છાબડીમાં 71 લાખ રોકડા, 21 તોલા સોનું:ફેમસ યુટ્યૂબરને લગ્નમાં મળી અઢળક ગિફ્ટ, વીડિયો વાઇરલ થતાં યુઝર્સે કહ્યું, ‘દહેજ’ના નામે સારું ‘દાન’ મળ્યું
હરિયાણાના ગુરુગ્રામના રહેવાસી પ્રખ્યાત યુટ્યૂબર અરુણ પંવારના આજે (3 ફેબ્રુઆરી) લગ્ન છે. તેમના લગ્ન એક વીડિયોને કારણે ચર્ચામાં છે, જેમાં તેમને લગ્ન ચાંદલો (લગ્ન પહેલાંની વિધિ)માં 71 લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા, સાથે જ પરિવારના સભ્યોને 21 તોલા સોનાના દાગીના પણ આપવામાં આવ્યા હતા. અરુણે આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
અરુણ સોહનાના ઇન્દ્રી ગામના રહેવાસી છે. તેમના લગ્નનો ચાંદલો 30 જાન્યુઆરીએ આવ્યો હતો. અરુણ પવાર જે છોકરી સાથે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે તેમનું નામ ડો. તિથિ છે. તિથિનો પરિવાર પલવલમાં રહે છે. અરુણ અને તિથિનાં લગ્ન નેશનલ હાઈવે નંબર 19 પર આવેલા ગ્રીનલેન્ડ 44 ફાર્મ હાઉસમાં થશે.
લગ્નના ચાંદલાના વીડિયો અંગે ભાસ્કર એપની ટીમે જ્યારે અરુણ પંવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કોલ રિસીવ કર્યો નહોતો.
તિથિના પિતા મોટી કંપનીમાં કાર્યરત
તિથિ મૂળભૂત રીતે હાથિનના ગહબલ ગામની રહેવાસી છે. ઘણા સમયથી તેમનો પરિવાર પલવલ શહેરમાં રહે છે. તે MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી જયપુરથી MDનો અભ્યાસ કરી રહી છે. તેમનો ભાઈ રોહતક PGIમાં ડોક્ટર છે. પિતા ગોપાલ સિંહ સોની એક કંપનીમાં મોટા પદ પર કાર્યરત છે. મૂળભૂત રીતે તેઓ હાથિનના ગહલબ ગામના રહેવાસી છે. પરિવાર છેલ્લા ઘણા સમયથી પલવલમાં રહે છે.
વીડિયો વાઈરલ થતાં જ યુઝર્સે કમેન્ટ કરી
અરુણના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર જેવો વાઇરલ થયો, યુઝર્સ અનેક કમેન્ટ્સ કરવા લાગ્યા. એક યુઝરે ટિપ્પણી કરી, જ્યારે એક સેલિબ્રિટી ઇન્ફ્લુએન્સર આવું કરે છે, ત્યારે સમાજના ગરીબવર્ગ પર તેની ખૂબ જ ખોટી અસર પડે છે. બીજાએ કહ્યું, આ ‘ગિફ્ટ’ નહીં, પરંતુ ‘સિસ્ટમ’ની મજાક છે. શું પ્રશાસન આ મામલે ધ્યાન આપશે? અન્ય એક યુઝરે લખ્યું, 2026માં પણ આ બીમારી. જ્યારે એક યુઝરે લખ્યું દહેજના નામે સારું દાન મળ્યું છે
પિતાથી લઈને ભાભી સુધી દરેક માટે ઘરેણાં મળ્યાં
અરુણે તેના ઇન્સ્ટાગ્રામ પર જે રીલ અપલોડ કરી છે એમાં એક વ્યક્તિ હાથમાં પેજ લઈને જણાવી રહી છે કે દહેજ નહીં, પરંતુ દાનમાં શું-શું આપવામાં આવ્યું છે. તે વ્યક્તિ કહી રહી છે: "છોકરાની સાડા 5 તોલાની ચેન, 4 તોલાનું બ્રેસ્લેટ, બે સોનાની વીંટી - એક સગાઈની અને એક લગ્નની, કુલ 5 સોનાની વસ્તુ, છોકરાના પપ્પાની ચેઇન અને વીંટી, છોકરાના મોટા પપ્પાની વીંટી, છોકરાના ભાઈ દિનેશ અને આકાશની વીંટી, છોકરાની મમ્મીના કાનના ઝૂમકા, પાયલ અને ચુની, છોકરીની બહેનના કાનના ઝૂમકા, અને ભાભી માટે કાનના ઝૂમકા આપવામાં આવ્યા છે. આ સાથે કુલ 21 તોલા સોનું અને 71 લાખ રૂપિયા રોકડા પણ આપવામાં આવ્યા."
ઓટોમોબાઈલ કન્ટેન્ટ બનાવે છે
અરુણ પંવાર યુટ્યૂબ પર ઓટોમોબાઈલ કન્ટેન્ટ મૂકે છે. અરુણે કોમ્પ્યુટર એપ્લિકેશન્સમાં ગ્રેજ્યુએશન (BCA) કર્યું છે, પરંતુ ભણતરની સાથે-સાથે તેમનો ઝુકાવ શરૂઆતથી જ કાર અને ટેકનોલોજી તરફ રહ્યો છે. આ જ રુચિએ તેમને ડિજિટલ પ્લેટફોર્મ પર એક અલગ ઓળખ અપાવી.
2019માં યુટ્યૂબ ચેનલ શરૂ કરી
અરુણ પંવારે વર્ષ 2019માં પોતાની યુટ્યૂબ કારકિર્દી શરૂ કરી. તેમની યુટ્યૂબ ચેનલ પર કાર રિવ્યૂ, નવી ગાડીઓની માહિતી, માઈલેજ, ફીચર્સ, રિયલ-લાઈફ ઓનરશિપ એક્સપિરિયન્સ અને ઓટોમોબાઈલ સંબંધિત કન્ટેન્ટ જોવા મળે છે. તેમની ખાસિયત એ છે કે તેઓ ગાડીઓની માહિતી સરળ ભાષામાં અને પોતાના અંગત અનુભવના આધારે જણાવે છે, જેનાથી સામાન્ય દર્શકોને સાચો નિર્ણય લેવામાં મદદ મળે છે.
લક્ઝરી ગાડીઓનું કલેક્શન
કારના શોખને કારણે અરુણ પંવાર પાસે એક મોટું કાર કલેક્શન પણ છે, જેમાં કિયા સેલ્ટોસ, ફોર્ડ એન્ડેવર, ટોયોટા ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર જેવી ગાડીઓ સામેલ છે. ડિજિટલ સફળતા પછી અરુણ પંવારે પોતાની બ્રાન્ડને આગળ વધારતા ઓટોમોબાઈલ સંબંધિત ઓનલાઈન બિઝનેસની પણ શરૂઆત કરી.