ભડભડ સળગતી પત્નીને બચાવવાને બદલે વીડિયો ઉતાર્યો:અકસ્માતે દાઝી જવાનું જુઠ્ઠાણું પણ ચલાવ્યું; સુરતમાં પતિએ મારઝૂડ કરી મરી જવાની વાત કરતા પત્ની ડીઝલ છાંટી સળગી મરી
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં માનવતાને કંપાવી દે તેવી ઘટનામાં પતિની સતત હિંસા અને અપમાનથી કંટાળી એક પરિણીતાએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. પતિએ બચાવવાને બદલે સળગતી પત્નીનો વીડિયો પણ બનાવ્યો હતો. પતિએ મારઝૂડ કરી ઘરમાં તેલ પડ્યું છે, મરી જા એવી ઉશ્કેરણી કરતા આવેશમાં આવી પત્નીએ શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. પરિણીતાના આપઘાત કેસમાં ઈચ્છાપોર પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.
નાની-નાની વાતમાં પતિ ઝઘડો કરતો હતો બિહારના છપરા ખાતે રહેતા હરબંશ છબીલા સહા (64) ખેતીકામ કરે છે. સંતાનમાં 4 દીકરી અને બે દીકરા છે. 31 વર્ષીય દીકરી પ્રતિમાદેવીના લગ્ન રંજિત દિલીપ સહા સાથે થયા હતા અને તેઓ સુરતના ઇચ્છાપોર ખાતે જયરાજ સોસાયટીમાં રહે છે. રંજિત અને પ્રતિમાએ ભાગીને લગ્ન કર્યા હતા. તેઓને સંતાનમાં પુત્રી પ્રિયા, પુત્ર આદિત્ય અને અંકુશ છે. પતિ રંજિત નાની-નાની વાતે પ્રતિમા સાથે ઝઘડો કરતો હતો. રંજિત ગેરેજમાં નોકરી કરે છે.
પરિણીતાએ પોતે સળગી હોવાનું ભાઈને જણાવ્યું હતું ગત 4 જાન્યુઆરીના રોજ પ્રતિમા સળગી ગઇ હતી. શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કર્યુ હોવા છતાં રંજિતે અકસ્માતે દાઝી ગઈ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. દરમિયાન પ્રતિમાએ હોસ્પિટલના બિછાનેથી તેના ભાઈ જયપ્રકાશને પોતે સળગી ગઇ હોવાની વાત કરી હતી.
બાળકોને લઈ પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી ત્યારબાદ બાળકોને પૂછતા એવું જાણવા મળ્યું કે, મકાનના ધાબા પર પડોશીએ ઘઉં સૂકવવા મૂક્યા હતા જે વેરવિખેર થઈ જતા બાળકો અંકુશ અને આદિત્યએ આ કરતૂત કરી હોવાની શંકા રાખી પિતાએ બંને બાળકોને ઠપકો આપી સ્કૂલે જવાનું બંધ કરી દેવાની ધમકી આપી હતી.
પતિએ વીડિયો બનાવ્યો પત્નીને સળગવા દીધી પતિ રંજિતની બૂમાબૂમ સાંભળી પ્રતિમાએ વચ્ચે પડી છોકરાઓને કેમ ઠપકો આપો છો? એવું કહેતા રંજિતે પ્રતિમા પર ભારે ગુસ્સો કરી મારઝુડ પણ કરી હતી. આવેશમાં આવી પ્રતિમાએ મરી જવાની વાત કરી હતી. તે સમયે રંજિતે ઘરમાં તેલ પડયું છે, તે લઇ સળગી જા એવી ઉશ્કેરણી કરતા પ્રતિમા ડીઝલ શરીરે છાંટી સળગી મરી હતી. તે સમયે રંજિતે પત્નીને બચાવવાને બદલે વીડિયો ઉતાર્યો હતો અને તેણીને સળગવા દીધી હતી.
સસરાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાદેવીને સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં પિતા હરબંશ છબીલા સાહની ફરિયાદના આધારે જમાઈ રંજિત દિલીપ સાહ (રહે. ઘર નં. એમ/30, જયરાજ સોસાયટી, ઈચ્છાપોર બસ સ્ટેન્ડ-3) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા સહિતની ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.
પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો પોલીસે ઘટનાના તમામ પાસાંની તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે ઘટનાસ્થળેથી મળેલા પુરાવા, વીડિયો ક્લિપ તથા સાક્ષીઓના નિવેદનોના આધારે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. ઇચ્છાપોર પોલીસે રંજિત દિલીપ સહા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.