સુરતમાં ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત:પિતાએ ભારે હૈયે કહ્યું- તેને ડોક્ટર બનવું હતું; બાળકોએ પોતાની સમસ્યા માતા-પિતાને કહેવી જોઈએ
વિદ્યાર્થીઓના આપઘાત રોકવા સરકારની ગાઈડલાઈન, 100 વિદ્યાર્થીદીઠ એક કાઉન્સેલર રાખવા આદેશ ગુજરાતમાં સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આદેશ જારી કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપક અને કડક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત દરેક સંસ્થામાં મેન્ટલ હેલ્થ પોલિસી અમલમાં મૂકવી ફરજિયાત બનાવવામાં આવી છે તેમજ વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ વ્યવસ્થાને મજબૂત કરવાની સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં 2017થી 2021 સુધીમાં 3,002 વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું NCRB (નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો)ના આંકડાઓ મુજબ, ગુજરાતમાં 2017થી 2021 દરમિયાન કુલ 3,002 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જેનો સરેરાશ અર્થ એ થાય છે કે રાજ્યમાં દરરોજ અંદાજે 1થી 2 વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવે છે. વર્ષવાર વિશ્લેષણ જોઈએ તો, 2017માં 638, 2018માં 570, 2019માં 575, 2020માં 597 અને 2021માં 622 કેસ નોંધાયા હતા.
એપ્રિલ, 2020થી માર્ચ, 2023ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં 495 સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી, જેમાં 246 છોકરીઓનો સમાવેશ થાય છે. આ જ ગાળામાં આત્મહત્યાના નિષ્ફળ પ્રયાસોની સંખ્યા 6,879 જેટલી રહી છે, જે યુવા પેઢીમાં વ્યાપેલા માનસિક તણાવની ગંભીરતા દર્શાવે છે. ખાસ કરીને 2022માં પરીક્ષામાં નાપાસ થવાને કારણે 155 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો, જે માટે પરીક્ષાનું દબાણ, પારિવારિક સમસ્યાઓ અને આર્થિક મુશ્કેલીઓ મુખ્ય કારણો જવાબદાર હોય શકે છે.
