ગિફ્ટ સિટીમાં ગમે ત્યાં દારૂ પીવાની છૂટ:માત્ર ઓળખપત્ર બતાવી શરાબ પી શકશો, ગુજરાત બહારના લોકોને પરમિટમાંથી મુક્તિ
દારૂના સેવન માટે પરમિટ લેવામાંથી મુક્તિ અપાઈ ગુજરાતના આર્થિક હબ તરીકે ઓળખાતી ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવવા રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં ઐતિહાસિક રાહત આપતું નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. હવે ગિફ્ટ સિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને બહારના નાગરિકોને દારૂના સેવન માટે પરમિટ લેવાની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ મળશે.
પરમિટની ઝંઝટ ખતમ, માત્ર ઓળખપત્ર બતાવવાનું રહેશે નવા જાહેરનામા મુજબ, ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ તથા વિદેશી નાગરિકો હવે ગિફ્ટ સિટીની અધિકૃત હોટલ કે ક્લબમાં માત્ર માન્ય ઓળખપત્ર બતાવીને દારૂનું સેવન કરી શકશે. વિદેશી નાગરિકો માટે પણ પ્રક્રિયા સરળ બનાવાતાં આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને મહેમાનોને કોઈ અગવડ નહીં પડે.
છૂટછાટ સાથે કડક શરતો યથાવત્ સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીના સીમિત વિસ્તારમાં જ લાગુ પડશે. અહીંથી કોઈપણ વ્યક્તિ દારૂની બોટલ કે જથ્થો શહેરના અન્ય વિસ્તારો કે ગિફ્ટ સિટીની બહાર લઈ જઈ શકશે નહીં. નિયમ ભંગ કરનાર સામે ગુજરાતના કડક દારૂબંધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
