Loading...

રોંગ સાઇડમાં આવતા બાઈક ચાલકને બચાવવા જતા મોત મળ્યું, CCTV:સુરતમાં હીરાના કારખાનેદારે બ્રેક મારતા બાઈક પરથી પટકાયા, સિટી બસ ચાલકે કચડી નાખતા મોત

અચાનક સામેથી એક બાઈક ચાલક પૂરઝડપે રોંગ સાઈડમાં આવ્યો સુરતના ઉત્રાણ વીઆઈપી રોડ પર આવેલા સિલ્વર લક્ઝરિયામાં રહેતા 29 વર્ષીય નિકુંજભાઈ સુભાષભાઈ સવાણી વ્યવસાયે હીરાનું કારખાનું ધરાવતા હતા. શુક્રવાર(9 જાન્યુઆરી)ની સવારે તેઓ પોતાના પરિચિત કેતનભાઈ સાથે બાઈક પર સવાર થઈને શરીન મશીન રીપેરીંગના કામ અર્થે નીકળ્યા હતા. જ્યારે તેઓ ફૂલપાડાથી રત્નમાલા વચ્ચે આવેલા 'ખાટુંશ્યામ ડિઝાઇનર'ની દુકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક સામેથી એક બાઈક ચાલક પૂરઝડપે રોંગ સાઈડમાં આવી ચઢ્યો હતો.

બાઇક સ્લીપ થતાં બંને મિત્રો રોડ પર પટકાયા સામેથી આવતા આ વાહન સાથેની ટક્કર બચાવવા જતાં નિકુંજભાઈએ પોતાના બાઈક પરનું સંતુલન ગુમાવ્યું હતું. રસ્તો ભીનો હોવાને કારણે અથવા ગભરાટમાં બ્રેક મારવાને લીધે તેમની બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને બંને મિત્રો રોડ પર પટકાયા હતા.

સિટી બસે કચડી નાખ્યા દુર્ભાગ્યવશ, નિકુંજભાઈ જે ક્ષણે રોડ પર પડ્યા, તે જ સમયે બાજુમાં પૂરઝડપે એક સિટી બસ આવી રહી હતી. બસના ચાલકને બ્રેક મારવાનો સમય મળે તે પહેલા જ બસનું ટાયર નિકુંજભાઈ પર ફરી વળ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે નિકુંજભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તુરંત જ તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, બાઈકની પાછળ બેસેલા કેતનભાઈને સદનસીબે સામાન્ય ઈજાઓ પહોંચી છે, જેઓ હાલ આઘાતમાં છે.

અકાળે અવસાનથી પરિવાર શોકમગ્ન માત્ર 29 વર્ષની નાની ઉંમરે નિકુંજભાઈનું અવસાન થતા સવાણી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મહેનતુ અને વ્યવસાયમાં આગળ વધી રહેલા નિકુંજભાઈના અકાળે અવસાનથી ઉત્રાણ અને કતારગામ વિસ્તારના રત્નકલાકારો અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

રોંગ સાઇડમાં આવતા બાઇકચાલકની શોધખોળ આ ઘટના અંગેની જાણ થતા જ કતારગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે નિકુંજભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સિટી બસના ચાલક સામે ગુનો નોંધવાની સાથે, જે રોંગ સાઈડમાં આવતા બાઈક ચાલકને કારણે આ અકસ્માત સર્જાયો તેની શોધખોળ કરવા માટે આસપાસના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.

રોંગ સાઈડ ડ્રાઈવિંગ એક ગંભીર સમસ્યા સુરતમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવાની બદી વકરી રહી છે. શોર્ટકટ લેવાની લાયમાં લોકો પોતાના અને બીજાના જીવ જોખમમાં મૂકે છે. આ અકસ્માત ફરી એકવાર લાલબત્તી સમાન છે કે નિયમોનું ઉલ્લંઘન કેવી રીતે એક હસતા-રમતા પરિવારનો દીવો બુઝાવી શકે છે.

ગોધરા-અમદાવાદ હાઇવે પર ટ્રકે ડિવાઈડર તોડીને બીજી ટ્રકને ટક્કર મારી

તો આજે વહેલી સવારે ગોધરાથી અમદાવાદ તરફ આઈસ્ક્રીમ ભરીને જઈ રહેલી એક ટ્રક ગોધરા-અમદાવાદ હાઇવે પર ડોક્ટરના મુવાડા પાસે ડિવાઈડર તોડીને સામેથી આવતી પથ્થર ભરેલી અન્ય ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતાં બંને ટ્રકમાં ભયાનક આગ લાગી હતી. આ અકસ્માતમાં એક ટ્રકના ડ્રાઇવરને બહાર નીકળવાનો મોકો ન મળતાં એ જીવતો ભૂંજાઇ ગયો હતો.