USની બ્રાઉન યુનિવર્સિટીમાં ચાલુ પરીક્ષાએ અંધાધૂંધ ફાયરિંગ, 2નાં મોત:આઠ ઘાયલ, કેમ્પસમાં એલર્ટ જાહેર, વિદ્યાર્થીઓને સંતાઈ જવાની સલાહ અપાઈ; હુમલાખોરની શોધ શરૂ
હુમલાખોરની શોધ શરૂ
પ્રોવિડન્સ શહેરના ડેપ્યુટી ચીફ ઓફ પોલીસ ટિમોથી ઓ'હારાએ જણાવ્યું કે હુમલાખોર એક પુરુષ છે જેણે કાળા કપડાં પહેર્યા હતા. તે બિલ્ડિંગમાંથી હોપ સ્ટ્રીટ તરફ ભાગી ગયો છે. ગોળીબારના ત્રણ-ચાર કલાક પછી પણ પોલીસ કેમ્પસની ઇમારતોની તલાશી લઈ રહી હતી અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી રહી હતી. મેયર બ્રેટ સ્માઇલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઘાયલોની હાલત ગંભીર પરંતુ સ્થિર છે. તેઓ બધા રોડ આઇલેન્ડ હોસ્પિટલમાં દાખલ છે. મેયરે એમ પણ કહ્યું કે તમામ સંસાધનોનો ઉપયોગ કરીને હુમલાખોરને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં શેલ્ટર-ઇન-પ્લેસનો આદેશ ચાલુ છે. લોકોને ઘરોમાં રહેવા અને બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે. એફબીઆઈ પણ તપાસમાં મદદ કરી રહી છે. મેયરે પીડિતો વિશે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ કહ્યું કે આ શહેર અને રાજ્ય માટે ખૂબ જ દુઃખદ દિવસ છે.
વિદ્યાર્થીઓએ શું કહ્યું?
વિદ્યાર્થીઓએ જણાવ્યું કે સાયરનની અવાજ સાંભળીને અને એક્ટિવ શૂટરનો એલર્ટ મળતાં જ તેઓ ગભરાઈ ગયા હતા. નજીકની લેબમાં હાજર અન્ય વિદ્યાર્થીઓ એલર્ટ મળતાં ડેસ્ક નીચે છુપાઈ ગયા હતા અને લાઇટ બંધ કરી દીધી હતી, જેનાથી સમગ્ર કેમ્પસમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ફ્રાન્સિસ ડોયલે કહ્યું કે પરીક્ષાના સમયે આ બધું થવું ખૂબ જ ભયાનક છે.
'આપણે ફક્ત પ્રાર્થના જ કરી શકીએ છીએ'
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસમાં તેમણે કહ્યું કે અત્યારે માત્ર પીડિતો માટે પ્રાર્થના જ કરી શકાય છે. તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે લખ્યું કે તેમને બ્રાઉન યુનિવર્સિટીમાં થયેલા ગોળીબારની જાણકારી મળી છે અને એફબીઆઈ ઘટનાસ્થળે છે.
ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે X પર પોસ્ટ કર્યું કે રોડ આઇલેન્ડથી ખૂબ જ ખરાબ સમાચાર છે. તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને FBI મદદ માટે તૈયાર છે. તેમણે સૌ માટે પ્રાર્થના કરવાની અપીલ કરી.
