જેલમાં બંધ કીર્તિ પટેલ સામે વધુ એક FIR:સુરતના વેપારીએ સો.મીડિયા પર બદનામ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી, કીર્તિ સામે ગુજરાતમાં આ 10મો ગુનો
શું છે સમગ્ર મામલો? વેપારી અલ્પેશ ડોંડાની ફરિયાદ મુજબ, સમગ્ર ઘટના ગત નવેમ્બર મહિનામાં બની હતી. અલ્પેશ ડોંડા એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં જોડાયા હતા, જ્યાં અન્ય બે વ્યક્તિ કીર્તિ પટેલ વિશે એલફેલ બોલી રહ્યા હતા. લાઇવ દરમિયાન અલ્પેશ ડોંડા કીર્તિ પટેલ વિરુદ્ધ કંઈપણ બોલ્યા નહોતા અને તેઓ માત્ર સાંભળી રહ્યા હતા. આ બાબતની જાણ થતાં કીર્તિ પટેલે તેની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી અલ્પેશ ડોંડાની આઈડી પર કોલ કર્યો હતો. કોલમાં કીર્તિ પટેલે ડોંડાને અભદ્ર ભાષામાં ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
અભદ્ર ભાષાનો ઉપયોગ કરી પોસ્ટ વાઈરલ કરી કીર્તિ પટેલે ડોંડાને સવાલ કર્યો હતો કે તેણે લાઇવ દરમિયાન મારી વિશે એલફેલ કેમ સાંભળી લીધું, કેમ કંઈ બોલ્યો નહીં. એટલું જ નહીં, કીર્તિ પટેલે અલ્પેશ ડોંડાની પત્ની વિશે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ધમકીઓ આપી હતી. ધમકી આપવાની સાથે કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર અલ્પેશ ડોંડા અને તેની પત્ની વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી પોસ્ટ વાઈરલ કરી હતી અને મેસેજ પણ કર્યા હતા, જેથી તેમને બદનામ કરી શકાય.
કીર્તિ પટેલ સામે મારામારી, ખંડણી સહિતના 10 ગુના અપશબ્દો બોલી ધમકી આપવા અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની પોસ્ટ વાઇરલ કરવા બાબતે લસકાણા પોલીસે કીર્તિ પટેલ સામે ધમકી આપવા અને બદનામ કરવાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ પર અગાઉ મારામારી, ખંડણી, અને સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરવા જેવી અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ નવો ગુનો તેનાં વિવાદાસ્પદ કૃત્યોની યાદીમાં વધારો કરે છે, જેથી કીર્તિ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં આ 10મો ગુનો નોંધાયો છે.
શા માટે 'પાસા' હેઠળ કાર્યવાહી કરવામાં આવી?
સુરત પોલીસ છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત ધમકી, ખંડણી અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઇસમો સામે કડક વલણ અપનાવી રહી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી દ્વારા આ પ્રકારના આરોપીઓ, જેઓ વારંવાર પકડાવા છતાં સુધરતા નથી, તેમની સામે પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ચર્ચાસ્પદ કીર્તિ રણછોડભાઇ પટેલનું નામ આ યાદીમાં મોખરે હતું. કીર્તિ પટેલ તાજેતરમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા બળજબરીથી પૈસા પડાવવાના એક ગુનામાં પકડાઈ હતી, જોકે આ તેનો પહેલો ગુનો નહોતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે કીર્તિ પટેલ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની રીતસરની ટેવ ધરાવે છે અને તેનો ઇતિહાસ જોતાં તે સમાજની શાંતિ અને વ્યવસ્થા માટે જોખમરૂપ બની ગઈ હતી.
પાસા એક્ટનો મુખ્ય ઉદ્દેશ એવા 'આદતી ગુનેગારો'ને સમાજથી દૂર રાખવાનો છે, જેઓ જામીન પર છૂટ્યા પછી ફરીથી એ જ પ્રકારના ગુના આચરે છે. સામાન્ય કાયદાકીય પ્રક્રિયા આવા ઇસમોને રોકવામાં અપૂરતી સાબિત થતી હોવાથી પોલીસ દ્વારા પાસા પ્રપોઝલ તૈયાર કરાયું હતું.
આ સમાચાર પણ વાંચોઃ બે કરોડની ખંડણી મામલે 5 મહિના પહેલાં જેલની હવા ખાધી હતી
શું છે કીર્તિ પટેલની મોડસઓપરેન્ડી? કીર્તિ પટેલની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય ગુનેગારો કરતાં અલગ તરી આવે છે, કારણ કે તેનું મુખ્ય હથિયાર 'સોશિયલ મીડિયા' રહ્યું છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને લોકોને ધમકાવવા, બદનામ કરવા અને ત્યાર બાદ સમાધાનના નામે બળજબરીથી પૈસા પડાવવા માટે કુખ્યાત બની હતી. તેની આ પ્રવૃત્તિ માત્ર સુરત પૂરતી સીમિત નહોતી, પરંતુ સમગ્ર ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં તે આ જ મોડસઓપરેન્ડીથી ગુના આચરતી હતી.
હત્યાના પ્રયાસથી લઈ ખંડણી માગવાના આરોપ પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરતી વખતે તેના લાંબા ગુનાહિત ઇતિહાસને આધાર બનાવ્યો હતો. તેના પર ગુજરાતનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 9 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે, જે તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે.
