14 વર્ષ પહેલાં જ્યાં ઉપવાસ કર્યા એ જ ગ્રાઉન્ડમાં સભા:મોદી અહીં 1 લાખથી વધુ લોકોને સંબોધશે, PMનાં પ્રવાસને લઈ આજથી પોલીસ કર્મચારી-અધિકારીઓની રજા રદ
સદભાવના ગ્રાઉન્ડ અને મોદીનું કનેક્શન PM મોદી જે વિશાળ મેદાનમાં જનસભાને સંબોધશે એ સદભાવના ગ્રાઉન્ડ પોતે જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. વર્ષ 2012માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે નર્મદા ડેમની ઊંચાઈ વધારવાના મુદ્દે ચાલતા જન આંદોલન દરમિયાન તેમણે જાન્યુઆરી 2012માં આ જ સ્થળે સદભાવના ઉપવાસ કર્યા હતા. ત્યારબાદથી આ મેદાન 'સદભાવના ગ્રાઉન્ડ' તરીકે ઓળખાય છે.
એક લાખથી વધુ લોકોની હાજરીનો અંદાજ 11 જાન્યુઆરીએ સ્વાભિમાન પર્વ અંતર્ગત આ જ સદભાવના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને સંબોધશે. આ જનસભામાં એક લાખથી વધુ લોકોની જનમેદની એકત્ર થવાની શક્યતા છે.
ભાજપ-અધ્યક્ષ સોમનાથ આવી પહોંચ્યા જનસભાની તૈયારીઓને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે તા. 7 જાન્યુઆરીએ સોમનાથ આવી પહોંચ્યા છે. તેઓ ભાજપ સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠકો યોજીને આયોજનની સમીક્ષા કરશે. જનમેદની એકત્ર કરવા માટે રાજ્યના ચાર મંત્રીઓ પણ સક્રિય રીતે કવાયત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ અધિકારીઓ-કર્મચારીની રજા રદ બીજી તરફ ગુજરાત પોલીસના તમામ કર્મચારી અને અધિકારીની રજા રાજ્યના પોલીસવાળા કે.એલ.એન રાવ દ્વારા કેન્સલ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે તે બાબતને ધ્યાનમાં રાખીને હાલ રજા કેન્સલ કરવામાં આવી છે.આ ઉપરાંત ફ્લાવર શો અને આગામી તહેવારને પણ ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
PMના ગુજરાત પ્રવાસને લઈ નિર્ણય કરાયો આગામી તા. 10થી 12 જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન ગુજરાતના વિવિધ જિલ્લા અને શહેરમાં યોજાનાર કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જેને સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તથા દેશ-વિદેશના મહાનુભાવોની સુરક્ષાને ધ્યાને રાખીને રાજ્યના પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
સોમનાથ સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ કરશે મોદી 10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સોમનાથ સર્કિટ હાઉસ ખાતે તૈયાર કરાયેલા વિશેષ ગ્રીન રૂમમાં રાત્રિરોકાણ કરશે. 11 જાન્યુઆરીની વહેલી સવારે તેઓ સોમનાથ મહાદેવનાં દર્શન કરશે. આ દરમિયાન જળાભિષેક, ધ્વજાપૂજા અને સોમેશ્વર મહાપૂજા સહિતની વૈદિક વિધિપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવશે.
2 કિ.મી. લાંબી યાત્રામાં 108 અશ્વો સામેલ થશે ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી ભવ્ય 'સ્વાભિમાન યાત્રા' યોજાશે. સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર અંદાજે 2 કિ.મી. લાંબી આ યાત્રામાં 108 અશ્વો સામેલ થશે. યાત્રામાં આગળ અને પાછળ અશ્વો તથા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે, જે ભારતના સાંસ્કૃતિક ગૌરવ અને શૌર્યનું પ્રતીક બનશે. યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાળ જાહેરસભાને સંબોધન કરશે. આ સભામાં સ્વાભિમાન, સંસ્કૃતિ અને વિકાસના સંદેશ સાથે દેશને નવી દિશા આપતી મહત્ત્વપૂર્ણ ઘોષણાઓ થવાની શક્યતા છે.
1026ની ઘટનાનાં 1000 વર્ષ પીએમના આ પ્રવાસનું વિશેષ મહત્ત્વ ઈતિહાસ સાથે જોડાયેલું છે. ઈતિહાસ મુજબ, ઈ.સ. 1026માં મહમૂદ ગઝ્નવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. વર્ષ 2026માં આ ઐતિહાસિક ઘટનાને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ નિમિત્તે સોમનાથ ખાતે એક અભૂતપૂર્વ કાર્યક્રમ યોજવાનું આયોજન છે, જેમાં રાજ્યભરમાંથી પોલીસ માઉન્ટેડ દળના 108 અશ્વોને એકત્ર કરવામાં આવશે. આ પ્રતીકાત્મક આયોજન દ્વારા સોમનાથના પુનરુદ્ધાર અને અસ્મિતાની ગાથા રજૂ કરવામાં આવી શકે છે.
ચુસ્ત સુરક્ષા અને તડામાર તૈયારી 10 અને 11 જાન્યુઆરીના વડાપ્રધાનના કાર્યક્રમોને લઈને સોમનાથમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ, મુખ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સચિવો સાથે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસવડાના સીધા માર્ગદર્શન હેઠળ આશરે 3500 પોલીસ જવાનો સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
સ્વાભિમાન પર્વ: ઇતિહાસથી ભવિષ્ય તરફ સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર એક ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ નથી, પરંતુ એ ભારતના અડગ આત્મવિશ્વાસ, અખંડ આસ્થા અને હજારો વર્ષ જૂના સ્વાભિમાનનું પુનર્જાગરણ છે. એક હજાર વર્ષ પછી પણ અડીખમ ઊભેલા સોમનાથ મહાદેવ આજે ફરી દેશને એ જ સંદેશ આપી રહ્યા છે — વિનાશ પછી પણ નવસર્જન, પરાજય પછી પણ વિજય અને અંધકાર પછી પણ પ્રકાશ.
અમદાવાદ-રાજકોટમાં પણ મોદીના કાર્યક્રમો સોમનાથ બાદ 11 તારીખે રાજકોટમાં અને 12 તારીખે અમદાવાદમાં અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજકોટમાં રિઝનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે તો અમદાવાદમાં ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને મહાત્મા મંદિર સુધી આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશન ખાતે રંગરોગાળ અને તૈયારીઓ કરવામાં આવી રહી છે. આસપાસના વિસ્તારમાં સાફસફાઇ અને વૃક્ષો ઉગાડવામાં પણ આવી રહ્યા છે.
સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ સવારે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે. જે દરમિયાન ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અને આંટી અર્પણ કરી હૃદયકુંજની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને સાબરમતી આશ્રમમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. સાબરમતી આશ્રમમાં અંદાજે 20 મિનિટ સુધી મુલાકાત કરવાના છે. તેમજ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ હાજરી આપવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મોદીની X પર 3 પોસ્ટ્સ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 3 પોસ્ટ્સ કરી છે, જેમાં એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને લગતી છે, જ્યારે બે સોમનાથને લગતી છે અને હિન્દી-અંગ્રેજીમાં છે.
"આપણી મહાન સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસો અસંખ્ય હુમલાઓનો સાક્ષી રહ્યો છે. આ દેશવાસીઓની સામૂહિક શક્તિ જ છે, જેણે આપણા સાંસ્કૃતિક વારસાને હંમેશાં અકબંધ રાખ્યો છે.
વનાનિ દહતો વહ્નેઃ સખા ભવતિ મારુતઃ। સ એવ દીપનાશાય કૃશે કસ્યાસ્તિ સૌહૃદમ્।।
(અર્થાત્: પવન એ અગ્નિનો મિત્ર બને છે, જે જંગલને બાળી નાખે છે, પરંતુ એ જ પવન નાના દીવાને ઓલવી નાખે છે. નિર્બળ સાથે કોણ મિત્રતા કરે?) જય સોમનાથ!
વર્ષ 2026 સોમનાથ પર થયેલા પ્રથમ હુમલાનાં 1000 વર્ષ પૂરાં થવાનું વર્ષ છે. ત્યાર બાદ થયેલા વારંવારના હુમલાઓ છતાં સોમનાથ આજે પણ ગર્વભેર ઊભું છે! આ એટલા માટે, કારણ કે સોમનાથની ગાથા ભારત માતાનાં એ અગણિત સંતાનોના અતૂટ સાહસની છે, જેમણે આપણી સંસ્કૃતિ અને સભ્યતાનું રક્ષણ કર્યું.
વડાપ્રધાને લખેલા વિશેષ લેખ (OpEd)નો સંક્ષિપ્ત ભાવાનુવાદ સોમનાથ મંદિર ભારતની આત્મા અને શ્રદ્ધાનું પ્રતીક છે. જાન્યુઆરી 1026માં મહમૂદ ગઝ્નવી દ્વારા થયેલા પ્રથમ આક્રમણને 2026માં 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આક્રમણકારોનો હેતુ માત્ર લૂંટફાટ કે વિનાશ જ નહીં, પરંતુ આપણી સભ્યતાના આ ગૌરવશાળી કેન્દ્રને નેસ્તનાબૂદ કરવાનો હતો છતાં સદીઓ સુધી ચાલેલી આ બર્બરતા અને વારંવાર થયેલા હુમલાઓ સામે સોમનાથ આજે પણ અડીખમ ઊભું છે, જે ભારતની અજેય જીવંતતાનો પુરાવો આપે છે.
આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલના મક્કમ સંકલ્પ અને કે.એમ. મુનશીના પ્રયત્નોથી સોમનાથનું ભવ્ય પુનઃનિર્માણ થયું. 11 મે, 1951ના રોજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં આ મંદિરના દ્વાર ફરી ભક્તો માટે ખૂલ્યાં, જે આધુનિક ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનું મહત્ત્વનું સીમાચિહ્ન બન્યું. સ્વામી વિવેકાનંદે પણ સોમનાથને 'રાષ્ટ્રીય માનસ'નું પ્રતીક ગણાવ્યું હતું, જે ખંડેરોમાંથી વારંવાર બેઠું થઈને નવી શક્તિ સાથે પ્રગટ્યું છે.
આજે જ્યારે ભારત વિશ્વમંચ પર ગૌરવ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે સોમનાથ આપણને શીખવે છે કે નફરત ક્ષણિક છે, પણ શ્રદ્ધા શાશ્વત છે. આક્રમણકારો ધૂળમાં મળી ગયા, પણ સોમનાથ આજે પણ પ્રકાશ ફેલાવી રહ્યું છે. શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદથી આપણે એ જ પુરાતન ગૌરવ સાથે 'વિકસિત ભારત'ના નિર્માણ માટે આગળ વધવાનું છે, જ્યાં આપણી સંસ્કૃતિ સમગ્ર વિશ્વના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે.
