સુરતમાં BMW-મહિન્દ્રાની 150+ સ્પીડથી રેસના CCTV:મંથન પટેલે દારૂ પીને રેસ લગાવી, 3 કાર ને 3 વીજપોલનો કચ્ચરઘાણ; અકસ્માત બાદ કાપડ વેપારી ભાગતો દેખાયો
1 જાન્યુઆરી, 2026ની રાત્રે દારૂ પીને 150 કિમીથી વધુની ઝડપે મહિન્દ્રાની ઇલેક્ટ્રિક BE-6 કાર હંકારી રહેલા કાપડ વેપારી મંથન પટેલ અને BMW ચલાવી રહેલા ઝલક નામના યુવાને નિર્દોષ પરિવારની સ્વીફ્ટ કારનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. આ રેસિંગ દરમિયાન BMW કારમાં ઝલકની બાજુમાં ઋષિ નામનો યુવક પણ સવાર હતો, જ્યારે તેમની પૂરપાટ ઝડપે આવતી કારોએ એશા જૈન નામની મહિલા ચાલકની ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારતા એશાબેનને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપી મંથન દારૂના નશામાં હતો તેની ઉપર વેસુ પોલીસે કેસ કર્યો છે. કાર રેસના અને અકસ્માત બાદ ભાગતા વેપારી મંથન પટેલના CCTV પણ ભાસ્કર પાસે આવ્યા છે.
150 કિમીની સ્પીડે ડેડલી રેસ મળતી માહિતી મુજબ, ન્યૂ યરની રાત્રે બે નબીરાઓ પોતાની લક્ઝરી કાર્સ- મહિન્દ્રા BE-6 (ઈલેક્ટ્રિક) અને BMW લઈને રસ્તા પર રેસિંગ કરી રહ્યા હતા. વેસુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સમયે બંને કારોની સ્પીડ 150 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હતી. આ બેફામ ગતિએ દોડતી કારોએ રસ્તા પરથી પસાર થઈ રહેલી સ્વીફ્ટ કાર (નંબર: GJ 05 CR 2068) ને જોરદાર ટક્કર મારી હતી.
કારના ફૂરચેફૂરચા અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે જોતા જ હૃદય ધ્રૂજી ઉઠે. ટક્કર લાગતાની સાથે જ સ્વીફ્ટ કાર ચલાવી રહેલી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કારને આગળથી લઈ પાછળ સુધી મોટું નુકસાન થયું હતું અને કાચના ટુકડા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા.
3 વીજપોલ જમીનદોસ્ત BMW કારમાં એરબેગ સમયસર ખુલી જતાં તેના ચાલકનો બચાવ થયો હતો, પરંતુ લક્ઝરી કારોના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.પુરપાટ ઝડપે જતી કારો રસ્તાની બાજુમાં આવેલા ડિવાઈડર અને લાઈટ પોલ સાથે અથડાઈ હતી, જેના કારણે મનપાના ત્રણ પોલ ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા હતા.
કાપડ વેપારીની ધરપકડ સમગ્ર મામલે વેસુ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જનાર મહિન્દ્રા BE-6 કારના ચાલક મંથન પટેલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંથન પટેલ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો નબીરો છે. જ્યારે તેની સાથે રેસ લગાવી રહેલો અન્ય કારનો ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે, જેની શોધખોળ અત્યારે તેજ કરવામાં આવી છે.
મહિલા પતિ-બાળક સાથે કારમાં જતી હતી અકસ્માતનો ભોગ બનેલી મહિલાની ઓળખ 25 વર્ષીય એશાબેન રીતેશભાઇ જૈન (રહે. પર્વત પાટીયા) તરીકે થઈ છે. એશાબેન તેમના પતિ રીતેશભાઇ અને બાળકો સાથે કારમાં સવાર થઈને વી.આઈ.પી. રોડથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા કાર ચાલકે પાછળથી પૂરપાટ ઝડપે આવી તેમની ગાડીને ઉડાવી હતી. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ઉધના દરવાજા ખાતેની એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ, મહિલા હાલ ભાનમાં છે પરંતુ તેમને પીઠના ભાગે ગંભીર ઈજા હોવાથી ચોથા માળે સેમી સ્પેશિયલ રૂમમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે.
ફરાર નબીરાને ઝડપવા કાર્યવાહી વેસુ પોલીસ સ્ટેશનમાં આ અંગે ટેલિફોન વર્ધી નોંધાતા પોલીસ કાફલો એક્શનમાં આવ્યો છે. પોલીસે હોસ્પિટલ પહોંચી રીતેશભાઇ જૈનનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે અને એમ.એલ.સી. (MLC) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માત સ્થળે કારની હાલત જોતા અંદાજો લગાવી શકાય છે કે જો એરબેગ્સ ન ખુલી હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે ફરાર નબીરાને પકડવા અને અકસ્માતની કડીઓ જોડવા માટે તપાસ કરી રહી છે.
