ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈ પોલીસનું રિહર્સલ
ગુજરાતની સૌથી મોટી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા અષાઢી બીજે અમદાવાદના શહેર વિસ્તારમાંથી નીકળવાની છે. ભક્તો અને લોકોના ઉત્સાહની સાથે પોલીસ પણ આ તમામ રથયાત્રાને નિર્વિઘ્ન પૂર્ણ થાય એ માટે ખડેપગે છે. આજે (24 જૂન) રથયાત્રા રોડ પર પોલીસનું મેગા રિહર્સલ યોજાયું હતું. જેમાં શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ભગવાન જગન્નાથ મંદિરથી પોલીસનું રિહર્સલ
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ દ્વારા રથયાત્રાના દિવસે રોડ પર કઈ રીતે આખી વ્યવસ્થા થશે એ માટેનું એક મેગા રિહર્સલ આજે યોજાયું હતું. ભગવાન જગન્નાથના મંદિર જમાલપુરથી સવારે સાત વાગ્યે પોલીસ રથયાત્રાના રૂટ પર નીકળી હતી. સવારે સાત વાગ્યાથી ભગવાન જગન્નાથના નિર્ધારિત રૂટ પર પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો અને અલગ અલગ ફોર્સ રસ્તા પર જાણે રથયાત્રા જ નીકળી હોય, એ પ્રમાણે નીકળ્યા હતા.
રથયાત્રા પૂર્વે મંદિરમાં ખાસ કાર્યક્રમો 25 જૂને સવારે 8 વાગ્યે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીનું ગર્ભગૃહમાં રત્નવેદી ઉપર પ્રતિષ્ઠા તથા નેત્રોત્સવ પૂજા વિધિ થશે. વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના આંખે પાટો બાંધવાની વિધિ કરાશે. સવારે 9:30 વાગ્યે ધ્વજારોહણ વિધિ થશે, જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સવારે 11 વાગ્યે સંતોનો ભવ્ય ભંડારો અને સન્માન થશે, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
ગઈકાલે સાંજે રથયાત્રાની શહેર શાંતિ સમિતિની બેઠક મળી હતી 26 જૂને સવારે 10 વાગ્યે ભગવાનના સોનાવેશના દર્શન થશે. સવારે 10:30 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન થશે. 11 વાગ્યે મંદિરના પ્રાંગણમાં રથયાત્રાનો પ્રારંભ કરાવનારા ગજરાજોનું પૂજન કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ હાજર રહેશે. કોંગ્રેસના નેતાઓ પણ રથ પૂજન માટે આવશે. 23 જૂનની સાંજે 5 વાગ્યે રથયાત્રાની શહેર શાંતિ સમિતિની બેઠક મંદિરના મહંત અને ટ્રસ્ટી સાથે મળી હતી.
ભગવાનનાં વસ્ત્રો અને આભૂષણો અર્પણ કરાયાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પહેલા, જેઠ વદ અમાસ એટલે કે 25 જૂન, બુધવારના રોજ ભગવાન મામાના ઘરે સરસપુર મંદિરથી પરત આવશે, ત્યારે નેત્રોત્સવ વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી યોજાશે. બીજા દિવસે, 26 જૂન, ગુરુવારના રોજ ભગવાન સોનાવેશ ધારણ કરશે. અને 27 જૂનના અષાઢી બીજે ભગવાન નગરચર્યાએ નીકળશે. આ ત્રણેય દિવસના ભગવાનના વસ્ત્રો અને આભૂષણોના યજમાનો દ્વારા આજે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટી અને મહંતને આભૂષણો તેમજ વસ્ત્રો સોંપવામાં આવ્યા હતા. મોરપીંછ, લાલ, ગુલાબી સહિતના કલરના વાઘા અને મુગટ ભક્તિભાવપૂર્વક અર્પણ કરવામાં આવ્યા હતા.
યજમાનો દ્વારા ઢોલ-નગારા સાથે ભાવપૂર્ણ રીતે તમામ વસ્ત્રો અને આભૂષણો લઈને મંદિરે આવ્યા હતા. ભક્તો દ્વારા રાસ-ગરબા અને ઢોલ-નગારા સાથે ખૂબ ઉત્સાહથી ભગવાનના આભૂષણો અર્પણ કર્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો દ્વારા પણ અમાસથી લઈને બીજ સુધી, આમ ત્રણ દિવસ ભગવાનને પહેરાવવામાં આવનાર વાઘા અને વસ્ત્રોના દર્શન કર્યા હતા.
5થી 60 વર્ષ સુધીના ખલાસીઓ રથ ખેંચશે અમદાવાદમાં આગામી રથયાત્રા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે આ વર્ષે રથ ખેંચનારા ખલાસી સમાજ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંપરાગત રીતે, માત્ર ખલાસી સમાજના લોકો જ ભગવાન જગન્નાથનો રથ ખેંચે છે. આશરે 1500 જેટલા ખલાસીઓ અમદાવાદ, વડોદરા, ભરૂચ, ખંભાત, સુરત, મહેમદાવાદ સહિતના શહેરોમાંથી ખાસ રથ ખેંચવા માટે આવે છે. આ વર્ષે, રથ ખેંચતી વખતે અન્ય કોઈ વ્યક્તિઓ ખલાસીઓ સાથે ન ભળી જાય તે સુનિશ્ચિત કરવા માટે, ખલાસી સમાજ દ્વારા આઈ-કાર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, એક ખાસ ડ્રેસ કોડ તરીકે સફેદ રંગના ટી-શર્ટ રાખવામાં આવ્યા છે. 5 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના ખલાસી ભાઈઓ રથ ખેંચીને સેવા આપશે.
કલકત્તી થીમનાં વસ્ત્રોનું અર્પણ અને મગનો પ્રસાદ
વર્ષોથી ખલાસી સમાજના ભાઈઓ માત્ર રથ ખેંચવાની સેવા જ આપતા આવ્યા છે, પરંતુ આ વર્ષે એક અનોખો પ્રયોગ જોવા મળ્યો છે. ખલાસી સમાજના ચંદ્રકાંતભાઈ દ્વારા ભગવાનના વસ્ત્રો અને વાઘા અર્પણ કરવામાં આવ્યા છે. કલકત્તી થીમ પર બનાવવામાં આવેલા આ સુંદર વાઘા ચંદ્રકાંતભાઈ અને તેમનો પરિવાર આજે ભાવપૂર્વક વાજતે-ગાજતે જમાલપુર જગન્નાથ મંદિરે લઈને આવ્યા હતા અને ભગવાનને અર્પણ કર્યા હતા. રથયાત્રામાં પ્રસાદ તરીકે મગ આપવાની પરંપરા છે, જેના પરથી "મગ ચલાવે પગ" એવી કહેવત પણ પ્રચલિત છે. લોકો દ્વારા અત્યાર સુધીમાં 1400 કિલો મગ પ્રસાદ માટે આપવામાં આવ્યા છે. મંદિર દ્વારા આ મગને સાફ કરીને ફણગાવીને રથયાત્રાના દિવસે પ્રસાદ સ્વરૂપે ભક્તોને આપવામાં આવશે. હજી પણ શ્રદ્ધાળુઓ પ્રસાદ સ્વરૂપે મગ મંદિરે આપવા માટે આવી રહ્યા છે