Loading...

આજનું હવામાન : આગામી 12 કલાક કમોસમી વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વરસશે કમોસમી વરસાદ

આ વિસ્તારોમાં વરસશે વરસાદ

હવામાન વિભાગ મુજબ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં માવઠું વરસી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનો ચમકારો પણ વધવાની સંભાવના છે.

અનેક જિલ્લામાં વરસ્યો વરસાદ

જામનગર જિલ્લામાં ભરશિયાળે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાલાવાડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. નવારણુંજા, દેવપુર, પીઠડીયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. માવઠાને કારણે ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.

ધાનેરા પંથકમાં ભરશિયાળે ચોમાસું જામ્યું

બનાસકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ધાનેરા પંથકમાં ભરશિયાળે ચોમાસું જામ્યું હોય તેવું દૃશ્ય જોવા મળ્યું. ધાનેરા અને ભાભર વિસ્તારમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું, જેના કારણે ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થવાની આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

વાવ-થરાદ પંથકમાં પણ માવઠાનો પ્રભાવ જોવા મળ્યો. થરાદ અને ભાભર શહેરમાં ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. વધુ વરસાદ પડે તો ખેતી પાકોને ભારે નુકસાન થવાની ભીતિ છે. ખાસ કરીને જીરું, રાયડું, એરંડા સહિતના પાકોને માવઠાના કારણે નુકસાન થવાની શક્યતા છે.

ભાભર અને થરાદ તાલુકાના ખેડૂતો માટે 2025નું વર્ષ આફતો ભરેલું સાબિત થયું છે. વર્ષ દરમિયાન એક પછી એક કુદરતી આફતોનો સામનો કર્યા બાદ વર્ષના અંતિમ દિવસે માવઠું પડતા 2025 ખેડૂતો માટે નુકસાનકારક વર્ષ રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

Image Gallery