Loading...

તબેલામાં ઝેરનો વેપલો, રૂ.1200નું ઘી માત્ર 300માં વેચાતું:સુરતમાં વધુ એક નકલી ઘીનું કારખાનું મળ્યું; 319 કિલો જપ્ત; ઘાતક કેમિકલ એસેન્સ ભેળવાતું

ગુપ્ત બાતમીના આધારે દરોડો લસકાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, લસકાણા ગામમાં આહીર સમાજની વાડી પાછળ આવેલી પીઠાભાઈના તબેલાની એક દુકાનમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ ગંભીર માહિતીને આધારે આજે (5 જાન્યુઆરી) પોલીસે તુરંત એક્શન લીધા હતા અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખીને સંયુક્ત રીતે આ સ્થળ પર દરોડો પાડ્યો હતો.

સોયાબીન ઓઈલ અને એસેન્સમાંથી બનતું 'શુદ્ધ ઘી' પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, પકડાયેલો આરોપી અલ્પેશ ઇશ્વરભાઇ સાંથલીયા (ઉં.વ.30, રહે. સાંઈનાથ સોસાયટી, કામરેજ ચાર રસ્તા) અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતો હતો. તે વધુ નફો કમાવવાની લાલચમાં વેજીટેબલ ઓઈલ અને સોયાબીન ઓઈલને મિશ્રિત કરતો હતો. તેમાં ઘી જેવી સુગંધ આવે તે માટે ખાસ પ્રકારનું એસેન્સ ઉમેરતો હતો. તબેલામાં જે થોડા પ્રમાણમાં ઓરિજનલ ઘી બનતું, તેને પણ આ મિશ્રણમાં ઉમેરી ગરમ કરીને ગ્રાહકોને છેતરતો હતો.

856 કિલો વેજીટેબલ/સોયાબીન ઓઈલ જપ્ત દરોડા દરમિયાન પોલીસ અને ફૂડ વિભાગે ઘટનાસ્થળેથી સામાન જપ્ત કર્યો છે. જેમાં ભેળસેળયુક્ત ઘી 319.54 કિલો (કિંમત રૂ. 79,885), વેજીટેબલ/સોયાબીન ઓઈલ 856 કિલો (કિં.રૂ. 1,25,600), એસેન્સ તથા અન્ય સાધન સામગ્રી કિં.રૂ. 6,380નો સમાવેશ થાય છે. કુલ મુદ્દામાલ રૂ. 2,11,865નો પોલીસે જપ્ત કર્યો છે.

ભોળા ગ્રાહકોને છેતરવાની પદ્ધતિ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, તે આ નકલી ઘીને 'તબેલાનું શુદ્ધ ઘી' કહીને વેચતો હતો. સામાન્ય રીતે 1200 રૂપિયામાં વેચાતું ઘી તે સ્થાનિક નાની દુકાનોમાં માત્ર રૂ. 300 પ્રતિ કિલોના ભાવે સપ્લાય કરતો હતો. એટલું જ નહીં, જે ગ્રાહકો તેની પાસે દૂધ લેવા આવતા હતા, તેઓનો વિશ્વાસ જીતીને તેમને રૂ. 500 પ્રતિ કિલોના ભાવે શુદ્ધ ઘીના નામે આ ઝેર પધરાવી રહ્યો હતો.

અન્ય કઈ-કઈ દુકાનો કે હોટલોમાં સપ્લાય થતું હતું તેની તપાસ સુરત પોલીસે આરોપી અલ્પેશ સાંથલીયાની અટકાયત કરી તેની સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા જપ્ત કરાયેલા ઘીના નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી ઘી શહેરની અન્ય કઈ કઈ દુકાનો કે હોટેલોમાં સપ્લાય કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી ભેળસેળ કરતા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ખૂબ જ સસ્તા ભાવે મળતી ખાદ્યસામગ્રીની શુદ્ધતા બાબતે સાવચેત રહેવું.

સુરતમાં નકલી જ નકલી!

4 ઓક્ટોબરઃ અમરોલી-કોસાડમાંથી નકલી ઘીની ત્રણ ફેક્ટરી ઝડપાઈ હતી

4 ઓક્ટોબરના રોજ અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી 3 જુદી-જુદી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી અને એનાં ગોડાઉનો પર SOGની ટીમે દરોડા પાડ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાર પાડેલા આ કૌભાંડમાં 1.5 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે જ SOGએ ચાર આરોપીને પણ ઝડપી પાડ્યા છે. આ ભેળસેળિયા ઘીનું વેચાણ ગુજરાતમાં જ નહિ, પણ મહારાષ્ટ્રની બજારમાં કરવામાં આવતું હતું. ઘીને દાણાદાર અને સુગંધ યુક્ત બનાવવા માટે કેમિકલ અને કલરનો ધૂમ ઉપયોગ થતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ઘી ખાનારાઓને કેન્સર થવાની પૂરી સંભાવના છે

28 ડિસેમ્બરઃ અડાજણમાંથી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના નામે વેચાતા શૂઝ, ઘડિયાળ, પર્સ, પરફ્યુમ, ગોગલ્સ સહિતનો મોટો જથ્થો મળી આવ્યો હતો

28 ડિસેમ્બરે રાંદેર પોલીસની ટીમે અડાજણ બસ ડેપો સ્થિત 'હબ ટાઉન' કોમ્પ્લેક્સમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને મોટા પાયે ચાલતા નકલી બ્રાન્ડેડ વસ્તુઓના વેપલાને ઝડપી પાડ્યો હતો. હબ ટાઉનમાં આવેલા પાનના ગલ્લાઓ અને વિવિધ દુકાનોમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન કોમ્પ્લેક્સના પાંચમા માળે આવેલી દુકાન નંબર 503 અને 507 શંકાસ્પદ જણાઈ હતી. પોલીસ તપાસમાં આ દુકાનોમાંથી નામી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના નામે વેચાતા શૂઝ, ઘડિયાળ, પર્સ, પરફ્યુમ, ગોગલ્સ, ટી-શર્ટ્સ અને ક્રોક્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

18 ડિસેમ્બરઃ પુણામાંથી નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું હતુ

18 ડિસેમ્બરના રોજ પુણા વિસ્તારમાં આવેલા શાશ્વત પ્લાઝાના બીજા માળેથી લોકોના સ્વાસ્થ્ય અને ત્વચા સાથે ચેડાં કરતી નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું હતું. પોલીસે દરોડો પાડી ડુપ્લીકેટ ત્વચાને કોમળ અને કાળા ડાઘ ઘટાડવાની નકલી ક્રીમનો લાખોનો મુદ્દામાલ જપ્ત કરી સ્થળેથી એક 21 વર્ષીય યુવકની ધરપકડ પણ કરી હતી. આરોપી આ હલકી ગુણવતા વાણી ક્રીમ પર બ્રાન્ડેડ સ્ટીકર લગાવી અડધી કિંમતમાં ઓનલાઈન વેચણ કરતો હતો. આ કૌભાંડમાં 'ડર્મડોક હોનેસ્ટ નાઈટ ક્રીમ' (DermDoc Honest Night Cream) નામની જાણીતી બ્રાન્ડના નામે નકલી ક્રીમ બનાવવામાં આવતી હતી. કંપનીના પ્રતિનિધિઓને આ બાબતની શંકા જતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને સંયુક્ત રીતે રેડ કરવામાં આવી હતી.

14 ઓક્ટોબર, 2025: પિતા-બે પુત્ર મળીને ઓનલાઈન ડુપ્લીકેટ સામાનનો વેપલો ચલાવતા; પોલીસે રેડ કરી પર્દાફાશ કર્યો હતો

14 ઓક્ટોબરે ઝોન 1 એલસીબી અને પુણા પોલીસે પુણા વિસ્તારમાં ગોડાઉનમાં દરોડો પાડીને 11.78 લાખનો ડુપ્લીકેટ ચીઝ-વસ્તુઓનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પિતા અને બે પુત્ર મળીને ડુપ્લીકેટ કોસ્મેટિકનો વેપલો ઇ-કોમર્સ વેબસાઇટ ઉપર ચલાવતા હતાં. આરોપીઓ કોસ્મેટીક ચીજ-વસ્તુઓનું રો-મટિરિયલ સસ્તામાં બહારથી લાવી અલગ-અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી નાની-મોટી બોટલોમાં ભરી વધુ પૈસામાં વેચાણ કરતા હતાં. આ કેસમાં પોલીસે પિતા બાબુ ઉકાભાઈ ચૌહાણ (ઉં.વ.54), નિરલ બાબુ ચૌહાણ (ઉં.વ.27) અને સિધ્ધાર્થ બાબુ ચૌહાણ (ઉં.વ.22)ની ધરપકડ કરી હતી અને 25 હજારના કમ્યુટર અને પ્રિન્ટર કબજે કર્યા હતાં.

Image Gallery