Loading...

સુરતમાં એપાર્ટમેન્ટના ટેરેસ પરથી છલાંગ લગાવી રત્ન કલાકારનો આપઘાત:6 મહિનાથી બેરોજગાર અને બીમારીથી પરેશાન હતા, કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી

રત્ન કલાકારે એપાર્ટમેન્ટના ચોથા માળના ટેરેસ પરથી પડતું મૂકીને આત્મહત્યા કરી આજે વહેલી સવારે હતાશામાં આવીને ઘનશ્યામભાઈએ પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળના ટેરેસ પરથી નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને એપાર્ટમેન્ટના રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા. તુરંત જ કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી પંચનામું કર્યું હતું અને આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.

પોલીસે પરિવારજનો અને પડોશીઓના નિવેદનો લીધા પોલીસે મૃતકના પરિવારજનો અને પડોશીઓના નિવેદનો લઈને આપઘાત પાછળના ચોક્કસ કારણો અને સંજોગો અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બેરોજગારી અને લાંબી બીમારીના કારણે આવેલા ડિપ્રેશનને આપઘાતનું પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે.

આંતરડાની બીમારી હોવાથી બે મહિનાથી 'બેડરેસ્ટ' પર હતા: તપાસ અધિકારી આ સમગ્ર કેસની તપાસ કરી રહેલા તપાસ અધિકારી મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હોવાનું જાણવા મળ્યું છે. તેમને આંતરડાની બીમારી હોવાને કારણે તેઓ બે મહિનાથી 'બેડરેસ્ટ' પર હતા. અમે હાલ ડોક્ટરની ફાઈલોની પણ તપાસ કરી રહ્યા છીએ. શારીરિક સમસ્યાના કારણે તેઓ લાંબા સમયથી નોકરી પર જતા ન હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તેમની નોકરી છૂટી ગઈ હોય તેવી કોઈ સત્તાવાર જાણકારી મળી નથી, તેમ છતાં પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. તો બીજી તરફ પરિવાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

24 મે, 2025એ બેરોજગાર રત્નકલાકાર માટે આર્થિક પેકેજ જાહેર ડાયમંડ ઉદ્યોગનાં 50 વર્ષમાં છેલ્લાં 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. આ મિટિંગના 74 દિવસ બાદ આખરે 24 મે, 2025એ રાજ્ય સરકારે બેરોજગાર રત્નકલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રત્નકલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે. આ ફી સરકાર DBT મારફત ટ્રાન્સફર કરશે, જ્યારે નાના ઉદ્યોગોને 5 લાખની લોન પર 9%ની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તથા વીજ ડ્યૂટીમાં એક વર્ષની રાહત અપાશે. નાના ઉદ્યોગો માટે અઢી કરોડથી ઓછું રોકાણ હોય અને વર્ષ 2022થી 2024 સુધી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ. જે એકમો 31-3-2025 પહેલાં ઉદ્યોગ વિભાગમાં રજિસ્ટર હોય તેને લાભ મળશે. 

લોનના હપ્તા ન ભરાતા યુવાન રત્નકલાકારનો ઝેર પી આપઘાત 27 દિવસ પહેલા કતારગામના એક યુવાન રત્નકલાકારે ઝેર પી જીવન ટુંકાવી લીધું હતું. સુરેન્દ્રનગરના વતની અને કતારગામ બળવંતનગર ખાતે રહેતો 24 વર્ષીય વિકાસ ચમનભાઈ સરવાડીયા હીરાના કારખાનામાં કામ કરી એક પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. શુક્રવારે(14 નવેમ્બર) રાત્રે વિકાસે ઘરે ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શનિવારે(15 નવેમ્બર) સવારે તેનું મોત નીપજ્યું હતું. વિકાસે પર્સનલ લોન લીધી હતી. જેના હપ્તા ભરાતા ન હોવાથી તેણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.