Loading...

વડોદરામાં પાંચ કલાકમાં ત્રણ અકસ્માતમાં ત્રણ વૃદ્ધના મોત:વડસરબ્રિજ પાસે VMCના ડમ્પરે સાઇકલ સવાર, એરપોર્ટ સર્કલે આઈસરે રાહદારી ને ફતેગંજમાં ટ્રકે એક્ટિવા ચલાકને કચડ્યા

ડમ્પર ડીઝલ પુરાવીને બહાર આવ્યું ને વૃદ્ધને અડફેટે લીધા મળતી માહિતી મુજબ, વૃદ્ધ વ્યક્તિ સાઇકલ લઈને વડસરબ્રિજ પાસેના રોડ પરથી પસાર થઈ રહી હતી. એ દરમિયાન વડોદરા મહાનગરપાલિકાનું ડમ્પર ડીઝલ પુરાવીને પેટ્રોલ પંપની બહાર આવી રહ્યું હતું અને તેણે વૃદ્ધને અડફેટે લીધા હતા. એના પગલે વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થતાં ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા.

પ્રત્યક્ષદર્શીએ વધુમાં જણાવ્યું હતું કે અકસ્માત સર્જી આગળ ઊભા ડમ્પરચાલક પાસે એક લેડીઝ ત્યાં આવ્યાં અને તેમણે પૂછ્યું કે ‘આ શું કર્યું?’ એટલે ડ્રાઈવર ત્યાંથી ગાડી મૂકીને ભાગી ગયો હતો, મેં મારી નજરે આ આખી ઘટના જોઈ છે.

ઘટનાના પગલે વડસરબ્રિજ પાસે લોકોનાં ટોળાં એકઠા થઈ ગયાં અકસ્માત સર્જાતાં જ ડમ્પરચાલક વાહન છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના પગલે વડસરબ્રિજ પાસે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં અને ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. અકસ્માત સર્જનાર ડમ્પરચાલક સામે લોકોમાં રોષની લાગણી વ્યાપી હતી અને અકસ્માતના કારણે વાહનવ્યવહાર અસ્તવ્યસ્ત બન્યો હતો.

અકસ્માત સર્જી ફરાર ડમ્પરચાલકની શોધખોળ હાથ કરાઈ ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. અકસ્માત સર્જી ફરાર ડમ્પરચાલક શોધખોળ શરૂ કરાઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

એરપોર્ટ સર્કલ પાસે આઈસરે કાર અને બે બાઈકને અડફેટે લીધા શહેરના એરપોર્ટ સર્કલ પાસે આઈસર અને બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 69 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓને લઈ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં આઈસર ચાલકે પહેલા એક ઝાડને ટક્કર મારી હતી અને બાદમાં નીકળી પર જતા રાહદારીને ઉડાવ્યા અને બાદમાં બે બાઇક અને એક કારને ટક્કર મારી હતી.

રાહદારીનું ઘટનાસ્થળે જ મોત, બાઈકચાલકને ઇજા પુરપાટ ઝડપે આવી રહેલા આઇસર ચાલકે અમિતનગર સર્કલથી એરપોર્ટ સર્કલ તરફ જતા પહેલા ઝાડને ટક્કર મારી હતી. બાદમાં આ આઇસર 60થી 70 ફૂટ આગળ સુધી એક રાહદારી, બે બાઇક અને એક કારને અડફેટે લીધી હતી. જેમાં રાહદારી મૃતક હસમુખ સોમાભાઈ વણકર (ઉંમર વર્ષ 69)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય એક બાઈક ચાલક દિલીપભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ફતેગંજમાં ટ્રકની અડફેટે એક્ટિવા ચાલકનું મોત શહેરના છાણી ફતેગંજ વિસ્તારમાં એક્ટિવા ચાલક અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. ટ્રક ચાલકે અડફેટે લેતા રાજુ પરમાર (ઉ.વ.60) નામના એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટ્રકનું ટાયર એક્ટિવા ચાલક પરથી ફરી વળ્યું હતું. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

અકસ્માતમાં રોડ પર માંસના લોચા વિખેરાયા અકસ્માત થતા જ રોડ પર માંસના લોચા જોવા મળ્યા હતા. મૃતક રાજુ પરમાર ફતેગંજ વિસ્તારમાં આવેલા અમરનગરમાં રહેતા હતા અને રેલવેમાંથી નિવૃત્ત થયા હતા. તેઓ બેંકના કામ અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. આ બનાવમાં ફતેગંજ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પોહચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રક ચાલક ફરાર થતા પોલીસે શોધખોળ હાથ ધરી આ હિટ એન્ડ રનનો બનાવમાં ટ્રક ચાલક ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઘટનામાં મૃતક રાજુ પરમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ સાથે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે હાલમાં ફતેગંજ પોલીસે ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Image Gallery