અમદાવાદમાં કાકા સાથે આપઘાત કરનારી ભત્રીજી સગીર:બેવાર કેનાલમાં પડવા ગયાં ને અવરજવરથી હોટલમાં જીવન ટૂંકાવ્યું, કોલેજથી આત્મહત્યા સુધીની એક-એક વાત
‘ચેકઆઉટનો સમય છતાં રૂમ ખાલી કર્યો નહીં’ અમદાવાદની ડેઇલી સ્ટે હોટલમાં 16મી ડિસેમ્બરના રોજ રાત્રિના નવેક વાગ્યે એક યુવક-યુવતીએ રાત્રિ રોકાણ માટે રૂમ નં.305 ભાડે રાખ્યો હતો. સવારે 10 વાગ્યે ચેકઆઉટ કરવાનું હતું, પરંતુ ચેકઆઉટનો સમય થયો છતાં રૂમ ખાલી નહીં કરતાં મેનેજરે રૂમનો ડોરબેલ વગાડયો હતો, પરંતુ રૂમમાંથી કોઇ જવાબ આવ્યો ન હતો.
ડોરબેલ વગાડતાં કોઈ જવાબ મળ્યો નહીં ફરીથી 10 મિનિટ પછી ડોરબેલ વગાડતાં કોઇ જવાબ મળ્યો ન હતો. જેથી પોતાના લેન્ડલાઇન ફોનથી રૂમ નં. 305ના લેન્ડલાઇનમાં ફોન કર્યો હતો, પરંતુ નો રિપ્લાય આવતાં હોટલ રજિસ્ટરમાં નોંધાયેલાં યુવકના મોબાઇલ ફોન પર ફોન કર્યો હતો, પરંતુ એ ફોન બંધ હોવાથી મેનેજરે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
પોલીસની હાજરીમાં રૂમ ખોલ્યો જેના પગલે એરપોર્ટ પોલીસ હોટલ પર દોડી આવી હતી અને પોલીસની હાજરીમાં રૂમ નં. 305 બીજી ચાવીથી ખોલવામાં આવ્યો હતો. બાદમાં જોયું તો યુવક-યુવતી બંને બેડ પર પડયાં હતાં. બંનેના હાથમાંથી લોહી નીકળતું હતું, જેથી 108ને જાણ કરવામાં આવી હતી. 108ના સ્ટાફે આવીને તપાસતાં યુવક મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જયારે યુવતી બેભાન હોવાથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
બે વર્ષ પહેલાં કાકાના લગ્ન થયા હતા ને 4 મહિનાથી પ્રેમસંબંધ હતો એરપોર્ટ પોલીસ મથકનાં સેકન્ડ પી.આઇ. ડિમ્પલબેન પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.એ. મકવાણાએ આ અંગેની તપાસ હાથ ધરી હતી, જેના ભાગરૂપે કિશોરીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. એમાં કિશોરીની ઉંમર 17 વર્ષ 4 મહિના હોવાનું જાણવા મળ્યું હતું. તેના કાકા પરિણીત હતા અને તેમનાં બે વર્ષ પહેલાં લગ્ન થયા હતા. બંને વચ્ચે ચાર મહિનાથી પ્રેમસંબંધ હતો.
ભત્રીજી કોલેજની બહાર આવતાં કાકા ઊભા હતા 16 ડિસેમ્બર, 2025એ સવારના સાત વાગ્યે પુત્રીને તેના પિતા રાબેતા મુજબ પોતાની બાઇક પર બેસાડીને કોલેજ જવા માટે કર્ણાવતી કલબ ખાતે ઉતારી હતી. ત્યાંથી તે રિક્ષામાં બેસી કોલેજ ગઇ હતી. સાડાદસ વાગ્યે કોલેજ પૂરી કરીને તે બહાર આવતાં જ કોલેજની બહાર તેના કાકા બાઇક લઇને ઊભા હતા.
કાકીને પ્રેમસંબંધની જાણ થતાંની સાથે રહેવા નહીં મળે એમ વિચારી આપઘાતનું નક્કી કર્યું કાકા-ભત્રીજીના પ્રેમસંબંધની જાણ યુવકની પત્નીને થઇ ગઇ હતી, જેથી હવે તેમને સાથે રહેવા મળશે નહીં એવી વાત કરી હતી. આ વાત જાણીને બંને જણે આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ બંને જણા સવારે સાડાઅગિયાર વાગ્યે વૈષ્ણોદેવી કેનાલ ખાતે પહોંચ્યા હતા, પરંતુ લોકોની અવરજવર ચાલુ હોવાથી ત્યાંથી તેઓ કલોલ ખાતેની હોટલમાં રોકાણ કરવા ગયા હતા. જ્યાં બપોરના બે વાગ્યાથી સાંજના પોણાછ વાગ્યા સુધી રોકાયાં હતાં. ત્યાંથી સાંજના પોણાછ વાગ્યાની આસપાસ હોટલથી નીકળી પરત અંધારું થતાં વૈષ્ણોદેવી કેનાલ ખાતે ગયાં હતાં, પરંતુ ત્યાં પોલીસ તેમ જ લોકોની અવરજવર ચાલુ હોવાથી તેમણે હોટલમાં જઇને આપઘાત કરવાનું નક્કી કર્યું હતું.
યુવક હોટલની નીચે બ્લેડ લેવા ગયો અલગ અલગ હોટલોમાં પૂછપરછ કરતાં કરતાં અપોલો સર્કલ ખાતે આવેલા રાધે-ફોર્ચ્યુન કોમ્પ્લેક્સની ડેઇલી સ્ટે હોટલમાં રૂમ મળી ગયો હતો. ત્યારે રાત્રિના નવેક વાગ્યા હતા. એે સમયે યુવક નીચે બ્લેડ લેવા જાય છે, સાથે જ યુવકે ભત્રીજીને પૂછયું હતું કે તારે કંઇ ખાવું છે તો સાથે લેતો આવું, પરંતુ તેણે ના પાડી હતી. થોડીવારમાં યુવક બ્લેડની સાથે જામફળ લઇને આવે છે અને જમવા માટે દાલબાટી રૂમમાં જ મગાવી હતી. બાદમાં બંને જમીને સૂઇ ગયાં હતાં.
બાથરૂમમાં જઈને બંનેએ હાથની નસ કાપી બીજા દિવસે સવારે આઠ વાગ્યાની આસપાસ તેઓ ઊઠયાં હતાં. થોડીવારમાં આત્મહત્યા બાબતે વિચારવા લાગ્યાં હતાં. ત્યારે યુવકે જણાવ્યું હતું કે આ લોકો આપણને સાથે રહેવા દેશે નહીં. જેથી બંને જણા બાથરૂમમાં ગયાં હતાં, જયાં યુવકે બ્લેડના બોક્સમાંથી બ્લેડ કાઢી ભત્રીજીએ પોતે પોતાના જમણા હાથ પર જાતે જ મારી કાપો પાડી દીધો હતો. થોડીવારમાં યુવકે તેના બંને હાથની નસને જાતે જ બ્લેડ મારીને કાપા પાડી દીધા હતા.
‘મને કંઇ જ થતું નથી, હું ગળાફાંસો ખાઇ લઉં છું’ લોહી નીકળતાં ભત્રીજી થોડીજ વારમાં અર્ધબેભાન થઇ ગઇ હતી. એ સમયે યુવકે કહ્યું કે તું અર્ધબેભાન થઇ ગઇ છે, પણ મને કંઇ જ થતું નથી. હું ગળાફાંસો ખાઇ લઉં છું, એમ જણાવી તે બાથરુમની બહાર ગયો હતો, પણ થોડીવારે ભત્રીજીને પૂછતો હતો કે તને કેમ છે, વધારે તકલીફ થતી હોય તો દવાખાને જવું છે. થોડીવાર પછી કોઇ જ અવાજ નહીં આવતાં રૂમમાં સન્નાટો છવાઇ ગયો હતો. જેથી ભત્રીજીને લોહી વધારેપડતું નીકળી જવાના કારણે અશક્તિ અને અર્ધબેભાન જેવી થઇ ગઇ હતી.
બાથરૂમની બહાર આવીને જોયું તો કાકાએ ગળાફાંસો ખાધો હતો યુવતીને ચક્કર આવતાં હોય તેમ જ આંખે અંધારા આવતાં હોવાથી તે જેમ તેમ કરીને દીવાલનો ટેકો લઇને બાથરૂમની બહાર આવી હતી. જોયું તો કાકાએ પંખા સાથે દુપટ્ટો લટકાવીને ગળાફાંસો ખાધેલો હતો, જેથી ભત્રીજીએ બ્લેડ લઇને દુપટ્ટો અડધેથી કાપી નાખીને કાકાને નીચે ઉતાર્યા હતા અને ગળેથી બાંધેલો દુપટ્ટો દાંત વડે ખોલી નાખ્યો હતો. ભત્રીજી શરીરે અશક્ત થયેલી હોવાથી તે પણ ત્યાં ને ત્યાં અર્ધબેભાન હાલમાં સૂઇ ગઇ હતી.
પોલીસે પાણી છાંટતાં ભત્રીજી ભાનમાં આવી બપોરના સમયે પોલીસ આવતાં ભત્રીજી પર પાણીનો છંટકાવ કરતાં તે થોડી ભાનમાં આવી હતી. દરમિયાન તેને 108 મારફત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
કાકાના લગ્ન અને પ્રેમસંબંધને કોઈ સ્વીકારશે નહીં એમ માની આત્મહત્યાનું નક્કી કર્યું પોલીસ સમક્ષ તેણે આપેલા નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે યુવક તેમનો કૌટુંબિક કાકા થતા હતા અને અમારા પ્રેમસંબંધને બધાં સ્વીકારશે નહીં અને તેમના લગ્ન થયેલા હતા, જેથી તેમના પ્રેમસંબંધના કારણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું.
