'બાળકીનો હાથ કાપવો પડશે', અમદાવાદ સિવિલના ડૉક્ટરની વાતથી પરિવાર ચોંક્યો:વિસનગરની પાર્થ હોસ્પિટલ સામે પિતાનો આક્ષેપ, કહ્યું- ડૉક્ટરની ભૂલે બાળકીનો હાથ કાળો પડ્યો
“માતા, ફોઈ કે દાદીએ હાથ દબાવ્યો હશે એટલે આવું થયું” વધુમાં તેઓએ જણાવ્યું કે, બાળકીનો હાથ કાળો પડતાં પાર્થ હોસ્પિટલના ડોક્ટરને પૂછ્યું તો જવાબ મળ્યો કે, “માતા, ફોઈ કે દાદીએ હાથ દબાવ્યો હશે એટલે આવું થયું”. ઇમરજન્સી જોઈને પરિવારે બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં ડોક્ટરોએ ગેંગરીન જાહેર કરી હાથ કપાવવાની સલાહ આપી. હાથ કપાવવા તૈયાર ન થતાં પરિવારે આજે બાળકીને વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે, જ્યાં ડોક્ટરોએ 50 ટકા રિકવરીની આશા આપી છે. આવા ડોક્ટર સામે પગલાં લેવા જોઈએ, હોસ્પિટલે એક જ કાગળ આપ્યો છે, કઈ દવા આપી કે કયા રિપોર્ટ કર્યા એની કોઈ માહિતી આપી નથી. અમારી એક જ માંગ છે – અમારી બાળકી સાજી થઈ જાય.
ડોક્ટરની ભૂલના કારણે જ આજે અમારી બાળકીને ગેંગરીન થઈ ગયું બાળકીની ફૂઈ સુહાની રાવળે ભાવુક થઈને જણાવ્યું કે, “ભાભીને કાશીબા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને ત્યાં ઓપરેશન કરીને ડિલિવરી કરાવી. તરત જ બાળકીને વજન ઓછું હોવાથી પાર્થ હોસ્પિટલમાં પેટીમાં રાખવામાં આવી. પાંચ દિવસ સારવાર ચાલી અને રોજ સોઈ લગાવવામાં આવી. એ જ સોઈની ભૂલથી બાળકીનો હાથ કાળો પડી ગયો છે. ડોક્ટરની ભૂલના કારણે જ આજે અમારી 11 દિવસની નાનકડી બાળકીને ગેંગરીન થઈ ગયું છે. અમે બાળકીનો હાથ કપાવવા તૈયાર નથી – એ અમારી એક જ માંગ છે.”
બાળકીને આજે સવા બાર વાગ્યે અમારી હોસ્પિટલમાં દાખલ કરાઈ વડનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. હર્ષિત પટેલે જણાવ્યું કે, “આજે સવા બાર વાગ્યાની આસપાસ વિસનગરની એક ખાનગી હોસ્પિટલમાંથી ડિલિવરી થયા બાદ 11 દિવસની નવજાત બાળકી અમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના એક હાથનો ભાગ એકદમ કાળો પડી ગયો છે. પ્રાથમિક તપાસમાં ગેંગરીનની શક્યતા લાગી રહી છે. આ સ્થિતિમાં હાથના છેવાડાના ભાગમાં બ્લડ સપ્લાય બંધ થઈ જાય ત્યારે આવું થાય છે. અમે પીડિયાટ્રિક સર્જનનો અભિપ્રાય લેવા માગ્યો હતો, પરંતુ અમારી હોસ્પિટલમાં રેગ્યુલર પીડિયાટ્રિક સર્જન ઉપલબ્ધ નથી. તેથી RBSK ટીમ દ્વારા બાળકીને વધુ મોટી હોસ્પિટલમાં રિફર કરવાની કાર્યવાહી ચાલુ છે અને જિલ્લા વિકાસ અધિકારી સાથે પણ આ અંગે વાત થઈ છે.”
