કાંકરિયા કાર્નિવલ-2025નો આજથી શુભારંભ, નીકળતા પહેલા રુટ ચેક કરજો!:પહેલા દિવસે કિર્તીદાન ગઢવીના શો, દુબઈનો પાયરો શો નવુ આકર્ષણનું કેન્દ્ર, લાઈટિંગ સેલ્ફી લેવા કરશે મજબૂર
કાંકરિયા લેકની આસપાસનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુટર્ન જાહેર શહેરના કાંકરિયા તળાવ ખાતે આગામી તા. 25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ યોજાવા જઇ રહ્યો છે. જેમાં VVIPની સાથે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી પોલીસે આગોતરૂ આયોજન કર્યુ છે. શહેર ટ્રાફિક પોલીસે કાંકરિયા લેકની આસપાસનો કેટલોક વિસ્તાર નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુટર્ન જાહેર કર્યો છે.
કાંકરિયાના સાત એન્ટ્રી અને એક્ઝિટ ગેટ સહિત 34 જગ્યા ઉપર CCTV કેમેરા લગાવ્યા છે. જેનાથી કેટલા લોકો દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો છે અને હાલમાં કેટલા લોકો હાજર છે, તેનું લાઈવ ફીડ કાંકરિયા ખાતે ઉભો કરવામાં આવનાર પોલીસ કંટ્રોલરૂમ અને પાલડી કમાન્ડ કંટ્રોલરૂમ સેન્ટર ખાતે મળશે.
CCTV સિવાય ડ્રોનથી પણ સર્વેલન્સ કરવામાં આવશે કાંકરિયામાં એન્ટ્રી લીધેલા લોકો બહાર નીકળ્યા તેની પણ ગણતરી થઈ જશે અને તેનાથી કાંકરિયામાં લોકોની અવર-જવર પર નજર રહેશે. જો ભીડ વધી જશે તો તાત્કાલિક ધોરણે કાંકરિયાના ગેટ બંધ કરી દેવામાં આવશે અને ત્યાં જ્યારે ભીડ ઓછી થાય ત્યારબાદ પ્રવેશ આપવામાં આવશે. દરેક ગેટ ઉપર તેના માટે એસ્ટેટ વિભાગની ટીમ રહેશે.
દર્શકો માટે દરેક ગેટ પર LED પણ લગાવવામાં આવ્યું છે કાંકરિયા પરિસરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના 110 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવેલા છે, જે કેમેરા મારફતે લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત ડ્રોનથી પણ સર્વેલન્સ કરવામાં આવશે. દરેક ગેટ પાસે એલઇડી પણ લગાવવામાં આવી છે, જ્યાં બેસીને લોકો કાર્યક્રમ માણી શકશે. કાંકરિયા ખાતે આવેલા વ્યાયામ વિદ્યાલયમાં મ્યુ.કોર્પોરેશન દ્વારા અલગથી એક કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે. જ્યાંથી કાંકરિયા કાર્નિવલની તમામ કામગીરી કરવામાં આવી છે.
પોલીસ-બંદોબસ્ત તેમજ ફાયરબ્રિગેડનો સ્ટાફ પણ હાજર રહેશે મ્યુઝિકલ પર્ફોર્મન્સ, જ્વેલરી મેકિંગ વર્કશોપ, સોશિયલ મીડિયા વર્કશોપ, જાદુગરના શો અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈ વિવિધ શો પણ યોજાશે. કાંકરિયા પરિસરમાં જુદાં-જુદાં સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા કરાઇ છે. વિખૂટા પડી ગયેલાં બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક ઊભું કરવામાં આવશે. સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યાઓ પર CCTV કેમેરા, કંટ્રોલ રૂમ, જરૂરી પોલીસ-બંદોબસ્ત તેમજ ફાયરબ્રિગેડનો સ્ટાફ હાજર રહેશે.
કાંકરિયામાં અદભુત લાઇટિંગને લઈને લોકોમાં ઉત્સાહ રહેશે આખું કાંકરિયા પરિસર લાઈટોથી શણગારવામાં આવ્યું છે. લાઈટોના ઝગગાટથી કાંકરિયા પરિસરનો અદભુત નજારો જોવા મળે છે. કાંકરિયાની અંદર અને બહાર બંને જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાઈટિંગ કરવામાં આવ્યું છે. કાંકરિયાના આસપાસના રોડ ઉપર બહારના ભાગે પણ એલઇડી મૂકવામાં આવી છે જેથી લોકો બહારથી પણ કાર્યક્રમ અને કાંકરિયા પરિસરની પ્રવૃત્તિઓ જોઈ શકશે. કાંકરિયામાં અદભુત લાઇટિંગને લઈ લોકો સેલ્ફી અને ફોટો પાડવા ઉત્સાહિત થશે.
ત્રણેય સ્ટેજ પર સાતેય દિવસ અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં સ્ટેજ નં-1 પર પુષ્પકુંજ ગેટ પાસે, સ્ટેજ નં-2 બાલવાટિકા અને સ્ટેજ નં-3 વ્યાયામ વિદ્યાલય પાસે બનાવવામાં આવ્યો છે. ત્રણેય સ્ટેજ પર સાતેય દિવસ અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 26 ડિસેમ્બરથી ત્રણ અલગ-અલગ સ્ટેજ પર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. સવારે અલગ-અલગ કાર્યક્રમો યોજાશે. બપોરે મહિલાઓ અને બાળકો માટે પણ અલગ-અલગ સેશન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
