જિંદગી-મોત વચ્ચે ઝૂલતા આધેડનું દિલધડક રેસ્ક્યૂ, VIDEO:સુરતમાં 10મા માળે બારી પાસે સૂતા સમયે ગબડ્યા, 8મા માળે ગ્રિલમાં પગ ફસાતાં કલાક લટક્યા, કમરે દોરડું બાંધી બારીમાંથી ખેંચ્યા
સવારે 8 વાગ્યે શું બન્યું? રાંદેર ઝોનના જહાંગીરાબાદ ડી-માર્ટ પાસે આવેલા ‘ટાઈમ ગેલેક્સી’ બિલ્ડિંગના A બ્લોકમાં 10મા માળે રહેતા નીતિનભાઈ અડિયા (ઉંમર આશરે 57 વર્ષ) પોતાના ઘરની બારી પાસે સૂતા હતા. દરમિયાન અચાનક તેઓ બારીમાંથી નીચે પડી ગયા હતા. સદનસીબે તેઓ સીધા જમીન પર પટકાવાને બદલે 8મા માળે આવેલી બારીની બહારની જાળી અને છજાના ભાગે અટકી ગયા હતા. તેમનો પગ ગ્રિલમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો અને તેઓ હવામાં લટકી રહ્યા હતા.
ફાયરબ્રિગેડ એક્શનમાં આવી અને ત્રણ સ્ટેશનની ટીમો કામે લાગી ફાયર કંટ્રોલ રૂમને કોલ મળતાં જ પરિસ્થિતિની ગંભીરતાને પારખીને ત્રણ ફાયર સ્ટેશન જહાંગીરપુરા, પાલનપુર અને અડાજણની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
સાવચેતીના ભાગરૂપે નીચે જમીન પર ફાયરના જવાનોએ સેફ્ટી નેટ પકડી રાખી ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તરત જ ડબલ પ્રોટેક્શન પ્લાન સાથે કામગીરી શરૂ કરી હતી. સૌપ્રથમ સાવચેતીના ભાગરૂપે નીચે જમીન પર ફાયરના જવાનોએ સેફ્ટી નેટ (જાળી) પકડી રાખી હતી, જેથી જો વ્યક્તિ ઉપરથી સરી પડે તો તેમનો જીવ બચાવી શકાય.
10મા માળેથી રોપ-સેફ્ટી બેલ્ટ વડે નીતિનભાઈને સુરક્ષિત બાંધ્યા બીજી તરફ, જવાનો 10મા માળે અને 8મા માળે પહોંચ્યા હતા. 10મા માળેથી રોપ (દોરડું) અને સેફ્ટી બેલ્ટ વડે નીતિનભાઈને સુરક્ષિત બાંધવામાં આવ્યા હતા.
8મા માળની ગ્રિલમાં પગ ફસાયેલો હોવાથી જાળી કાપી નીતિનભાઇનો પગ 8મા માળની ગ્રિલમાં ફસાયેલો હોવાથી ફાયર જવાનોએ હાઈડ્રોલિક કટર અને સાધનો વડે જાળી કાપીને તેમને મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી.
એક કલાકની જહેમત અને સુખદ અંત આશરે એક કલાક સુધી ચાલેલી આ મહામહેનત અને ફાયર જવાનોની સમયસૂચકતાના અંતે નીતિનભાઈને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને સુરક્ષિત રીતે અંદર ખેંચી લેવાયા હતા. આ દૃશ્ય જોઈને ત્યાં હાજર લોકોએ હાશકારો અનુભવ્યો હતો. રેસ્કયૂ બાદ તરત જ તેમને 108 એમ્બ્યુલન્સ મારફત નજીકની ગુરુકૃપા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે એક માનવ જિંદગી બચી ગઈ હતી.
