએ બાળકને જન્મ આપ્યો, કોંગ્રેસનો રીવાબાને સવાલ: બહેન-દીકરીઓે ક્યાં સુરક્ષિત છે?
પેટમાં દુ:ખાવો ઊપડ્યો ને ભાંડો ફૂટ્યો પ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદના એક ગામના રહેવાસી અરજણ ખોડાભાઇ ચાવડા (ઉં.વ. 70) નામના વૃદ્ધે ગામની એક 14 વર્ષીય કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. પિતાને મારી નાખવાની ધમકી આપી તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
કિશોરીએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો તાજેતરમાં કિશોરીને અચાનક દુખાવો ઊપડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેણે એક બાળકને
જન્મ આપ્યો હતો. નવજાત બાળકને વધુ સારવાર માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યું છે. આ ઘટના બાદ પરિવારજનોએ સમગ્ર હકીકત પોલીસને જણાવી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો સગીરાના વાલીઓએ ગત 1 ડિસેમ્બર, 2025ના રોજ પાળિયાદ પોલીસ મથકમાં 70 વર્ષીય આરોપી અરજણ ખોડાભાઇ ચાવડા વિરુદ્ધ દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પાળિયાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બીજા જ દિવસે, એટલે કે 2 ડિસેમ્બર, 2025ના રોજ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને જેલહવાલે કર્યો હતો.
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ-અધ્યક્ષના સરકાર પર પ્રહાર ગઈકાલે રાત્રે આ કરુણ ઘટનાની જાણ થતાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષ ગીતાબેન પટેલ, બોટાદ જિલ્લા મહિલા કોંગ્રેસ-પ્રમુખ ગીતાબેન પરમાર સહિત અન્ય મહિલા કાર્યકરો બોટાદની હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં અને કિશોરી તેમજ તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી.
રીવાબા જાડેજાના નિવેદન પર આક્રોશ ગીતાબેન પટેલે તાજેતરમાં મંત્રી રીવાબા જાડેજાએ આપેલા નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હમણાં રાજ્યના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં મહિલા સંપૂર્ણ સુરક્ષિત છે. ત્યારે હું તેમને પૂછવા માગું છું કે મહિલાઓ ક્યાં સુરક્ષિત છે? જેનું જીવતું જાગતું આ બોટાદનું ઉદાહરણ છે, જે રીવાબાને બતાવવા માગું છું કે જુઓ... આમાં ક્યાં મહિલા સુરક્ષિત છે.
સરકારનાં સૂત્રો પર સવાલ ગીતાબેન પટેલે સરકાર દ્વારા મહિલા સુરક્ષા અને સશક્તીકરણ માટે આપવામાં આવતાં સૂત્રોની પોલ ખોલતાં આકરા સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સરકાર નારી સુરક્ષાની વાતો કરે છે, બેટી બચાવો, બેટીને પઢાવોની વાતો કરો છો, મહિલાઓના રક્ષણની વાતો કરો છો, મહિલાના વિકાસની વાતો કરો છો. તો ક્યાં છે આ બધું?
કડક સજા અને ન્યાયની માગ ગીતાબેન પટેલે માગણી કરી હતી કે સગીરા પર દુષ્કર્મ આચરનાર શખસને કડકમાં કડક સજા થવી જોઈએ અને પીડિત સગીરાને યોગ્ય ન્યાય મળવો જોઈએ. વધુમાં, તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટે મહિલા કોંગ્રેસ દ્વારા યોગ્ય લડત ચલાવવામાં આવશે.
સગીરા પર આચરવામાં આવેલા આ જઘન્ય ગુનાથી સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ છે અને આરોપીને સત્વર સજા થાય એવી માગ ઊઠી છે.
