Loading...

હવે તમામ ઇમરજન્સી માટે એક જ નંબર, DIAL 112

પોલીસનો 100 નંબર, ફાયર બ્રિગેડનો 101 નંબર, એમ્બ્યુલન્સનો 108 નંબર, મહિલા અભયમનો 181 અને સાયબર હેલ્પલાઇન માટે 1930 નંબર હવે ભૂતકાળ બની જશે. રાજકોટવાસીઓએ હવે ઇમરજન્સી સેવામાં મદદ માટે અલગ અલગ નંબર યાદ રાખવાની જરૂર રહેશે નહીં, કારણ કે રાજકોટ શહેરમાં આજથી 112 જનરક્ષક હેલ્પલાઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેથી તમામ પ્રકારની ઇમરજન્સીમાં હવે ફક્ત એક જ નંબર પરથી સહાયતા મળી રહેશે. ઉલ્લેખનીય છે કે આ નવી હેલ્પલાઇનનું સંચાલન તદ્દન ડિજિટલ સિસ્ટમથી કરવામાં આવનાર છે જેના માટે કર્મચારીઓને બે વખત તાલીમ પણ આપી દેવામાં આવી છે અને આજથી 112 હેલ્પલાઇનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ હેલ્પલાઇનને જનરક્ષક હેલ્પલાઇન નામ આપવામાં આવ્યું છે

વર્ષ 2019માં 112 ઈઆરએસએસ હેલ્પલાઇન નંબર જાહેર કરાયો હતો 

ગુજરાતના તમામ નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તેના માટે વર્ષ 2019માં 112 ઈઆરએસએસ (ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ) હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. 112 નંબરના માધ્યમથી સ્વાસ્થ્ય અને પરિવાર, પોલીસ, આગ, મહિલા અને બાળ વિકાસ અને રેવન્યુ- આપદા વ્યવસ્થાપન વિભાગના સ્વતંત્ર ટોલ-ફ્રી નંબરને એકીકૃત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તબક્કામાં આ કામગીરી ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહીસાગરમાં શરૂ કરવામાં આવી હતી જ્યા પાયલોટ પ્રોજેક્ટને સફળતા પ્રાપ્ત થતાં 112 હેલ્પલાઇનની રાજ્યભરમાં અમલવારીનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પોલીસની પીસીઆર વાન પર હવે '100' ની જગ્યાએ ‘112’ લખેલું જોવા મળશે 

હવે જનરક્ષક હેલ્પલાઇનની અમલવારી રાજકોટ શહેરમાં થવા જઈ રહી છે ત્યારે શહેર પોલીસની તમામ 17 પીસીઆર વાન પર હવે '100' ની જગ્યાએ હવે ડાયલ 112 લખેલું જોવા મળશે. 112 હેલ્પલાઇનનો મુખ્ય કંટ્રોલરૂમ ગાંધીનગર ખાતેથી કાર્યરત રહેશે અને સાથોસાથ જે તે શહેર-જિલ્લાના કંટ્રોલરૂમમાં પણ પીસીઆરનું મોનીટરીંગ કરવામાં આવશે. જેથી હવે 112 નંબર ડાયલ કરતા પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન સહિતની તમામ સહાયતા એક જ નંબર પરથી લોકોને મળી રહેશે. જનરક્ષક 112 હેલ્પલાઇન શરૂ થતા 100 નંબર તાત્કાલિક બંધ કરી દેવામાં આવશે તેવું સહેજ પણ નથી પરંતુ લોકો 100 નંબર ડાયલ કરશે તો કોલ આપોઆપ 112 નંબર પર ટ્રાન્સફર થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મોબાઈલ-લેન્ડલાઈન પરથી 112 ડાયલ થઈ શકશે 

112 નંબર ડાયલ કરવા માટે મોબાઈલ ફોન અને લેન્ડલાઈન ફોનનો પણ ઉપયોગ કરી શકાશે. આ કોલની સેવા નિઃશુલ્ક રહેશે. 112ની સેવાના પ્રારંભ સાથે રાજકોટની દરેક પીસીઆર વાનમાં એસઓપી મુજબ એક વાયરલેસ સેટ, એક ટેબ્લેટ, કાર ચાર્જર (જનરક્ષક એપ્લીકેશન ઈન્સ્ટોલેશન માટે), ઈમરજન્સી લાઈટ, જીપીએસ, આગ બુઝાવવાના સાધનો, ફર્સ્ટ એઈડ બોક્ષ, સહિતની સામગ્રી હાજર રાખવામાં આવશે.

પોલીસ સ્ટેશન દીઠ કર્મચારીઓને તાલીમ અપાશે 

નવી હેલ્પલાઇનમાં તમામ કામગીરી ડિજિટલી કરવામાં આવનાર છે. જેમાં પીસીઆર વાનને સહાયતાના કોલથી માંડી અંતિમ રિપોર્ટ સબમિટ કરવા સુધીની તમામ કામગીરી ડિજિટલી કરવાની રહેશે જેના માટે તમામ પીસીઆર વાનના ઇન્ચાર્જને ટેબ્લેટ આપવામાં આવશે. આ ટેબ્લેટ ઓપરેટ કરવા અંગે સ્ટાફની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. એક તબક્કાની તાલીમ પૂર્ણ થઈ ગયા બાદ હવે પોલીસ સ્ટેશન દીઠ કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.

વર્ષ 2019માં 7 જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલવારી કરાઈ હતી 

નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તેના માટે વર્ષ 2019માં 112 ઈઆરએસએસ (ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ) હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. 112 નંબરના માધ્યમથી સ્વાસ્થ્ય અને પરિવાર, પોલીસ, આગ, મહિલા અને બાળ વિકાસ અને રેવન્યુ- આપદા વ્યવસ્થાપન વિભાગના સ્વતંત્ર ટોલ-ફ્રી નંબરને એકીકૃત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તબક્કામાં આ કામગીરી રાજ્યમાં અત્યારે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગરમાં શરૂ છે જેની અમલવારી હવે સમગ્ર રાજ્યમાં તબક્કાવાર થવા જઈ રહી છે. 19 ફેબ્રુઆરી, 2019ના રોજ પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયાં બાદ ઈઆરએસએસ-112 અંતર્ગત ગુજરાતમાં 1.49 કરોડથી વધુ ઇમરજન્સી કોલ સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 69,477 કેસોમાં તાત્કાલિક સહાય માટે ઇમરજન્સી ટીમો મોકલવામાં આવી હતી.

પીસીઆર વાનમાં ફરજ બજાવતા કર્મચારીઓની તાલીમ પૂર્ણ 

પોલીસ કંટ્રોલ રૂમના એસીપી વી.જી.પટેલના જણાવ્યા અનુસાર હાલ રાજકોટ શહેર પોલીસ પાસે 17 પીસીઆર વાન ઉપલબ્ધ છે જે તમામ પીસીઆર વાન હવે જનરક્ષક 112 હેલ્પલાઇનનું સ્વરૂપ ધારણ કરી રહી છે જયારે વધુ 16 પીસીઆર વાનને મંજૂરી મળી ચુકી છે જેથી ટૂંક સમયમાં વધુ 16 જનરક્ષક વાન રાજકોટ શહેર પોલીસને ફાળવવામાં આવનાર છે. હાલ પીસીઆર વાનમાં ફરજ બજાવતા કર્મચારીઓની તાલીમ પૂર્ણ કરી લેવામાં આવી છે જેથી હવે હેલ્પલાઇનની અમલવારી આજથી શરૂ કરવા નક્કી કરવામાં આવ્યું છે.

સહાયતાના કોલ બાદ 48 કલાક પછી અરજદારોનું ફીડબેક લેવાશે 

જનરક્ષક હેલ્પલાઇનનું કંટ્રોલરૂમ ગાંધીનગર ખાતે ઉભું કરવામાં આવ્યું છે. જે રાજ્યની તમામ પીસીઆર વાનનું મોનીટરીંગ કરશે. સાથોસાથ અલગ અલગ શહેર-જિલ્લાના પોલીસ કંટ્રોલરૂમમાં પણ પીસીઆર વાનનું મોનીટરીંગ કરવામાં આવનાર છે. જેથી સહાયતા માટે મળેલા કોલથી માંડી રિસ્પોન્સ આપ્યાના સમયનું મોનીટરીંગ બે-બે સ્થળો પર કરવામાં આવશે. વધુમાં એસીપી વી.જી.પટેલે જણાવ્યું હતું કે, સહાયતાના કોલ બાદ 48 કલાક પછી અરજદારોનું ફીડબેક પણ લેવામાં આવશે.

કેવી રીતે હેલ્પલાઇન નંબર કામ કરશે? 

કોઈ પણ અરજદાર જયારે 112 હેલ્પલાઇન નંબર ડાયલ કરશે તો સીધો જ ગાંધીનગર કંટ્રોલરૂમ ખાતે કોલ કનેક્ટ થઈ જશે. જે બાદ પીસીઆર વાનના જીપીએસ લોકેશનના આધારે નજીકમાં રહેલી પીસીઆર વાનને આપવામાં આવેલ ટેબ્લેટ પર ડિજિટલી વર્ધી આપવામાં આવશે. જે બાદ પીસીઆર વાન લોકેશનના આધારે બનાવ સ્થળે મદદે પહોંચશે. બાદમાં પીસીઆર વાનના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ પણ ડિજિટલી જ અપલોડ કરવામાં આવશે.

હેલ્પલાઇન માટે પોલીસ મથક દીઠ સ્ટાફની નિમણુંક કરાશે 

રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં હાલ 23 પીસીઆર વાન ઉપલબ્ધ છે જેને જનરક્ષક હેલ્પલાઇનમાં રૂપાંતરીત કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સ્ટાફની તાલીમ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. જનરક્ષક હેલ્પલાઇન અર્થે હેડક્વાર્ટરમાંથી ડ્રાયવરની ફાળવણી કરવામાં આવશે જયારે પોલીસ મથક દીઠ સ્ટાફની નિમણુંક કરવામાં આવશે.