Loading...

16 ચોગ્ગા...15 છગ્ગા... અને 190 રન:14 વર્ષના વૈભવની વધુ એક વિક્રમી ઇનિંગ; વિજય હઝારે ટ્રોફીમાં બિહારે અરુણાચલ પ્રદેશ સામે 574 રન ફટકાર્યા

સૌથી ઝડપી લિસ્ટ-A સદી લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ જેક ફ્રેઝર-મેકગર્કના નામે છે, જેણે માત્ર 29 બોલમાં સદી ફટકારી હતી. ત્યારબાદ એબી ડિવિલિયર્સે 31 બોલમાં સદી ફટકારીને આ પરાક્રમ કર્યું. ભારતની વાત કરીએ તો, પંજાબના અનમોલપ્રીત સિંહે અરુણાચલ પ્રદેશ સામે જ 35 બોલમાં સદી ફટકારી હતી. જ્યારે હવે બિહારના વૈભવ સૂર્યવંશીએ તે જ ટીમ સામે 36 બોલમાં સેન્ચુરી ફટકારીને આ ખાસ યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

સાકિબુલ ગનીએ 32 બોલમાં સદી ફટકારી

ઈન્ડિયન બેટર્સમાં લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ હવે બિહારના કેપ્ટન સાકિબુલ ગનીના નામે થઈ ગયો છે. તેણે આજે માત્ર 32 બોલમાં સદી ફટકારીને નવો ઈતિહાસ રચ્યો છે. આ યાદીમાં હવે બીજા સ્થાને ઈશાન કિશન આવી ગયો છે, જેણે અમદાવાદમાં ઝારખંડ તરફથી રમતા કર્ણાટક સામે 33 બોલમાં સેન્ચુરી ફટકારી હતી.

આ પહેલા આ રેકોર્ડ અનમોલપ્રીત સિંહના નામે હતો, જેણે 2024માં પંજાબ તરફથી અરુણાચલ પ્રદેશ સામે 35 બોલમાં સદી ફટકારી હતી. બીજી તરફ, વૈભવ સૂર્યવંશીએ આજે અરુણાચલ પ્રદેશ સામે 36 બોલમાં સદી ફટકારીને આ ખાસ યાદીમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.

ભારતીય લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારાઓની આ યાદીમાં યુસુફ પઠાણ (40 બોલ, 2010), ઉર્વિલ પટેલ (41 બોલ, 2023) અને અભિષેક શર્મા (42 બોલ, 2021) પણ સામેલ છે, જેમણે પોતાની વિસ્ફોટક બેટિંગથી ઈતિહાસ રચ્યો છે.

બિહારે અરુણાચલ પ્રદેશ સામે 574/6નો સ્કોર બનાવ્યો

રાંચીમાં રમાઈ રહેલી વિજય હજારે ટ્રોફીની પ્લેટ ગ્રુપ મેચમાં બિહારની ટીમે ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. અરુણાચલ પ્રદેશ સામે પ્રથમ બેટિંગ કરતા બિહારે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 574 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે. લિસ્ટ-A ક્રિકેટના છેલ્લા 5 દાયકાના ઈતિહાસમાં આ સૌથી મોટો સ્કોર છે.

બિહારની આ ઇનિંગમાં ત્રણ બેટર્સે શાનદાર સદી ફટકારી હતી. આ સાથે બિહારે અગાઉના તમામ રેકોર્ડ તોડીને વર્લ્ડ ક્રિકેટમાં પોતાનું નામ બનાવ્યું છે.

બિહારે તામિલનાડુનો રેકોર્ડ તોડ્યો

લિસ્ટ-A ક્રિકેટમાં પહેલીવાર કોઈ ટીમે 550 રનનો આંકડો પાર કર્યો છે. લિસ્ટ-A ક્રિકેટમાં આ માત્ર બીજી વખત છે જ્યારે કોઈ ટીમે 500 થી વધુ રન બનાવ્યા હોય. નવાઈની વાત એ છે કે બંને વખતે સામે અરુણાચલ પ્રદેશની ટીમ જ હતી. તમિલનાડુની ટીમે 2022માં અરુણાચલ સામે 505 રન બનાવ્યા હતા, જ્યારે આ મુકાબલામાં બિહારે અરુણાચલ પ્રદેશ સામે જ 574 રન ફટકારી દીધા. બિહાર માટે આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ 190 રનની તોફાની ઇનિંગ રમી, જ્યારે કેપ્ટન સાકિબુલ ગની અને વિકેટકીપર આયુષે પણ સદી ફટકારી.

બિહારની ટીમે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મંગલ મહરોરે 43 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો, પરંતુ તે સમયે ટીમનો સ્કોર 158 રન હતો. ત્યાં સુધીમાં વૈભવ સૂર્યવંશી પોતાની સદી પૂરી કરી ચૂક્યો હતો. વૈભવે 84 બોલમાં 16 ચોગ્ગા અને 15 છગ્ગાની મદદથી 190 રનની યાદગાર ઇનિંગ રમી. આ પછી નંબર 3 પર ઉતરેલા પીયૂષે 66 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા. તો વિકેટકીપર આયુષે માત્ર 56 બોલમાં 116 રન બનાવી પેવેલિયન પરત ફર્યો. ત્રીજી સદી કેપ્ટન સાકિબુલ ગનીએ ફટકારી. તેણે માત્ર 40 બોલમાં 10 ચોગ્ગા અને 12 છગ્ગાની મદદથી 128 રન ફટકાર્યા.

વૈભવે 84 બોલમાં 190 રન ફટકાર્યા

14 વર્ષના વૈભવ સૂર્યવંશી બિહાર માટે વિજય હઝારે ટ્રોફીની પ્લેટ ગ્રુપ મેચમાં રમી રહ્યો છે. આ મેચ અરુણાચલ પ્રદેશ સામે રાંચીના JSCA ઓવલ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. વૈભવે માત્ર 36 બોલમાં પોતાની સદી પૂરી કરી લીધી હતી. તેણે કુલ 84 બોલમાં 190 રન બનાવ્યા હતા. વૈભવ બિહાર ટીમનો વાઇસ કેપ્ટન પણ છે. તેણે પોતાની આ ઇનિંગમાં 16 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 12મી ઓવરના પહેલા બોલ પર એક રન લઈને પોતાની સદી પૂરી કરી હતી.

લિસ્ટ-A શું હોય છે?

ડોમેસ્ટિક વન-ડે મેચને લિસ્ટ-A કહેવામાં આવે છે. તેમાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક બંને પ્રકારની વન-ડે મેચનો સમાવેશ થાય છે. ભારતની વિજય હઝારે ટ્રોફીની મેચ પણ ભારતના ડોમેસ્ટિક વન-ડે ક્રિકેટ એટલે કે લિસ્ટ-Aમાં ગણાય છે.