નશેડીઓ સાવધાન! તમે ડ્રોનની નજરમાં છો:દારૂની પાર્ટી ફાર્મ હાઉસના ટેરેસ પર હશે કે જંગલ વિસ્તારમાં; પોલીસ સ્માર્ટ ટેક્નોલોજીથી સેકન્ડોમાં જ પકડી પાડશે
હાઉસના ટેરેસથી લઇ જંગલ સુધી પોલીસની નજર નવસારીની વાત કરીએ તો શહેરની આસપાસ આવેલા અનેક ફાર્મ હાઉસમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવાની શક્યતાઓને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ટેકનોલોજીનો સહારો લઈને, ફાર્મ હાઉસના ટેરેસ, ખુલ્લી જગ્યાઓ અને ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારોમાં ડ્રોન ઉડાડીને ચકાસણી કરવામાં આવી રહી છે.
MP-મહારાષ્ટ્રની બોર્ડર પર કડક ચેકિંગ આવી જ રીતે વલસાડ, સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર અને મહારાષ્ટ્રની બોર્ડરની ચેકપોસ્ટ અને નજીકના વિસ્તારમાં પોલીસ ડ્રોન સાથે એલર્ટ છે. આવી જ રીતે મધ્યપ્રદેશને અડીને આવેલા દાહોદ જિલ્લામાં પણ નશેડીઓને ઝડપવા પોલીસ ખડેપગે છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ-ગાંધીનગર સહિત તમામ મોટા શહેરોથી લઇ નાનામાં નાના ગામડામાં પોલીસની બાજ નજર છે.
નદી કે દરિયા કિનારા પર પણ પોલીસની નજર રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પોલીસ વધુ એલર્ટ છે. અહીંની તમામ સંવેદલશીલ ચેકપોસ્ટ અને અંતરિયાળ ધૂળિયા રસ્તે પણ પોલીસની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત 31મીની ઉજવણી માટે લોકો સામાન્ય રીતે નદી કિનારે કે દરિયા કિનારા જેવા નિર્જન સ્થળો પસંદ કરતા હોય છે. આવા દુર્ગમ વિસ્તારોમાં જ્યાં પોલીસ માટે પહોંચવું મુશ્કેલ હોય છે, ત્યાં પણ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અંતરિયાળ સ્થળો પર સતત મોનિટરિંગ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોઈપણ જગ્યાએ દારૂ કે ડ્રગ્સની પાર્ટી ન થાય તે માટે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. જંગલ વિસ્તારો અને અંતરિયાળ સ્થળો પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નડિયાદમાં પોલીસની ડ્રોનથી બાજ નજર
નડિયાદમાં DySP એ સ્થાનિક PI ને સાથે રાખીને ડ્રોન કેમેરાનું ખાસ ડેમોસ્ટ્રેશન યોજ્યું હતું. આ ડ્રોન સર્વેલન્સ દ્વારા શહેરના તેવા વિસ્તારો પર નજર રાખવામાં આવશે જ્યાં પોલીસની ગાડીઓ સરળતાથી પહોંચી શકતી નથી. પોલીસના આ આધુનિક અભિગમથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.
પોલીસની વિશેષ નજર આ વખતે ફાર્મ હાઉસ, કેનાલના કિનારા અને રહેણાંક મકાનોના ધાબા પર રહેશે. અંધારાનો લાભ લઈને અથવા છૂપી રીતે યોજાતી દારૂની પાર્ટીઓને પકડવા માટે ડ્રોન એક સચોટ હથિયાર સાબિત થશે. ડ્રોન દ્વારા મેળવવામાં આવેલા ફૂટેજ સીધા કંટ્રોલ રૂમમાં જોઈ શકાશે, જેના આધારે જે-તે સ્થળ પર પોલીસની ટીમ તાત્કાલિક દરોડો પાડી શકશે.
આ ડ્રોન કેમેરાની ક્ષમતા વિશે વાત કરીએ તો, તે 5 કિલોમીટરની રેન્જ ધરાવે છે અને આકાશમાં 500 મીટરની ઊંચાઈ સુધી જઈ શકે છે. આટલી ઊંચાઈએથી તે નીચે થતી દરેક શંકાસ્પદ હલચલને કેદ કરી શકે છે. હાઈ-રિઝોલ્યુશન કેમેરાને કારણે રાત્રિના સમયે પણ સ્પષ્ટ દ્રશ્યો જોઈ શકાશે, જેનાથી નિયમ ભંગ કરનારા લોકો પોલીસની નજરથી બચી શકશે નહીં.
ખેડા જિલ્લા પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સામાન્ય નાગરિકો શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં નવા વર્ષની ઉજવણી કરી શકે. પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ કાયદાનું પાલન કરે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ પોલીસને જાણ કરે.
ખેડા પોલીસ 500 મીટરની ઊંચાઈએથી ડ્રોનની મદદથી નશેડીઓને ઝડપશે
ખેડા જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. તહેવારના નામે કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન થાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને દારૂની મહેફિલો અને નશાખોરી પર લગામ કસવા માટે પોલીસ આ વખતે ડ્રોનનો સહારો લઈ રહી છે.
