Loading...

આજે SIR-2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે:6 સ્ટેપમાં સમજો, યાદીમાં તમારું નામ છે કે નહીં?, નામ ન હોય તો 18 જાન્યુઆરી સુધી વાંધો રજૂ કરી શકાશે

આજે ડ્રાફ્ટ મતદારયાદી જાહેર થયા બાદ આ 6 સ્ટેપમાં સમજો, યાદીમાં તમારું નામ છે કે નહીં

સ્ટેપ 1 સૌથી પહેલાં તમારે ઇન્ટરનેટ પર જઇને સીઇઓ ગુજરાત (ceo gujarat) ટાઇપ કરવાનું રહેશે. સર્ચ રિઝલ્ટમાં તમને સીઇઓ ગુજરાત- ગુજરાત સ્ટેટ પોર્ટલ (CEO Gujarat - Gujarat State Portal) જોવા મળશે. જેના પર ક્લિક કરતા જ ચીફ ઇલેક્ટોરલ ઓફિસરની વેબસાઇટ ખુલી જશે.

સ્ટેપ 2 આ પેજ પર નીચેની તરફ ઇમ્પોર્ટન્ટ લીંક્સ હેડિંગ લખેલું જોવા મળશે. જેમાં ડાબી તરફ સૌથી પહેલાં SIR 2026 : List of Absent/Shifted/Deleted Electors લખેલું જોવા મળશે. જેના પર ક્લિક કરશો એટલે નવું વેબ પેજ ખુલી જશે.

સ્ટેપ 3 નવા વેબ પેજમાં વાદળી લીટીમાં List of Absent/Shifted/Dead Voters નામનું હેડિંગ આવશે. આ પેજ પર ગુજરાતના 33 જિલ્લાના નામ હશે. અહીંયા ડિસ્ટ્રીક્ટ નંબર, ડિસ્ટ્રિક્ટનું નામ અને Show એમ ત્રણ કોલમ હશે. તમારે જે જિલ્લાની માહિતી જોઈએ છે તે જિલ્લાના નામની બાજુમાં આવેલા Show નામના બટન પર ક્લિક કરવાનું રહેશે. (અહીં ઉદાહરણ આપવા માટે કચ્છ જિલ્લો લીધો છે.)

સ્ટેપ 4 તમે Show બટન પર ક્લિક કરશો એટલે સિલેક્ટ કરેલા જિલ્લામાં આવતા વિધાનસભા મત વિસ્તારોની યાદી ખુલશે.આ મતવિસ્તારોમાંથી તમારે જે મતવિસ્તારની યાદી જોઈએ છે તે વિધાનસભા પર ક્લિક કરવાનું રહેશે. (અહીં ઉદાહરણ તરીકે અંજાર વિધાનસભા મતવિસ્તાર લીધો છે.)

સ્ટેપ 5 હવે તમે જે વિધાનસભા મતવિસ્તાર સિલેક્ટ કરશો તેની ગૂગલ ડ્રાઇવ ખૂલી જશે. જેમાં ઘણી બધી PDF ફાઈલ જોવા મળશે. કોઇ PDF ફાઇલ પર તાલુકા અને તેના બૂથ તેમજ ભાગ નંબર લખેલા હશે તો કોઇ ફાઇલ પર ગામનું નામ લખેલું હશે. તેના પરથી તમે આ PDF ફાઇલ તમારા વિસ્તારની છે કે નહીં તે જોઇ શકશો. અહીં તમારે તમારા બૂથ નંબરની યાદી શોધવાની રહેશે.

SIRની પ્રક્રિયા વખતે તમને જે ફોર્મ ભરવા માટે આપ્યું હતું તેમાં તમારો બૂથ નંબર લખેલો હતો. જો એ વિગત તમારી પાસે ન હોય તો તમે તમારા BLO અથવા રાજકીય પક્ષના સ્થાનિક પ્રતિનિધિને પૂછી શકો છો.

સ્ટેપ 6 તમે તમારા બૂથની યાદી ખોલશો એટલે તમને BLOનું નામ, હોદ્દો અને તેનો રિપોર્ટ જોવા મળશે. રિપોર્ટના પહેલા જ ફકરામાં આ બૂથમાં કેટલા મતદારો છે તેની સંખ્યા લખેલી હશે. આ સાથે જ એ બૂથમાંથી કેટલા મૃત મતદારો, કાયમી સ્થળાંતર કરી ગયેલા મતદારો અને ડુપ્લિકેટ મતદારો તેમજ ગેરહાજર રહેલા મતદારોની સંખ્યા પણ જોવા મળશે.

માત્ર આટલું જ નહીં આ ચારેય પ્રકારના મતદારોનું એક લિસ્ટ પણ નીચેની તરફ હશે. જેમાં જે-તે વ્યક્તિનું નામ, તેનો મતદાર ક્રમાંક અને એપિક કાર્ડ નંબર પણ આપવામાં આવ્યો હશે. સાથે જ કયા કારણોસર એ મતદારનું નામ દૂર કરાયું છે તે પણ દર્શાવાયું હશે. (અહીં ઉદાહરણ આપવા માટે અંજાર વિધાનસભામાં આવતા નાગોર મતવિસ્તાર લીધો છે.)

આમ આ રીતે તમે અત્યારે જ 2 મિનિટમાં ગુજરાતના કોઇપણ જિલ્લા, મતવિસ્તાર અને બૂથ પર કેટલા નામ દૂર કરાયા છે, કોના નામ દૂર કરાયા છે અને કયા કારણોસર નામ દૂર કરાયા છે તે જાણી શકશો.

રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને હાર્ડકોપી અને સોફ્ટકોપી અપાશે મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થવાના દિવસે રાજ્ય કક્ષાએ મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાશે. સાથે જ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા પોતાના જિલ્લામાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મુસદ્દા મતદારયાદીની હાર્ડકોપી અને સોફ્ટકોપી આપવામાં આવશે.

સ્થળાંતરિત તથા મૃત મતદારોની યાદી સુપરત કરાઈ ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ તમામ મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસર્સ (BLO) અને બુથ લેવલ એજન્ટોની બેઠક પૂર્ણ કરવામાં આવી છે અને તેમને ASD એટલે કે ગેરહાજર, સ્થળાંતરિત તથા મૃત મતદારોની યાદી પણ સુપરત કરાઈ છે.

18 જાન્યુઆરી 2026 સુધી વાંધા અને દાવાઓ રજૂ કરી શકાશે ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર SIR પ્રક્રિયા દરમિયાન માન્ય રાજકીય પક્ષો સાથે સતત સંવાદ રાખીને તેમના પ્રશ્નોનું નિવારણ કરવામાં આવ્યું છે. આ હકારાત્મક અને પારદર્શક પ્રક્રિયા બાદ હવે આજે મુસદ્દા મતદારયાદી જાહેર થવા જઈ રહી છે. મુસદ્દા યાદી પ્રસિદ્ધ થયા પછી આજે 19 ડિસેમ્બર 2025થી 18 જાન્યુઆરી 2026 સુધી મતદારયાદી સંબંધિત વાંધા અને દાવાઓ રજૂ કરી શકાશે.

મતદારયાદીમાં તમારું નામ છે કે નહીં તે આ રીતે ચેક કરી શકસો મતદારો પોતાનું નામ મુસદ્દા મતદારયાદીમાં છે કે નહીં તે ચકાસવા માટે CEO ગુજરાતની વેબસાઇટ, વોટર પોર્ટલ voters.eci.gov.in, ECINET એપ, પોતાના વિસ્તારના BLO પાસેથી અથવા જિલ્લા ચૂંટણી અધિકારી, ERO તથા AERO કચેરીમાંથી માહિતી મેળવી શકશે.