Loading...

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 52 કલાક બાદ પણ 2 લોકો ગુમ:2 ટ્રક કઢાઈ

વડોદરા-આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને બે લોકો ગુમ હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે. વિકસિત ગુજરાતમાં થયેલી આ બ્રિજ દુર્ઘટનાએ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગમાં ચાલતી લાલિયાવાડી તો ખુલ્લી પાડી જ દીધી છે. પરંતુ, દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈ પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે. રેસ્ક્યૂનો આજે(11 જુલાઈ) સતત ત્રીજો દિવસ છે, ત્યારે સવારે બે ટ્રકને નદીમાંથી બહાર કઢાઈ હતી, સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ લાગી રહ્યું છે.

9 તારીખે 13 અને 10 તારીખે 5 મળી 18 મૃતદેહો મળી આવ્યા 

9 જુલાઈએ સવારે સાડા સાત વાગ્યાના અરસામાં ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ આખો દિવસ અને રાત્રિના સમયે રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી હતી. 9 તારીખે રાત્રિ સુધીમાં નદીમાંથી 13 મૃતદેહો મળી આવ્યા હતા. ત્યારબાદ 10મી તારીખે પૂનમ હોય અને મહીમાં ભરતીના પાણી આવતા રેસ્ક્યૂ કામગીરીને અસર પડી હતી. જો કે, ઓટ આવ્યા બાદ 10મી તારીખે રેસ્ક્યૂ કામગીરી યથાવત્ રખાતા વધુ 5 મૃતદેહો મળી આવ્યા હતા. 18 મૃતદેહો મળી આવ્યા બાદ પણ હજી બે ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.