કાર-ટેમ્પોની ટક્કર બાદ બ્લાસ્ટ, 1 વર્ષનું બાળક જીવતું સળગ્યું:માતા-પિતા હજુ અજાણ; ભચાઉ હાઇવે પર 4 વાહન વચ્ચેના અક્સ્માતમાં બેનાં મોત, ભયંકર દૃશ્યો કેમેરામાં કેદ
એક વર્ષનું બાળક બળીને ભડથૂ આ ગંભીર અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ભચાઉ નજીક આવેલા કેસરી ગઢ રિસોર્ટ સામે રાત્રે 12 વાગ્યાના અરસામાં કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ધકાડાભેર ટક્કર થતાં બંને વાહનોમાં આગ લાગી ગઇ હતી. જેમાં કારમાં સવાર એક વર્ષનું બાળક બળીને ભડથૂ થઇ ગયું છે, જ્યારે પતિ-પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી છે.
પાછળથી આવતા બે ટ્રેલર પણ ભટકાયા કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો એ દરમિયાન પાછળથી આવતા બે ટ્રેલર પણ આ અકસ્માત ગ્રસ્ત વાહનો સાથે અથડાયા હતા. જેમાં એક ટ્રેલર ચાલકનું પણ ઘટનાસ્થળે મોત થયું હતું. સ્થાનિકોએ અકસ્માતની જાણ કરતાં 108, પોલીસ કાફલો અને ભચાઉ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
બાળકના મોત અંગે દંપતી અજાણ ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને વાહનોમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે 108 દ્વારા ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે ભુજની હોસ્પિટલમાં ખસેડ્યું છે. જ્યાં હજી દંપતીને બાળકના મોત અંગે જાણ નથી. જ્યારે પોલીસે મૃતકોને પી.એમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.
અમે બાળકને ન બચાવી શક્યા: ફાયરમેન ભચાઉ ફાયરમેન પ્રવીણ દાફડાએ જણાવ્યું કે, મધ્યરાત્રીએ લગભગ 12.30 વાગ્યાના અરસામાં ઇમરજન્સી કોલ મળતા ઘટનાસ્થળે ટીમ સાથે દોડી ગયા હતા, જ્યાં આઇસર ટેમ્પો અને કારમાં આગ લાગી હતી. પ્રથમ કારમાં સવાર લોકોને આસપાસના વાહન ચાલકો બહાર ખસેડતા હતા તેમાં મદદરૂપ થયા હતા અને સમાંતર આગ બુઝાવની કામગીરી શરૂ કરી હતી. કુલ ચાર વાહનો ટકરાયેલા જોવા મળ્યા હતા. જોકે, કારમાં સવાર બાળકને બચાવી શકાયું ના હતું બાળકના માતા પિતાને ગંભીર હાલતમાં પ્રથમ ભચાઉની હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે એમ્બ્યુઅલ્સ મારફતે ભુજ લઈ જવામાં આવ્યા હોવાનું માલૂમ પડ્યું છે.
ગંભીર અકસ્માતની આવી જ બે ઘટનાઓ 12 અને 15 ડિસેમ્બરના રોજ આણંદ અને ભરુચમાંથી સામે આવી હતી. 15 ડિસેમ્બરે આણંદના વાસદ-બગોદરા માર્ગ પર કેમિકલ ભરેલા પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કબ બાદ બ્લાસ્ટ થતાં એક પુરુષ અને એક મહિલા જીવતા ભૂંજાયા હતા. જ્યારે 12 ડિસેમ્બરના રોજ અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક બની હતી. જેમાં રિક્ષા અને બાઇક વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ ફાટી નીકળતાં એક મહિલા જીવતી ભૂંજાઈ ગઇ હતી.
15 ડિસેમ્બર 2025 આણંદ: કેમિકલ ભરેલા પિકઅપ-ટ્રક વચ્ચે ટક્કર બાદ બ્લાસ્ટ, મહિલા-પુરુષ જીવતા સળગ્યાં
15 ડિસેમ્બરના રોજ આણંદ જિલ્લાના આંકલાવના અંબાવ ટોલ પ્લાઝા નજીક વાસદ-બગોદરા માર્ગ પર મોડી રાત્રે લગભગ 2 વાગ્યાના અરસામાં એક પિકઅપમાં સમારકામ ચાલુ હતું ત્યારે ટ્રકે ટક્કર મારી હતી. પિકઅપ વાહનમાં કાર્બામાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતું. ટક્કર થતાં જ આ પ્રવાહીના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની લપેટમાં આવતા બંને વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા.
મહિલા-પુરુષના મૃતદેહો બળીને ખાખ આગને કારણે પિકઅપમાં સવાર મહિલા અને પુરુષના મૃતદેહો પણ સંપૂર્ણપણે બળી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનો ઓળખી ન શકાય તેવા બની ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ આંકલાવ પોલીસ ટીમ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
