Loading...

સુરતમાં 'લવ જેહાદ'ના આક્ષેપ સાથે હાઈવોલ્ટેજ ડ્રામા:ABVP કાર્યકરોએ જાહેરમાં યુવકને રસ્તા પર ઢોર માર માર્યો, પોલીસની હાજરીમાં જ વાળ ખેંચી માફી મંગાવાઈ

કોલેજની વિદ્યાર્થિનીને હેરાન કરતો હોવાનો આક્ષેપ ABVPના જોઈન્ટ સેક્રેટરી શુભમસિંગ રાજપૂતે પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, આ યુવક ઘણા સમયથી એક કોલેજની વિદ્યાર્થિનીને હેરાન કરતો હતો અને તેનો પીછો કરી રહ્યો હતો. આ વિદ્યાર્થિની ABVPના જ એક કાર્યકરની બહેન હોવાનું બહાર આવ્યું છે. અનેક ચેતવણીઓ આપવા છતાં યુવક ન માનતા, જ્યારે તે અઠવાલાઇન્સ પાસે દેખાયો ત્યારે કાર્યકરોએ તેને સમજાવ્યો હતો પરંતુ, તે માનવા તૈયાર નહોતો.

ટ્રાફિક પોલીસની હાજરી વચ્ચે ઘટના ઘટી વાયરલ થયેલા લાઈવ વીડિયોમાં સૌથી ચોંકાવનારુ દ્રશ્ય એ હતું કે, જ્યારે કાર્યકરો યુવકને મારી રહ્યા હતા ત્યારે ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હતા. પોલીસકર્મીઓએ કાર્યકરોને રોકવાનો ઉપરછલ્લો પ્રયાસ કર્યો ખરો, પરંતુ ABVPના કાર્યકરોમાં કાયદાનો જરા પણ ડર હોય એવું દેખાયું નહીં. પોલીસની હાજરીમાં જ યુવકનો કોલર પકડીને તેને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યો અને તે હાથ જોડીને માફી માંગતો હોવા છતાં તેને ફટકારવામાં આવ્યો હતો.

યુવક પાસે વાળ ખેંચીને માફી મંગાવાઈ આ વીડિયોમાં જોઈ શકાય છે કે, આક્રોશિત કાર્યકરોએ યુવકને મુક્કાનો સ્વાદ ચખાડ્યો હતો. એક તબક્કે યુવકના વાળ ખેંચી, યુવાન માફી માંગતો પણ નજરે આવે છે. આ દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઉભા થયા છે. લવ જેહાદના આક્ષેપો વચ્ચે જાહેરમાં આ રીતે હિંસા આચરવી તે ટોળાશાહી તરફ ઈશારો કરી રહી છે.

ફરિયાદ વગર પોલીસની 'વેઈટ એન્ડ વોચ' નીતિ આ સમગ્ર મામલે ઉમરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા ચોંકાવનારી વિગત મળી છે કે, આટલી મોટી હિંસા છતાં હજુ સુધી કોઈપણ પક્ષ તરફથી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. જોકે, પોલીસનું કહેવું છે કે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ, ABVPના કાર્યકરોએ સ્પષ્ટ કર્યું છે કે, તે પોતાની બહેન-દીકરીઓની સુરક્ષા માટે કોઈ પણ હદે જઈ શકે છે. તેમનું કહેવું છે કે, જો પોલીસ રોમિયોગીરી કરનારા તત્વો સામે કડક પગલાં ન ભરે તો યુવા સંગઠનોએ મેદાને આવવું પડે છે.

Image Gallery