Loading...

2.34 કરોડની ચાઇનીઝ દોરી ઝડપાઈ:અમદાવાદમાંથી દોરી ઝડપાયા બાદ પોલીસ દાદરા અને નગર-હવેલીની ફેક્ટરી સુધી પહોંચી, દૃશ્યો જોઈ પોલીસ ચોંકી ઊઠી

સાણંદમાંથી દોરી ઝડપાયા બાદ પોલીસ દાદરા અને નગર-હવેલી પહોંચી અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા સાણંદના રણમલ ગામની સીમમાંથી અમૃત રબારીના ફાર્મ હાઉસની ઓરડીમાંથી 7.48 લાખ રૂપિયાની ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો હતો. ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ભીખા રાણા, રાજુ રાણા, અશોક ઠાકોર અને ભરત ગંગાવાણીની ધરપકડ કરવામાં આવી હતી. આ ચાઈનીઝ દોરીનો જથ્થો દાદરા અને નગર ખાતેથી વિરેન પટેલે મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું.

દાદરા અને નગર-હવેલીની ફેક્ટરીમાં દરોડો પાડી 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો અમદાવાદ ગ્રામ્ય પોલીસની એક ટીમ તપાસ માટે દાદરા અને નગર-હવેલી પહોંચી હતી, જ્યાં સ્થાનિક પોલીસની મદદથી વંદના ઇન્ડસ્ટ્રીઝ ખાતે રેડ કરી હતી. ત્યારે ત્યાંથી એક ચાઈનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. આ ફેક્ટરીમાંથી તૈયાર થયેલી ચાઈનીઝ દોરીનો 1.50 કરોડનો જથ્થો, ચાઈનીઝ દોરી બનાવવા માટેની મશીનરી અને અન્ય રો-મટીરિયલ મળીને કુલ 50 લાખ એમ કુલ 2 કરોડનો ચાઈનીઝ દોરીનો જથ્થો અને રો-મટીરિયલ કબજે કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત પોલીસ દ્વારા બાવળામાંથી પણ 12.91 લાખ રૂપિયાનો ચાઈનીઝ દોરીનો જથ્થો, વટામણ ચોકડી પાસેથી 9.60 લાખ રૂપિયાનો જથ્થો, આણંદમાંથી બે લાખ રૂપિયાનો ચાઈનીઝ દોરીનો જથ્થો એમ કુલ 2.34 કરોડનો ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાંથી પણ ત્રણ મહિના પહેલાં ચાઈનીઝ દોરીનો મસમોટો જથ્થો ઝડપાયો હતો. પ્લાસ્ટિકના દાણામાંથી ફાઇન ફિલામેન્ટ બનાવવાની આડમાં જીવલેણ ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. પોલીસે 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.