આજે કેબિનેટ બેઠકમાં લગ્ન-નોંધણીના નિયમોમાં ફેરફારની જાહેરાત થઈ શકે છે:ભાગીને લગ્ન કરનારની નોંધણી માટે ક્લાસ-2 અધિકારીની મંજૂરી ફરજિયાતની શકયતા
માતા-પિતાએ 30 દિવસની અંદર લેખિત જવાબ આપવો પડી શકે છે પ્રસ્તાવિત નિયમો અનુસાર વર્ગ-2 અધિકારીની મંજૂરી વિના ભાગેડુ લગ્નની નોંધણી કરી શકાશે નહીં. ઉપરાંત આવા કિસ્સાઓમાં યુવક-યુવતીના માતા-પિતાને પણ સત્તાવાર નોટિસ મોકલવામાં આવી શકે છે. નોટિસ મળ્યા બાદ માતા-પિતાએ 30 દિવસની અંદર પોતાનો લેખિત જવાબ આપવો ફરજિયાત કરવામાં આવી શકે છે.
આજે પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ સત્તાવાર જાહેરાત થઈ શકે છે સરકારનો ઉદ્દેશ્ય નાબાલિક લગ્ન, દબાણ હેઠળ થતા લગ્ન અને પરિવારની જાણ વગર થતી નોંધણી પર રોક લગાવવાનો છે. આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ તેના અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ રાજ્યમાં ભાગેડુ લગ્નની નોંધણી પ્રક્રિયા વધુ કડક અને પારદર્શક બને તેવી શકયતા છે.
પ્રેમલગ્નની નોંધણી સમયે માતાપિતાની સહમતી ફરજિયાત કરવાની માગ ગુજરાતમાં પાટીદાર, ઠાકોર સમાજ સહિતના આગેવાનો લાંબા સમયથી પ્રેમલગ્નની નોંધણી સમયે માતાપિતાની સહી ફરજિયાત કરવાની માગ કરી રહ્યા છે. એસપીજીના લાલજી પટેલ તો અલગ અલગ જગ્યાએ સંમેલન યોજી આ માગને બુલંદ બનાવી રહ્યા છે. ચાર મહિના પહેલાં આ માગણીને લઈ મહેસાણામાં યોજાયેલી એક જનક્રાંતિ મહારેલીમાં પાટીદાર સમાજના આગેવાને કહ્યું હતું કે પ્રેમલગ્ન કરનારી દીકરીને મિલકતમાંથી બેદખલ કરવામાં આવે.
લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ફેરફાર આ રીતે થશે
• ભાગીને થતાં લગ્નની સીધી નોંધણી બંધ • વર્ગ-2 અધિકારીની પૂર્વ મંજૂરી ફરજિયાત • જ્યાં સુધી મંજૂરી ન આવે ત્યાં સુધી તલાટી નોંધણી નહીં કરી શકે • યુવક-યુવતીના માતા-પિતાને સત્તાવાર નોટિસ • 30 દિવસમાં માતા-પિતાને લેખિત જવાબ આપવો ફરજિયાત • આ જવાબને આધારે વર્ગ-2 અધિકારી પોતાનો અભિપ્રાય અને મંજૂરી આપશે
સરકાર શા માટે નિયમ કડક બનાવી રહી છે? છેલ્લા કેટલાક વર્ષોમાં ભાગીને થતાં લગ્નના કિસ્સાઓમાં વધારો થયો છે. અનેક મામલાઓમાં સગીર વ્યક્તિનાં લગ્ન, દબાણ અથવા પ્રલોભન હેઠળ લગ્ન, તેમજ પરિવારની જાણ વગર થયેલી નોંધણી બાદ વિવાદ ઊભા થયા છે. આ સ્થિતિમાં સરકાર માને છે કે નોંધણીની પ્રક્રિયામાં પૂર્વ તપાસ અને માતા-પિતાને સાંભળવાની તક આપવાથી ગેરકાયદે અથવા વિવાદાસ્પદ લગ્ન અટકાવી શકાય. નવા નિયમોનો ઉદ્દેશ્ય લગ્ન નોંધણીને માત્ર ઔપચારિક પ્રક્રિયા નહીં રાખતા, કાનૂની સુરક્ષા સાથે જોડવાનો છે.
