Loading...

વૃદ્ધ દંપતીને છરીની અણીએ બંધક બનાવી 21 લાખથી વધુની લૂંટ:એકબીજાના માથે હાથ મુકાવી સોગંદ ખવડાવ્યા કે કોઈને જાણ ના કરવી; અમદાવાદના બંગલામાં 3 લૂંટારાની ધાડ

બેડરૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો શીલજ વિસ્તારમાં આવેલા આર્યમાન બંગલોઝમાં રહેતા 75 વર્ષીય ભરતભાઈ શાહે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 21.91 લાખની લૂંટની ફરિયાદ કરી છે. ભરતભાઈ પત્ની પલ્લવીબેન સાથે રહે છે અને ચાંગોદર ખાતે આવેલી ક્રોસમાર્ક ઈનોવેશન નામથી ભાગીદારીમાં ટેક્સટાઈલ મશીનરી બનાવવાનો વેપાર કરે છે. તારીખ 26 ઓક્ટોમ્બરના રોજ રાત્રે સાડાદસ વાગ્યાની આસપાસ ભરતભાઈ અને પલ્લવીબેન બેડરૂમમાં સૂઈ ગયાં હતાં ત્યારે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ભરતભાઈ બાથરૂમ કરવા માટે જાગી ગયા હતા. ભરતભાઈ પરત આવીને સૂઈ ગયા ત્યારે બેડરૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો.

‘આવાજ મત કરના, નહીં તો માર દેંગે’ ભરતભાઈ દસ મિનિટ પછી ફરીથી જાગી ગયા ત્યારે તેમની સામે બે અજાણ્યા શખસ ઊભા હતા. બન્ને શખસના હાથમાં છરો હતો, જેથી ભરતભાઈએ ચોર ચોરની બૂમો પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં તો એકદમ એક શખસ છરો લઈને તેમની નજીક આવ્યો હતો અને હિન્દીમાં બોલ્યો હતો કે ‘આવાજ મત કરના, નહીં તો માર દેંગે’.

‘ઘર મેં જો ભી હૈ હમે દે દો, વરના તુમ્હારે પતિ કો માર દેંગે’ આ દરમિયાન પલ્લવીબેન પણ જાગી જતાં ત્રીજો શખસ છરી લઈને આવી ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે ‘ઘર મેં જો ભી હૈ હમે દે દો, વરના તુમ્હારે પતિ કો માર દેંગે’. શખસે પલ્લવીબેનને કહ્યું હતું કે ‘તિજોરી કહા હૈ વો દીખા’. પલ્લવીબેન ગભરાઈ ગયાં, જેથી તેમને બેડરૂમની તિજોરી બતાવી દીધી અને ખોલી પણ આપી.

વૃદ્ધ દંપતી સામે જ 22 લાખથી વધુની લૂંટ કરી લૂંટારાઓ ફરાર પલ્લવીબેનની સામે બે શખસે હીરાની બૂટી, સોનાની કંઠી, હીરાનું પેન્ડલ, સોનાની બંગડી, હીરાના પ્લેટિનયમ કડા, સોનાનો સેટ, સોનાનો હાર, આઠ સોનાની લગડી, રાડો કંપનીની ઘડિયાળ, લોજીનેસ કંપનીની ઘડિયાળ, એક લાખની રોક્ડ સહિત કુલ 21.91 લાખની મતાની લૂંટ કરી હતી. લૂંટારાઓ ત્યાંથી નાસી ગયા હતા. ત્યાર બાદ વૃદ્ધ દંપતી ગભરાઈ ગયાં હતાં. ભરતભાઈએ આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

લૂંટારાઓ બારીનો કાચ તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા ભરતભાઈ અને પલ્લવીબેનની સામે લૂંટ કર્યા બાદ ત્રણેય તસ્કર નાસી ગયા હતા. ભરતભાઈએ તરત જ સિક્યોરિટી ગાર્ડને બોલાવ્યો હતો. સિક્યોરિટી ગાર્ડે આવતાંની સાથે જ ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં સામે આવ્યુ હતું કે ત્રણેય તસ્કરો ડાઈનિંગ ટેબલની બાજુમાં આવેલી બારીનો કાચ તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા અને બાદમાં લૂંટની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. રાત્રે 12.57ના સમયે લૂંટારાઓ મકાનના પાછળની દીવાલ કૂદીને આવ્યા હતા અને ગાર્ડનમાંથી બારીનો કાચ તોડીને પ્રવેશ્યા હતા. ત્રણ કલાક લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ રાતે 2.48 વાગે તેઓ દીવાલ કૂદીને જતા રહ્યા હતા.

એકબીજાના માથે હાથ મુકાવી સોગંદ ખવડાવ્યા: એસીપી એન ડિવિઝન એસીપી એસ.એમ. પટેલે જણાવ્યું હતું કે લૂંટ બાદ લૂંટારાઓએ દંપતીને એકબીજાના માથે હાથ મુકાવીને સોગંધ ખવડાવ્યા હતા કે કોઈને બનાવ અંગે જાણ ન કરવી.જો પોલીસને જાણ કરશો તો ફરીથી આવીને જાનથી મારી નાખીશું. ધમકીને કારણે દંપતીએ 2 દિવસ સુધી ફરિયાદ કરી નહોતી.ફરિયાદ કરતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

હંમેશાં સાથે રાખો સેલ્ફ ડિફેન્સ ટૂલ્સ હંમેશાં તમારી સાથે પેપર સ્પ્રે,, લાલ મરચાંનો પાઉડર અથવા નાની લાકડી સાથે રાખવાની આદત પાડો. જો તમે એકલાં રહો છો અને કોઈ અચાનક તમારા પર હુમલો કરે છે, તો બિલકુલ ગભરાશો નહીં. તમારી પાસે જે કંઈ હોય એનો ઉપયોગ વળતો હુમલો કરવા માટે કરો. જો તમારા પર રસોડામાં હુમલો થાય, તો તમને જે પણ વાસણ કે છરી મળે એનો ઉપયોગ હથિયાર તરીકે કરો.

જોર-જોરથી અવાજ કરો જો તમને લાગે કે તમારી સાથે કંઈક ખોટું થવાનું છે, તો પહેલા તમારા ઘરની બાલ્કનીમાં અથવા બહાર આવીને જોર-જોરથી અવાજ કરો. જો તમને અવાજ કરવામાં તકલીફ પડતી હોય, તો તમે સીટી વગાડીને લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકો છો. તમે તમારી ચાવીઓ સાથે સીટી પણ લગાવીને રાખી શકો છો.

હુમલાખોરના વીક પોઇન્ટને ટાર્ગેટ કરો હુમલાખોરના વીક પોઇન્ટને શોધો અને તેની પર અચાનક હુમલો કરો. ઉદાહરણ તરીકે, તમે હુમલાખોરની આંખો, નાક, કાન વગેરે પર હુમલો કરી શકો છો. તમે તેને તમારા નખ પણ મારી શકો છો, ઘૂંટણ પર જોરથી મારી શકો છો, જેથી તે નીચે પડી જાય.

ક્રાઇમથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખો

  • ગમે ત્યાં જતાં પહેલાં એ સ્થળ વિશે માહિતી મેળવો.
  • નવા રસ્તે જતાં પહેલાં હંમેશાં ખાતરી કરો કે એ સલામત છે કે નહીં.
  • જો તમે નવી જગ્યાએ જાઓ છો તો તમારી બોડી લેંગ્વેજ કોન્ફિડન્ટ રાખો, જેથી સામેની વ્યક્તિ તમને નબળા ન માને.
  • ફક્ત ભીડવાળા રસ્તાઓ જ પસંદ કરો અને નિર્જન રસ્તાઓ પર જવાનું ટાળો.
  • રસ્તામાં સંપૂર્ણપણે સતર્ક રહો અને ફોનનો ઉપયોગ કરતાં-કરતાં ચાલશો નહીં. આવા કિસ્સામાં ફોન, પર્સ અને ઘરેણાં છીનવી લેવાની ઘટનાઓ ખૂબ જ સામાન્ય છે.
  • કીમતી વસ્તુઓનો દેખાડો ન કરો. મોંઘા ફોન, કીમતી ઘરેણાં વગેરે બહાર ન લઈ જવાં.

Image Gallery