Loading...

ગંભીરા બાદ વધુ એક બ્રિજ તૂટ્યો:માંગરોળમાં જર્જરિત બ્રિજનું સમારકામ શરૂ કરાયું ને સ્લેબ ધરાશાયી

વડોદરા-આણંદ વચ્ચે આવેલો ગંભીરાબ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતાં 21 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જેમાં એક મૃતદેહ હજુ નથી મળ્યો, ત્યારે વધુ એક બ્રિજ તૂટવાની ઘટના જૂનાગઢથી સામે આવી છે. માંગરોળ તાલુકાના આજક ગામે પણ બ્રિજ તૂટી પડ્યો છે. આ ઘટનામાં હીટાચી મશીન સાથે આઠથી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા, જોકે, સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો છે. બીજી તરફ જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.
આઠથી વધુ લોકોનો ચમત્કારિક બચાવ મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આજે મોટી દુર્ઘટના ઘટી હતી. આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં હીટાચી મશીન સહિત આઠથી વધુ લોકો નીચે નદીમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈપણ જાનહાનિ થઈ નથી.
ભારે અવાજ સાથે હીટાચી મશીન નીચે ખાબક્યું આજક ગામે આવેલો પુલ કેશોદને માધવપુર સાથે જોડતો મહત્વનો માર્ગ છે, જ્યાં ઘણા વાહનો રોજ પસાર થાય છે. આજે સવારે પુલના સમારકામનું કામ ચાલી રહ્યું હતું. હીટાચી મશીન સાથે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થતાં ભારે અવાજ સાથે હીટાચી મશીન નીચે ખાબક્યું હતું.પુલના સ્લેબ પર આઠ-દસ લોકો પણ ઉભા હતા, જે સ્લેબ તૂટી પડતાં સીધા નદીમાં ખાબક્યા, પરંતુ સદનસીબે કોઇ ગંભીર ઇજા કે જાનહાનિ નહીં થઇ. દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયો છે, જેમાં જોવા મળે છે કે પુલનો સ્લેબ તૂટતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
'આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે' જિલ્લા કલેક્ટર વધુમાં જણાવ્યું કે, આજક ગામનો આ પુલ પણ છેલ્લા બે દિવસથી વાહન વ્યવહાર માટે બંધ હતો. એન્જિનિયરોના ઈન્સ્પેક્શનમાં જણાવાયું હતું કે પુલ તોડી ફરીથી બનાવવો પડે જેથી સમારકામ શરૂ કરાયું હતું. સમારકામ સમયે JCB સહિત સાધનો રાખવામાં આવ્યા હતા. પરંતુ પુલ પર વજન થવાથી ધરાશાયી થયો અને JCB પણ નીચે આવી પડી. કલેક્ટરે વધુમાં કહ્યું કે પુલના બંને કાંઠે ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા હતા,કારણ કે પુલ બંધ રાખવામાં આવ્યો હતો અને આ પુલ તૂટ્યો નથી તોડવામાં આવ્યો છે. આજક ગામના સરપંચે જણાવ્યું કે, પુલ સમારકામ જોવા માટે લોકો પણ સ્થળ પર હાજર હતા. જ્યારે પુલ તૂટતાં કેટલાક લોકો નીચે પડી ગયા હતા, પરંતુ કોઈને ગંભીર ઈજા થઈ નથી.

Image Gallery