ભાવનગરનો શેત્રુંજી ડેમ ત્રીજીવાર ઓવરફ્લો:દાંતીવાડામાં સવા 6 ઇંચ
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગોમાં, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર આ 3 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. ત્યારે ભાવનગરનો શેત્રુંજી ડેમ આ સિઝનમાં ત્રીજીવાર ઓવરફ્લો થયો છે. તેના તમામ 20 દરવાજા ખોલવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દાંતીવાડામાં સવા 6 ઇંચ તેમજ પાલનપુરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. જેથી ઠેર-ઠેર પાણી ભરાયા છે. આબુ -અમદાવાદ હાઇવે પર ઢીંચણ સમા પાણી ભરાયા હતા. જેથી વાહન ચાલકો અટવાયા હતા.
આજે પાટણમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. જેને પગલે વાહન ચાલકોને હાલાકી પડી હતી. જ્યારે ગતરોજ અમરેલીના સાવરકુંડલા તાલુકાના ભમોદ્રા ગામ આસપાસ ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ હતી. તેમાં મિની ટ્રેક્ટર તણાયું હતું. જેનું રેસ્ક્યૂ કરાયું હતું. જ્યારે રાજકોટમાં વરસાદ વરસ્યો હતો.
- કચ્છ : જૂનમાં 50.1 મિમી (2 ઇંચ) વરસાદની જરૂરિયાત સામે 142.3 મિમી (5.69 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 184% વધુ વરસાદ રહ્યો છે.
- ઉત્તર ગુજરાત : જૂનમાં 80.2 મિમી (3.21 ઇંચ)ની જરૂરિયાત સામે 178 મિમી (7.12 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 122% વધુ વરસાદ છે.
- મધ્ય-પૂર્વ ગુજરાત : જૂન સુધીમાં 113 મિમી (4.52 ઇંચ)ની જરૂરિયાત સામે 278.9 મિમી (11.16 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 147% વધુ વરસાદ રહ્યો છે.
- સૌરાષ્ટ્ર : જૂનમાં 127.7 મિમી (5.12 ઇંચ)ની જરૂરિયાત સામે 245.1 મિમી (9.80 ઇંચ) વરસાદ થયો છે.
- દક્ષિણ ગુજરાત : જૂનમાં 253.4 મિમીની જરૂરિયાત સામે 532.5 મિમી (21.3 ઇંચ) વરસાદ મળ્યો છે.
ગુજરાતમાં જુલાઈમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતા
ભારતીય હવામાન વિભાગે રજૂ કરેલા જુલાઇ મહિનાના પૂર્વાનુમાન મુજબ, દેશમાં 106%થી વધુ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં જુલાઇનું પૂર્વાનુમાન જોઇ રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે.
રાજ્યના 5 ઝોનનું પૂર્વાનુમાન
કચ્છ : 10થી 17 જુલાઇની વચ્ચે વરસાદનું જોર સામાન્ય ઘટી શકે છે.
ઉત્તર ગુજરાત : અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ નબળો રહી શકે છે.
મધ્ય-પૂર્વ ગુજરાત : મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે. અમદાવાદ, ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્ર : સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે, જોકે દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં 10 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટી શકે છે.
દક્ષિણ ગુજરાત : આગામી 17 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. 18 જુલાઇ બાદ દ. ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે છે. બીજા પખવાડિયાથી ઓછા વરસાદની શક્યતા છે.