ઉત્તરાખંડના હેમકુંડમાં પારો માઇનસ 20° ડિગ્રી:રાજસ્થાનના 5 શહેરોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે, યુપીમાં 30 જિલ્લાઓમાં ભારે ધુમ્મસ; ઘણી ફ્લાઇટ્સ-ટ્રેનો મોડી
મધ્ય પ્રદેશ : ગ્વાલિયર સહિત 12 જિલ્લામાં આજે પણ ધુમ્મસ, દરરોજ 15થી વધુ ટ્રેનો મોડી; ઇન્દોરમાં 4.9 ડિગ્રી તાપમાન
મધ્યપ્રદેશના 12 જિલ્લા ગુરુવારે સવારે ભારે ધુમ્મસની ઝપેટમાં રહ્યા. ધુમ્મસના કારણે દિલ્હીથી મધ્ય પ્રદેશ આવતી 15થી વધુ ટ્રેનો દરરોજ 30 મિનિટથી લઈને 5 કલાક સુધી મોડી પડી રહી છે. આ તરફ, બુધવારે રાત્રે પ્રદેશના 5 મોટા શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું રહ્યું. ઇન્દોરમાં સૌથી ઓછું 4.9 ડિગ્રી રહ્યું.
હરિયાણા : પ્રથમ વખત સમગ્ર રાજ્યમાં ભારે ધુમ્મસની ચેતવણી, 9 જિલ્લાઓમાં વધુ અસર; નારનૌલમાં સૌથી ઓછું 5.6 ડિગ્રી તાપમાન
નારનૌલ હરિયાણામાં કડકડતી ઠંડીની સાથે હવે ધુમ્મસનો ડબલ એટેક શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે સમગ્ર રાજ્યમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે. સિરસા, ફતેહાબાદ, હિસાર, જીંદ, કરનાલ, કૈથલ, સોનીપત, પાણીપત, કુરુક્ષેત્ર જિલ્લાઓમાં અસર વધુ રહેશે. 21 ડિસેમ્બર પછી જ ધુમ્મસમાંથી રાહત મળી શકે છે. બુધવારે મહેન્દ્રગઢનું નારનૌલ 5.6 ડિગ્રી સાથે રાજ્યનો સૌથી ઠંડો વિસ્તાર રહ્યો.
રાજસ્થાન : ધુમ્મસ સાથે કડકડતી ઠંડી, 4 શહેરોનું તાપમાન 5 ડિગ્રીથી નીચે આવ્યું, શેખાવટીમાં ઠંડો પવન ફૂંકાયો
રાજસ્થાનમાં ધુમ્મસની સાથે હવે ઠંડા પવનો પણ ફૂંકાવા લાગ્યા છે. જેના કારણે બુધવારે શેખાવટી, જયપુર, અજમેર, કોટા, ઉદયપુર સંભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ફતેહપુર, ડુંગરપુર, લૂણકરણસર અને નાગૌરમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. નાગૌરમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 3.7 ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાનના ઉત્તર-પશ્ચિમ જિલ્લાઓમાં 19 થી 22 ડિસેમ્બર દરમિયાન ક્યાંક ક્યાંક હળવા વાદળો છવાઈ શકે છે.
બિહાર : પટના, ભાગલપુર અને સમસ્તીપુરમાં ગાઢ ધુમ્મસ, વિઝિબિલિટી 20 મીટર; આગામી 48 કલાકમાં કોલ્ડવેવની આશંકા
બિહારમાં ગુરુવારે સવારે પટના, ભાગલપુર અને સમસ્તીપુરમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું. પટનાના ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી 20 મીટર રહી. રસ્તાઓ પર કંઈ દેખાતું ન હતું. હવામાન વિભાગ અનુસાર, આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં કોલ્ડવેવ અસર જોવા મળશે. ડિસેમ્બરના અંત સુધીમાં ભીષણ શીતલહેર ચાલવાની આશંકા છે. જ્યારે, બુધવારે 9.1 ડિગ્રી તાપમાન સાથે ભાગલપુર સૌથી ઠંડું રહ્યું.
ઉત્તરાખંડ: હેમકુંડમાં તાપમાન -20 ડિગ્રી, સરોવર જામી ગયું; 4 જિલ્લામાં ધુમ્મસ, હર કી પૌડીમાં વિઝિબિલિટી 50 મીટર રહી
ઉત્તરાખંડના 4 જિલ્લાઓમાં ગુરુવારે સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું, જેમાં દેહરાદૂન, હરિદ્વાર, ઉધમસિંહ નગર અને નૈનીતાલના તરાઈ વિસ્તારોનો સમાવેશ થાય છે. હરિદ્વારમાં સિઝનનું સૌથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. વિઝિબિલિટી 50 મીટરથી પણ ઓછી હતી. હર કી પૌડીમાં તો ઘાટ પણ દેખાતા ન હતા. ચમોલીમાં 15 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા હેમકુંડ સાહિબમાં તાપમાન માઈનસ 20 ડિગ્રીએ પહોંચી ગયું છે. ત્યાં સરોવર સંપૂર્ણપણે થીજી ગયું છે.
