SIRની કામગીરીમાં મોતની ઘટનાઓ વચ્ચે એક BLO આવા પણ...:ગળા નીચે મણકાની ગાદી ખસી છતાં કરે છે કામગીરી; કહ્યું- લોકતંત્રને મજબૂત કરવાના કેમ્પેનમાંથી બાકાત નથી રહેવું
શરૂઆતમાં મકરંદ જોશીને કોઈ તકલીફ નહોંતી સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 37 વર્ષીય મકરંદ રાજેશભાઈ જોશી 2013થી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બે દીકરીના પિતા એવા મકરંદભાઈ હાલ SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરીમાં BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકે કામગીરી કરી રહ્યા છે. કામગીરી શરૂ થઈ ત્યારે તેઓ એકદમ સ્વસ્થ હતાં. જોકે થોડા દિવસોમાં તેમની મણકાની ગાદી ખસી જવાના કારણે તકલીફ શરૂ થઈ હતી. જોકે, લોકશાહીને મજબૂત કરવાની આ કામગીરીમાં પોતાનુ યોગદાન આપી રહ્યા છે.
ગરદનમાં દુખાવો થતાં મેં ડોક્ટર પાસે ચેક કરાવડાવ્યુંઃ મકરંદ જોશી મકરંદ રાજેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું હતું કે, અત્યારે SIRમાં બીએલઓ તરીકે હું સુરતમાં 138 ભાગમાં કામ કરી રહ્યો છું. જ્યારે આ કામગીરી શરૂ થઈ એની વચ્ચે જ મને ગરદનમાં દુખાવો ચાલુ થયો, એટલે મેં ડોક્ટર પાસે ચેક કરાવડાવ્યું તો ડોક્ટરે કહ્યું કે, તમારા મણકાની ગાદી ખસી ગઈ છે. એટલે એનો ઇલાજ પણ સાથે-સાથે ચાલુ છે અને કામગીરી પણ સાથે સાથે ચાલુ છે.
‘ઈલાજની સાથે મેં SIRનું કામ પણ કરવાનુ નક્કી કર્યું’ શરૂઆતમાં તો હું થોડો ગભરાઈ ગયો. મને થયું આની માટે ઇલાજ પર આપણે વધુ ધ્યાન આપવું જોઈએ. પણ સાથે-સાથે મને એ પણ ધ્યાનમાં આવ્યું કે, લોકતંત્રને ખૂબ મજબૂત કરવાની આ SIRની પ્રક્રિયા છે. ક્યાંકને ક્યાંક આપણે એનો ભાગ છીએ. આ કામગીરી એટલી ક્લિષ્ટ અને કોમ્પ્લેક્સ છે કે કદાચ મને આમાંથી મુક્ત પણ કરે અને કોઈ નવો વ્યક્તિ પણ આવે તો તેને પણ સમજવામાં-કરવામાં ખૂબ તનાવ થશે. એટલે મને થયું કે, આપણે આ સાથે બંને કામો સાથે જ કરીએ.
