ભાનનગર: કમળેજ પાસે મીઠાના અગરમાં ફસાયેલા 58 લોકોને રેસ્ક્યૂ કરી કઢાયા
ચોમાસા દરમિયાન મીઠાના અગરોમાં કામ નહીં કરવાની તંત્રની સૂચના છતા ભાલ પંથકમાં ભાવનગર તાલુકાના નારી માઢીયા રોડ પર કમળેજ ગામ પાસે એડમીરલ સોલ્ટમાં કામ કરતા અગરિયા અને તેના પરિવારના 58 લોકો પાણીમાં ફસાઈ ગયા હતા. જે તમામને ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગની ટીમ દ્વારા બોટ મારફત રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.
ભાલ વિસ્તારમાં ડિઝાસ્ટર વિભાગને ચાર લોકો ફસાયા હોવાનો કોલ આવતા ભાવનગર ફાયર વિભાગ અને ગ્રામ્ય મામલતદારને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. પરંતુ સ્થળ પર જતા અનેક લોકો પાણીમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગની ટીમ દ્વારા બોટ દ્વારા કુલ 58 લોકોને પાણીમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
ફાયર વિભાગ દ્વારા નારી-માઢીયા રોડ પાસે ભાલ વિસ્તારમાંથી 10 નાળાથી 2 કિલોમીટર સુધી નદી વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી કુલ 58 લોકોની બચાવ કામગીરી કરેલ જેમાં 39 પુરુષ, 10 સ્ત્રી અને 9 બાળકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.