6 દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર સંપર્ક:રોહિત નામના ફ્રેન્ડનો બર્થંડે ઉજવવા કોટાથી સુરત પહોંચી, 20 દિવસ સુધી રેપ કર્યો, રોહિત નીકળ્યો મોહમ્મદ તોહીદુલ
સુરતમાં એક યુવતીને નશાકારક ઈન્જેકશન આપી બે શખસોએ એક યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યાનો ચકચારી બનાવ સામે આવ્યું છે. રાજસ્થાનના કોટાની યુવતીનો સોશિયલ મીડિયાના માધ્યમથી અમન નામના આરોપી સાથે સંપર્ક થયો હતો. અમને પોતાનો બર્થડે હોય સેલિબ્રેશન માટે યુવતીને સુરત બોલાવી હતી. અમનના મિત્ર મહંમદ તોહીદુલ પણ હિન્દુ નામ ધારણ કરી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અમને અને મહંમદે સુરત આવેલી યુવતીને નશાકારક ઈન્જેકશન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
સોશિયલ મીડિયામાં સંપર્ક થયા બાદ યુવતીને બર્થ ડે સેલિબ્રેશન માટે સુરત બોલાવી રાજસ્થાનના કોટા પંથકની એક 21 વર્ષીય યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના અમન નામના યુવકના સંપર્કમાં આવી હતી. ગત 25 ડિસેમ્બરના રોજ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. યુવતીનો 1 જાન્યુઆરીએ જન્મદિવસ હોવાથી, આરોપી અમન ઉર્ફે સાગરે તેને લલચાવી-ફોસલાવીને બર્થડે સેલિબ્રેશન કરવા માટે સુરત આવવા આમંત્રણ આપ્યું હતું. મિત્રતાના વિશ્વાસે યુવતી કોટાથી સુરત આવી પહોંચી હતી, પરંતુ તેને અંદાજ નહોતો કે અહીં તેની સાથે હેવાનિયતની તમામ હદો પાર કરવામાં આવશે.
હિન્દુ નામ ધારણ કરી મહંમદ તોહીદુલે યુવતીને જાળમાં ફસાવી આ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, મુખ્ય આરોપીઓ પૈકીના એક મહંમદ તોહીદુલે પોતાની અસલી ઓળખ છુપાવી હતી. તોહીદુલે પીડિતાને પોતે હિન્દુ હોવાનું જણાવ્યું હતું અને પોતાનું નામ 'રોહિત ઉર્ફે તુષાર' હોવાની ખોટી ઓળખ આપી હતી. ધર્મ અને નામ છુપાવીને યુવતીનો વિશ્વાસ જીત્યા બાદ તેને પોતાના સકંજામાં લીધી હતી. આ રીતે સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ અને ખોટી ઓળખ ઉભી કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનું આયોજનબદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું.
નશીલા ઈન્જેક્શન આપી 20 દિવસ સુધી નરક જેવી યાતના યુવતી જેવી સુરત પહોંચી કે તરત જ આરોપી અમન વર્મા અને મહંમદ તોહીદુલ તેને સુરતની 'મૂનલાઈટ' સહિતની જુદી-જુદી હોટલોમાં લઈ ગયા હતા. ત્યાં તેને બંધક બનાવી લેવામાં આવી હતી. બર્થડે મનાવવાના બહાને બોલાવેલી યુવતીને સતત 20 દિવસ સુધી ગોંધી રાખવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓ તેને નશીલા ઈન્જેક્શન આપીને બેભાન કરી દેતા હતા અને તેની પર વારંવાર દુષ્કર્મ આચરતા હતા. યુવતીને માર મારીને તેના સોનાના દાગીના પણ લૂંટી લેવામાં આવ્યા હતા. આરોપીઓ તેને દેહવેપાર જેવા નરક સમાન કામમાં પણ ધકેલવાનો પ્રયાસ કરતા હતા.
હિંમત દાખવી નરાધમોના સકંજામાંથી છૂટી પોલીસને જાણ કરી સતત 20 દિવસ સુધી શારીરિક અને માનસિક ત્રાસ વેઠ્યા બાદ, એક દિવસ યુવતીને તક મળતા તે નરાધમોના સકંજામાંથી ભાગવામાં સફળ રહી હતી. પીડિતાએ હિંમત હાર્યા વગર રાંદેર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને પોતાની સાથે થયેલી આપવીતી વર્ણવી હતી. કોટામાં ઝીરો નંબરથી FIR નોધાઇ હતી અને ત્યારબાદ સુરત ટ્રાન્સફર કરવામાં આવી.યુવતીની ગંભીર ફરિયાદ સાંભળીને પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને આ મામલે પીઆઈ આર.જે.ચૌધરીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
વેઈટર અને દરજી કામ કરતા બંને આરોપીઓની ધરપકડ રાંદેર પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં 21 વર્ષીય અમન ઉર્ફે સાગર અજય ગયાપ્રસાદ વર્મા (જે હોટલમાં વેઈટર તરીકે કામ કરે છે) અને 28 વર્ષીય મહંમદ તોહીદુલ ઉર્ફે તુષાર (જે દરજી કામ કરે છે અને મૂળ બંગાળનો વતની છે) નો સમાવેશ થાય છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ અગાઉ પણ આ ટોળકીએ અન્ય કોઈ યુવતીઓને આ રીતે શિકાર બનાવી છે કે કેમ?